સુરત: સ્પોર્ટોનિક્સ દ્વારા ‘સુરત 20-20 કપ’ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. 22 ફેબ્રુઆરીથી સી.બી.પટેલ ગ્રાઉન્ડ પર 12 દિવસ ચાલનારી ટુર્નામેન્ટનું ઉદઘાટન કરવા 1996ની વર્લ્ડકપ વિજેતા શ્રીલંકન ટીમના સુકાની અર્જુન રણતુંગા મંગળવારે સુરત આવી પહોંચ્યા હતા. સુરતની કોર્પોરેટ જગતની 10 ટીમ વચ્ચે રમાનારી ટુર્નામેન્ટના શુભારંભ માટે આવેલા અર્જુન રણતુંગાએ પત્રકાર પરિષદમાં કરવામાં આવેલા સવાલોના સ્પષ્ટ રમૂજી ઉત્તર આપતાં કહ્યું હતું કે, 20 વર્ષ શ્રીલંકા તરફથી ક્રિકેટ રમી વર્ષ-2000માં નિવૃત્ત થયો હતો. મને લાગે છે કે, હું 20 વર્ષ વહેલો ક્રિકેટમાં આવી ગયો હતો. અમારા સમયે ક્રિકેટ એક સાધના હતી. દેશ માટે રમવું, નેતૃત્વ ગૌરવની વાત હતી. આજે સ્થિતિમાં ખૂબ મોટું અંતર છે.
વર્તમાન ક્રિકેટમાં નાણાંની બોલબાલા છે. નાણાંનું ઇન્વોલમેન્ટ વધી ગયું છે. માત્ર શ્રીલંકા જ નહીં, વિશ્વભરની ક્રિકેટ ટીમના ખેલાડીઓની પ્રાયોરિટી રૂપિયા કમાવાની બની ગઈ છે. દેશ માટે રમવાની ભાવના ઓછી જણાય છે, એટલે ખેલાડીઓ ટેલેન્ટેડ હોવા છતાં લાંબી કારકિર્દી બનાવી શકતા નથી. ક્રિકેટ એ ડિસિપ્લિન, ડેડિકેશન અને કમિટમેન્ટની રમત છે. આજકાલના ક્રિકેટરોમાં આ ભાવનાઓ દેખાતી નથી એનું મને દુઃખ છે. શ્રીલંકાની ટીમ કેમ નબળો દેખાવ કરી રહી છે? એનો ઉત્તર આપતાં શ્રીલંકાના પૂર્વ કેપ્ટન અર્જુન રણતુંગા કહે છે કે, ‘શ્રીલંકાની વર્તમાન ક્રિકેટ ટીમ ટેલેન્ટેડ છે. એ 1996ની વર્લ્ડકપ વિજેતા ટીમના ખેલાડીઓ સનથ જયસૂર્યા, ચામીંડા વાસ, એમ.મુરલીધરન જેવા ખેલાડીઓને રિપ્લેસ કરી શકે એવી ટેલેન્ટ ધરાવે છે. તેમને ડિસિપ્લિનના આગ્રહ સાથે મોટીવેટ કરવામાં આવે તો કોઈપણ ટીમને ભારે પડે એમ છે. હું માનું છું કે, લિજન્ડરી ક્રિકેટર અરવિંદ ડી’સિલ્વાને કોઈ શ્રીલંકન ખેલાડી રિપ્લેસ ન કરી શકે.
અહીં ઉલ્લેખનીય છે કે, અર્જુન રણતુંગાને શ્રીલંકાનો અત્યાર સુધીનો સૌથી સફળ સુકાની માનવામાં આવે છે. જેના નેતૃત્વમાં શ્રીલંકા વર્લ્ડકપ, એશિયાકપ જિત્યું હતું. બે દાયકાની ક્રિકેટીય કારકિર્દીમાં તેણે 269 વન-ડેમાં 7456 રન, 93 ટેસ્ટમાં 5105 રન બનાવવા સાથે ટેસ્ટમાં 16 અને વન-ડેમાં 79 વિકેટ લીધી હતી. વર્ષ-2000માં તેણે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. પત્રકાર પરિષદમાં હમીર દેસાઈ, કરણ ગુજરાતી, વિનીત બંસલ અને વિજય છેરા હાજર રહ્યા હતા.
ક્રિકેટની જેમ રાજકારણમાંથી પણ નિવૃત્તિ લેવી જોઈએ: રણતુંગા
શ્રીલંકાની સંસદમાં 19 વર્ષ સાંસદ, 5 વર્ષ કેબિનેટ મિનિસ્ટર તરીકે પેટ્રોલિયમ, શિપિંગ, પરિવહન, નાગરિક ઉડ્ડયન અને 3 વર્ષ રાજ્ય કક્ષાના મંત્રી તરીકે કાર્ય કરનાર અર્જુન રણતુંગા કહે છે કે, રાજકીય પરિવારમાંથી આવતો હોવાથી નિવૃત્તિ પછી દેશ માટે કંઈ સારું થાય એ ભાવના સાથે રાજકારણમાં જોડાયો હતો. અહીં સ્પર્ધકો વધુ હોય છે. લોકપ્રિય માણસોને પાડવા માટે આતુર હોય છે. શ્રીલંકન સરકારમાં મંત્રી બન્યા પછી સૌથી મોટો પડકાર ભ્રષ્ટાચાર દૂર કરવાનો હતો. 74 જેટલી સ્પોર્ટ્સ કાઉન્સિલને સક્રિય કરી રમતનો માહોલ ઊભો થાય એવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવાનો હતો. એમાં ઘણો સુધાર લાવી શક્યો. 19 વર્ષ રાજકારણમાં સક્રિય રહ્યા પછી લાગ્યું કે ક્રિકેટની જેમ રાજકારણમાં પણ નિવૃત્તિ લેવી જોઈએ. જેથી બીજાને તક મળે, એટલે 2021માં સક્રિય રાજનીતિમાંથી નિવૃત્તિ જાહેર કરી ફરી ક્રિકેટની રમતમાં સેવા આપવા કોચ, કોમેન્ટેટર તરીકે જોડાયો. શ્રીલંકાની વર્તમાન સ્થિતિ જોતાં દુઃખ થાય છે.