Comments

સરકારનું કોઇ માનતુ નથી કે સરકાર કોઇને કાંઇ કહેતી નથી

ગુજરાતમાં સરકારે વિધાનસભામાં વિધેયક પસાર કરીને રોજિંદા ધોરણે એસ.ટી. બસની જેમ પબ્લિક ટ્રાન્સપોર્ટેશન ખાનગી ધોરણે પણ ચલાવી શકાશે તેવી મંજૂરી આપી નથી છતાન ગુજરાતના તમામ મોટા શહેરોમાં ખાનગી ટ્રાન્સપોર્ટેશન દ્વારા મુસાફરોની રોજની આવન-જાવન થાય છે. ટ્રાવેલ્સ કંપનીઓની ઓફીસો છે અને મુસાફરો રોજીંદા ધોરણે ટીકીટ લઇને તેમની બસોમાં મુસાફરી કરે છે. અહીંયા સારી સુવિધા પ્રાપ્ત લકઝરી બસોથી માંડીને ખાનગી ખખડી ગયેલી ટેમ્પો જેવી બસો, જીપો, ટ્રકો બધું જ ચાલે છે. બેફામ ઝડપે ચાલે છે. ગમે ત્યાં પાર્કીંગ કરે છે. અમાનવીય રીતે મુસાફરોને ભરે છે. શહેરમાં છકડા રીક્ષા, શટલ રીક્ષા ચાલે તે જ રીતે આ ખાનગી ટ્રાન્સપોટેશન ચાલે છે? અને સામાન્ય નાગરીકના પી.યુ.સી., સીટ બેલ્ટ, કે વીમાના કાગળ ઉઘરાવતી પોલીસ આ ગેરકાયદે ટ્રાન્સપોર્ટેશન માટે કદી ‘ડ્રાઇવ’ ચલાવતી નથી!

જાણકારો જાણે છે કે રાજયમાં પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનું ખાનગીકરણ થયું જ નથી. ન ખાનગી ટ્રાવેલ્સને રોજીંદા ધોરણે અપડાઉનની છૂટ છે! હા, પ્રાઇવેટ ટ્રાન્સપોટેશન માન્ય છે! મતલબ કે વ્યકિત કે વ્યકિતના સમુહ ખાનગી ધોરણે વાહન ભાડે કરી શકે છે. સંખ્યા વધારે હોય તો લકઝરી ભાડે મેળવી શકે છે. આ બુકીંગ કર્યા પછીની મુસાફરી છે. હાલમાં રાજયમાં જે ટ્રાવેલ્સ ધંધો ચાલે છે તે દેખીતો ગેરકાયદે છે પણ કાગળ ઉપર કાયદેસર છે! કારણ દરેક ટ્રાવેલ્સવાળા મુસાફરોનું લીસ્ટ બનાવે છે. તેમના માણસને એજન્ટ બનાવે છે જે મુસાફરી માટે વાહન ભાડે લે છે! એટલે કાગળ ઉપર તો લકઝરી બસના મુસાફરોએ ટાવેલ્સ એજન્સી પાસેથી લકઝરી ભાડે કરી છે. મુસાફરો બસમાં બેસવા નથી ગયા. મુસાફરોએ બસ બોલાવી છે? લાંબો સમય માટે ચાલતી ગેરકાયદે વર્તણૂક આપણને કાયદેસર લાગવા લાગે છે તેમ પ્રજાને પણ હવે રોજીંદા ધોરણે ચાલતો આ ખાનગી વાહન વ્યવહાર કાયદેસર લાગવા લાગ્યો છે.

હવે સમય જતા લકઝરી બસોની સંખ્યા વધવા લાગી. ઉચ્ચ મધ્યમ વર્ગ સરકારી બસના ધાંધીયાથી કંટાળી ખાનગી લકઝરીમાં જવા લાગ્યો અને સત્તામાં બેઠેલા લોકોના સગા વહાલાજ આ ખાનગી પણ પબ્લિક ટ્રાન્સપોર્ટેશન ચલાવવા લાગ્યા! થોડા વર્ષો પહેલા અમદાવાદના કમિશનરે ખાનગી લકઝરી બસોને શહેરમાં પ્રવેશવા પર પ્રતિબંધ લગાવ્યો હતો. પછી તેમાં રાહત કરીને સવારના આઠથી રાતના દસ દરમ્યાન પ્રતિબંધ રાખવામાં આવ્યો. હવે આવો જ મુદ્દો સુરતમાં ઉભો થયો તો લકઝરી બસાવળાએ ભેગા થઇ પ્રજાને બાનમાં લીધી છે. આમ તો ગેરકાયદે પ્રવૃત્તિ છે પણ પ્રજાને એવી ટેવ પાડી દીધી છે કે ખાનગી લકઝરી બસ વગર હવે ચાલે તેમ નથી.

