SURAT

સુરત: બોર્ડ એક્ઝામમાં ભૂલથી પણ આવી કોઈ હરકત કરી તો મર્યા જ સમજો

સુરત: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-10 અને 12ની પરીક્ષા 14 માર્ચથી શરૂ થશે. રાજ્યવ્યાપી પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ના થાય એ માટે જિલ્લા શિક્ષણાધિકારીએ સુરતમાં બે અને બારડોલી એક સહિત ત્રણ સેન્ટર પર સીસીટીવી ચેકિંગ હાથ ધરાશે. જ્યાં સુરત શહેર જિલ્લાનાં 544 પરીક્ષા સ્થળની રોજેરોજની સીસીટીવીની સીડી ચેક કરવામાં આવશે.

  • ધો.10-12ની પરીક્ષામાં ગેરરીતિ નહીં થાય એ માટે ત્રણ સેન્ટર પર 544 પરીક્ષા સ્થળના 5,301 ખંડનું ચેકિંગ કરાશે
  • પ્રશ્નપત્ર શરૂ થવા પહેલાં સોશિયલ મીડિયા પર પેપર મળ્યું છે જેવો સાચો કે ખોટો મેસેજ કરવા ગયા તો ખેર નહીં, પોલીસ કેસ થશે, ત્રણ પરીક્ષા સુધી બેસી શકાશે નહીં

ગુજરાત શિક્ષણ બોર્ડે જણાવ્યું છે કે, સીસીટીવી ચેકિંગમાં પરીક્ષાર્થી બીજા પરીક્ષાર્થીને મૌખિક કે સંકેત દ્વારા ગેરરીતિ કરતો પકડાશે, સાહિત્ય લાવેલું દેખાશે, સાહિત્યની આપ-લે કરતો પકડાશે અને જવાબવહીમાં ઉતારો કરતા પકડાશે તો પછી જે-તે વિષયનું પરિણામ રદ કરવામાં આવશે. ઉપરાંત તેમને મદદ કરતા પરીક્ષાર્થીનું પણ પરિણામ રદ કરી દેવાશે. ઉપરાંત પરીક્ષાર્થી સૂચનાનું પાલન નહીં કરશે તો પણ પરિણામ રદ કરી દેવાશે.

પરીક્ષાર્થી ચલણી નોટ મૂકશે તો પછી પરિણામ રદ કરવાની સાથે સાથે એક પરીક્ષા સુધી બેસી શકશે નહીં. પરીક્ષાર્થી ઉત્તરવહી બારીમાંથી બહાર ફેંકી દે છે અથવા ફાડી નાંખે છે તો આખી પરીક્ષાનું પરિણામ રદ કરવામાં આવશે. પરીક્ષાર્થી પુરવણી નહીં આપશે તો તેની સામે પોલીસ કેસ કરાશે, ઉપરાંત એક પરીક્ષામાં બેસી શકશે નહીં અને આખી પરીક્ષાનું પરિણામ રદ કરી દેવાશે. એક પરીક્ષાર્થી બીજા પરીક્ષાર્થીને કાપલી આપતો કે લેતો હશે તો બંનેનું સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ કરી દેવાશે. પરીક્ષાર્થી કોઈ નિશાની પણ કરશે અને તે સાબિત થશે તો તેનું આખું પરિણામ રદ કરી દેવાશે.

મોબાઈલ કે અન્ય કોઈ ગેઝેટ લાવનાર વિદ્યાર્થીને પરીક્ષામાં બેસવા દેવાશે નહીં
વિદ્યાર્થી મોબાઇલ સહિતનાં ઇલેક્ટ્રોનિક્સ ગેઝેટ લાવે છે, તો પછી તેનું સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ કરવાની સાથે તેના પર પોલીસ કેસ કરવામાં આવશે તથા બે પરીક્ષામાં બેસવા દેવાશે નહીં. પરીક્ષાર્થીને સોશિયલ મીડિયા ઉપર પ્રશ્નપત્ર મળ્યાનો સંદેશ પ્રશ્નપત્ર શરૂ થયા અગાઉ મળે કે પરીક્ષા દરમિયાન પરીક્ષાર્થી દ્વારા પ્રશ્નપત્ર કે પ્રશ્નપત્રને લગતી વિગતો, જવાબો, ઇલેક્ટ્રોનિક ગેઝેટ કે અન્ય રીતે બહાર મોકલવામાં આવે કે મેળવવામાં આવે તો તેની સામે પોલીસ કેસ થશે. પરીક્ષા સ્થળના સંચાલકે મુદ્દામાલ પોલીસને આપવાનો રહેશે. આખું પરિણામ રદ કરવાની સાથે આગામી ત્રણ પરીક્ષા સુધી બેસી શકશે નહીં.

Most Popular

To Top