SURAT

સુરતના ગોડાદરામાં જેણે બીજાની હત્યા કરવા માટે પિસ્ટલ મંગાવી તેની જ હત્યા થઈ ગઈ

સુરત: (Surat) ગોડાદરા વિસ્તારમાંથી એસઓજીએ (SOG) એક વ્યક્તિને પિસ્ટલ (Pistol) સાથે ઝડપી પાડ્યો હતો. તેને આ પિસ્ટલ તેના મિત્ર રોહીત રાજપુતે રાખવા આપી હતી. રોહીતનો ચેતન ફાડુનામના ટપોરી સાથે ઝઘડો ચાલતો હોવાથી તેની હત્યા (Murder) કરવા માટે પિસ્ટલ મંગાવી હતી. પરંતુ ચેતનની હત્યા કરે તે પહેલા જ રોહીતની હત્યા થતા પિસ્ટલ અનુભવ નામના યુવાન પાસે જ રહી હોવાની કબૂલાત કરવામાં આવી છે.

  • ચેતનની હત્યા કરે તે પહેલા જ રોહીતની હત્યા થતાં પિસ્ટલ અનુભવ પાસે રહી ગઇ
  • ગોડાદરામાંથી એસઓજીએ પિસ્ટલ સાથે અનુભવને ઝડપી પાડતા ખુલાસો થયો
  • ગોડાદરામાં ચેતન ફાડુની હત્યા કરવા રોહીત રાજપુત પિસ્ટલ લાવ્યો હતો

શહેરમાં ગેરકાયદેસર હથિયારો રાખી પ્રજામાં ખોટો રોફ જમાવી ભયનુ વાતાવરણ ઉભુ કરી અરાજ્કતા ફેલાવતા તત્વોને શોધી તેમની સામે કાર્યવાહી કરવા પોલીસ કમિશનર અજયકુમાર તોમરે સુચના આપી હતી. જેને પગલે એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ રણજીતસિંહ તથા હર્ષદભાઈ નવઘણભાઈને ગોડાદરા પટેલનગર બ્રિજની નીચેથી એક વ્યક્તિ પિસ્ટલ લઈને ઉભો હોવાની બાતમી મળી હતી. જેના આરોપી અનુભવ વિજયભાઈ તિવારી (ઉ.વ.૨૦ રહે. રૂમ નં.૦૧ પ્લોટ નં.૬૯ રંગીલાનગર સોસાયટી વિભાગ-૦૨ રામેશ્વરનગરની બાજુમાં લિંબાયત તથા મૂળ પ્રયાગરાજ, ઉત્તરપ્રદેશ) ને ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી 25 હજારની કિંમતની એક પિસ્ટલ મળી આવી હતી.

આરોપીની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, ગોડાદરા વિસ્તારમાં બેઠક ધરાવતા અને માથાભારેની છાપ ધરાવતા રોહીત ઉમેશસિંગ રાજપૂતનો મિત્ર છે. અને આ રોહીતનો ગોડાદરા વિસ્તારમાં રહેતા માથાભારે ચેતન ઉર્ફે ચેતન ફાડુ અને તેના ભાઈ ચંદ્રકાંત ઉર્ફે લાલા સાથે જૂના ઝઘડાની અદાવત ચાલતી હતી. જેથી તેણે બંને ભાઈઓને મારવા માટે કોઈ જગ્યાએથી પિસ્ટલ મંગાવી હતી. અને તેણે આ પિસ્ટલ છ મહિના પહેલા તેને રાખવા આપી હતી. પરંતુ આજથી પાંચેક મહિના પહેલા ચેતન ઉર્ફે ચેતન ફાડુ અને તેની ટોળકીએ ગોડાદરા વિસ્તારમાં રોહીત રાજપુતની હત્યા કરી હતી. જેથી આ પિસ્ટલ તેણે પોતાની પાસે જ રાખી હતી.

Most Popular

To Top