નવસારી: (Navsari) કોલાસણા ગામ પાસેથી પસાર થતા બાઈક (Bike) ચાલકનો અજાણ્યા ઈસમોએ બાઈક પર આવી મોબાઈલ (Mobile) લૂંટી (Loot) લીધો હતો. ચાલુ બાઈક પરથી યુવાનનો મોબાઈલ ખિસ્સામાંથી કાઢી લૂંટી લઈ ગયા હતા. જે અંગેની ફરિયાદ મરોલી પોલીસ મથકે (Police Station) નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.
- બાઈક પર આવેલા ઇસમો ચાલુ બાઈક પર યુવાનના ખિસ્સામાંથી મોબાઈલ કાઢી લૂંટી ગયા
- નવસારીથી સુરત આવી રહેલા યુવાનનો મોબાઈલ ખેચાતા તેણે પીછો કર્યો પણ બે ઈસમો ધૂમ સ્ટાઈલમાં નીકળી ગયા
મળતી માહિતી મુજબ, નવસારીના કાલીયાવાડી-ગ્રીડ રોડ પર પવન એપાર્ટમેન્ટમાં રહેતો જૈતુન ભુપેન્દ્રભાઈ પટેલ (ઉ.વ. 26) સુરત રીનલ ફાઉન્ડેશન એન.જી.ઓ. માં પ્રોગ્રામ ઓફિસર તરીકે છેલ્લા 2 વર્ષથી નોકરી કરે છે. ગત 13મીએ જૈતુન તેની બાઈક (નં. જીજે-15-બીજે-9491) ઉપર નવસારી સચિન થઈ સુરત જવા નીકળ્યો હતો. દરમિયાન વિરાવળ કસ્બા ગામ પસાર કરી કોલાસણા ગામ જવાના પાટિયા થઈ રોડ પરથી પસાર થઇ રહ્યો હતો. ત્યારે પાછળથી એક નંબર વગરની કાળા રંગની બજાજ પલ્સર બાઈક પર બે અજાણ્યા ઈસમોએ આવી પાછળ બેસેલા ઇસમે જૈતુનના ખિસ્સામાંથી મોબાઈલ કાઢી ઝુંટવી લઈ નાસી રહ્યા હતા. જોકે જૈતુને તેઓનો પીછો મરોલી ચાર રસ્તા સુધી કર્યો હતો. પરંતુ તે ઈસમોએ બાઈક ધૂમ સ્ટાઈલમાં ભગાવી ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે જૈતુને મરોલી પોલીસ મથકે ૨ અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ હે.કો. નઈમખાનને સોંપી છે.
જલાલપોર અયોધ્યાનગરમાંથી 70 હજારનો મોબાઈલ ચોરાયો
નવસારી : જલાલપોર અયોધ્યાનગરમાંથી કોઈ અજાણ્યો ચોર 70 હજારનો મોબાઈલ ચોરી કરી નાસી ગયાનો બનાવ જલાલપોર પોલીસ મથકે નોંધાયો છે. મળતી માહિતી મુજબ, ગાંધીનગર સરગાસન ફેન્ટસી વર્લ્ડની બાજુમાં સ્વાગત ફ્લેમિંગોમાં પાયલબેન શૈલેષભાઈ પટેલ (ઉ.વ. 25) તેમના પરિવાર સાથે રહે છે. ગત 5મી ઓક્ટોબરે પાયલ જલાલપોર અયોધ્યાનગર શ્રીરામ કોમ્પ્લેક્ષમાં રહેતા તેના મામાના ઘરે આવી હતી. જ્યાં ગત 8મી ઓક્ટોબરે પાયલ ઘરમાં તેનો મોબાઈલ મૂકી મામાના છોકરા હાર્દ સાથે નીચે પાણીપુરી ખાવા ગઈ હતી.
થોડીવાર બાદ પાયલ ઘરે ગઈ ત્યારે તેનો મોબાઈલ જોવા મળ્યો ન હતો. જેથી પાયલે ઘરમાં મોબાઈલની તપાસ કરી હતી. પરંતુ મોબાઈલ નહીં મળતા મોબાઈલ ચોરી થયો હોવાનું જણાયું હતું. આ બનાવ અંગે પાયલે જલાલપોર પોલીસ મથકે અજાણ્યા ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.એસ.આઈ.આર.એસ. ગોહિલે હાથ ધરી છે.