સુરત: સુરત કસ્ટમ નોટિફાઇડ એરપોર્ટથી ઓપરેટ થતી શારજાહ-સુરતની એકમાત્ર ઇન્ટરનેશનલ ફ્લાઈટનો ઉપયોગ સોનાની દાણચોરી માટે થઈ રહ્યો હોય એવું ચિત્ર ઉપસી રહ્યું છે. શારજાહ – સુરતની ફ્લાઈટ સુરત એરપોર્ટ આવી ત્યારે આગોતરી બાતમીના આધારે અમદાવાદ કસ્ટમ્સ એર ઇન્ટેલિજન્સ યુનિટની ટીમે એરપોર્ટના લગેજ કલેક્શન એરિયામાં પ્રવેશ કરી આરોપીની શોધખોળ કરી હતી.
- ગોલ્ડ બાર એડહેસિવ ટેપથી લપેટી મોબાઈલ ફોનના ફ્લિપ કવરમાં ટ્રોલીમાં સંતાડાયું હતું
- અમદાવાદ એર ઈન્ટેલિજન્સ યુનિટે બાતમીના આધારે દરોડો પાડ્યો પણ લાવનાર ગાયબ થઈ ગયો
બાતમીમાં વર્ણન મુજબનો આરોપી ન દેખાતા લગેજ એરિયાની એક ટ્રોલીમાં કશુંક ચોંટાડેલું જોવા મળતા આ બેગેજ ટ્રોલીમાંથી 10 વિદેશી મૂળના ગોલ્ડ બાર મળી આવ્યા હતાં. જેનું વજન કુલ 1166.65 ગ્રામ હતું. આ પેકેટને અધિકારીઓએ જપ્ત કરી સ્થાનિક કસ્ટમ અધિકારીઓની હાજરીમાં ખોલ્યુ હતું. જેમાં સોનાની પટ્ટીઓ એડહેસિવ ટેપથી લપેટી મોબાઈલ ફોનના ફ્લિપ કવરમાં છુપાવવામાં આવી હતી. દાવા વગરના વિદેશી મૂળના સોનાનું કુલ વજન 1166.65 ગ્રામ હતું. જેનું બજાર મૂલ્ય 68.19 લાખ અને ટેરિફ વેલ્યુ 58.55 લાખ આંકવામાં આવી છે.જે કસ્ટમ દ્વારા જપ્ત કરવામાં આવ્યું છે. આ મામલે ગ્રાઉન્ડ હેન્ડલિંગ સ્ટાફના જવાનોની પૂછપરછ કરવામાં આવી રહી છે.
વીડિયો જોવા માટે અહીં ક્લીક કરો
અમદાવાદ એર ઇન્ટેલિજન્સ યુનિટને બાતમી મળી હતી કે, ચોક્કસ વ્યક્તિઓ શારજાહ-સુરત ફ્લાઈટમાં સોનુ લાવે છે અને ચોક્કસ લોકો ટ્રોલીમાં સંતાડી આ સોનું એરપોર્ટ ટર્મિનલની બહાર સુધી લગેજ ટ્રોલી સાથે મૂકી આવે છે.જેમાં કેટલાક એરપોર્ટમાં કાર્યરત લોકો પણ સામેલ હોવાની વિભાગને શંકા છે. પ્રથમ વાર સુરત એરપોર્ટ પર બિનવારસી સોનુ મળતાં એર ઇન્ટેલિજન્સ યુનિટની શંકા બળવત્તર બની છે.