પણ વાત માત્ર ટ્રાવેલ્સ સંચાલકોની નથી. થોડા સમય પહેલા બિલ્ડર લોબી પણ સરકાર સામે પડી અને સરકારે જંત્રીના નવા દર અમલમાં મુકવાનું થોડો સમય મુલતવી રાખ્યું! બધા જાણે છે કે શહેરોમાં 60/40ના રેશિયામાં જ પ્રોપર્ટીના દસ્તાવેજ થાય છે! ખરીદ કિંમત કરતા ઓછી રકમ જ દસ્તાવેજમાં દર્શાવાય છે! સરકારે સાચી રકમ દર્શાવવાનું કહ્યુન તો બિલ્ડરો સામા પડયા! તો પ્રશ્ન એ થાય છે કે છેલ્લા સત્યાવીસ વર્ષથી શાસનમાં છે તે સત્તાવાળાનું હવે કોઇ માનતુ નથી કે સત્તાવાળા કોઇને કાંઇ કહેવા માંગતા નથી?ખાનગી ટ્રાવેલ્સવાળાને સરકારનો ડર નથી, બિલ્ડર લોબી સરકાર સામે થાય છે. થોડા વર્ષ પહેલા સ્કુલ સંચાલકો પર સરકાર કડક થવા ગઇ પણ પરિણામ આપણી સામે છે. કેન્દ્ર સરકાર જે પ્રકારના કડક પગલા માટે જાણીતી છે અને તેની સર્જીકલ સ્ટ્રાઇક રાજય સરકાર કરી શકે!

હા, રાજય રકાર અવનવા પરિપત્રો દ્વારા પોતાના કોન્ટ્રાકટ બેઝ કર્મચારીઓ પ્રાથમિક શાળાના શિક્ષકો, ફિકસ પગારવાળાને સતત દબડાવ્યા કરે છે પણ છકડા રીકસાથી બેફામ વાહન હઠાવતા ટ્રાવેલ્સવાળા, ઉઘાડી લૂંટ ચલાવતા શાળા સંચાલકો, ખાનગી હોસ્પિટલના સંચાલકો કે મોટી રોક રકમ માંગીને કાળુ નાણું સર્જતા બિલ્ડર સામે લાલ આંખ કરી શકશે?વળી અત્યારે જે મુદ્દો ઉભો થયો છે તે વિપક્ષના ધારાસભ્ય દ્વારા ઉભો નથી થયો. શાસક પક્ષના જ ધારાસભ્યએ પત્ર લખીને ધ્યાન દોર્યું છે! આમ તો આ ઘટનાઓએ ‘પાઘડીનો વળ છેડે’ એ કહેવતને સાચી પાડે છે. એક જ પક્ષ જયારે સતત જીવ્યા કરે ત્યારે તમામ સ્થાપિત હિતો આ પક્ષમાં ભળી જતા હોય છે. સત્તા ટકાવવા માટે શાસકો પણ આમની આળ પંપાળ કરતા હોય છે. એટલે પછી જયારે કાયદાના શાસનને પાળવાની વાત આવે ત્યારે સ્થાપિત હિતો ગાંઠતા નથી.

સત્તા ટકાવવા અને મેળવવા માટે જાહેર સેવાઓનું ખાનગીકરણ કરવું. નિયમોની એસીતેસી કરનારા સામે આંખ આડા કાન કરવા પોતાના લાગતા વળગતાઓને જ આ બધામાં ગોઠવી દેવા. એટલે હવે જાહેર આરોગ્ય, જાહેર વાહન વ્યવહાર, જાહેર બાંધકામ, જાહેર શિક્ષણ આ બધામાં સ્થાપિત હિતો મનમાની કરવા લાગ્યા છે. આમ તો સત્તા સૌથી મજબૂત હોય છે. પણ ભ્રષ્ટ થયા પછી આ શસકત જ સૌથી વધુ લાચાર બની જાય છે. એક ધારાસભ્યના પત્ર લખવા માત્રથી લકઝરી બસના સંચાલકો મુસાફરોને શહેર બહર ઉતારી મુકે છે. આ લાચાર પ્રજાલાચાર લોકશાહીનું પ્રતિક છે. આવી જ રીતે કાલે શાળા સંચાલકો બાળકોને ભણાવવાનું બંધ કરશે? હોસ્પિટલો દર્દીઓ તપાસવાનું બંધ કરશે.ગેસ એજન્સી ગેસ સપ્લાય બંધ કરશે! એક નો જ ઇજારો હશે તો મોબાઇલ કંપની પણ આપણું શોષણ કરશે! કારણ સરકારે પોતે તો કશુ હાથમાં રાખ્યું જ નથી કે સ્પર્ધા થાય? વિકલ્પ પૂરો પાડી શકાય? સત્તાવાળા તો આ વાત નહીં સમજે પણ આવનારી આફતના એંધાણ રાજયના પ્રબુધ્ધ લોકો સમજે તો પણ ઘણું!  
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top