સુરત: સુરત શહેર અને જિલ્લામાં ટેક્સટાઈલ એકમો ધરાવનાર મેમણ ઉદ્યોગપતિના જનરલ ગ્રુપ પર છેલ્લાં ચાર દિવસથી ચાલતું આઈટીનું સર્ચ ઓપરેશન આજે પૂર્ણ થયું હતું. ગઈકાલે સુરત આવકવેરા વિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગનાં અધિકારીઓએ 10 સ્થળે અને આજે 5 સ્થળે સર્ચ કાર્યવાહી પૂર્ણ કરતાં રોકડા 1 કરોડ અને 90 કરોડના બેનામી વ્યવહારના ડોક્યુમેન્ટ્સ મળી આવ્યાં હતા.
- જનરલ ગ્રુપ પરની રેઈડમાં આઈટીને માત્ર રોકડા 1 કરોડ અને 90 કરોડના બેનામી વ્યવહાર મળ્યાં
- કાપડનો જથ્થો જીએસટી ભર્યા વિના જ લોકલ માર્કેટમાં વેચવામાં આવતો હોવાનું ખુલ્યું, હવે જીએસટી પણ તપાસ કરશે
આવકવેરા વિભાગનાં સૂત્રોએ જણાવ્યું હતું કે, સોમવારથી ચાલેલી સર્ચ કાર્યવાહી દરમિયાન કોથળા ભરીને ખરીદ- વેચાણના ડોક્યુમેન્ટ મળ્યાં છે. એનું વેરિફિકેશન કરવામાં સમય લાગશે. સર્ચ દરમિયાન હાલ તો 1 કરોડની રોકડ અને 90 કરોડનાં બેનામી વ્યવહારોનાં ડોક્યુમેન્ટ મળી આવ્યાં છે પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશન દરમિયાન આંકડો વધી શકે એવી શક્યતાઓ વિભાગે વ્યક્ત કરી છે. રાંદેર-ગોરાટ રોડ પર રહેતા મેમણ ઉદ્યોગપતિ ઉમર જનરલને ત્યાં આઇટીની ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા કરવામાં આવેલા સર્ચ ઓપરેશન દરમિયાન મળી આવેલી એક કરોડની રોકડ સિઝ કરવામાં આવી છે. જ્યારે 90 કરોડના જે બેનામી વ્યવહાર શોધી કાઢવામાં આવ્યાં છે તેની ડિટેઈલ તપાસ કરવામાં સમય જશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, કાપડનો જથ્થો જીએસટી ભર્યા વિના જ લોકલ માર્કેટમાં વેચવામાં આવતો હતો. આ મામલે આજે જનરલ ગ્રુપની રિંગરોડ પર આવેલી ઓફિસમાં સ્ટેટમેન્ટ લેવામાં આવ્યાં હતાં. ચાર દિવસ ચાલેલી સર્ચ કાર્યવાહીમાં ઉમર જનરલ અને તેમની કંપનીઓ સાથે સંકળાયેલા લોકો, કર્મચારીઓને ત્યાંથી કોથળા ભરીને જમીન મિલકતના સોદાઓ, મૂડી રોકાણ, ટેકસટાઇલ પ્રોડક્ટનાં ખરીદ- વેચાણના ડોક્યુમેન્ટ, 21 લક્ઝુરિયસ કારને લગતાં ડોક્યુમેન્ટ જપ્ત કરવામાં આવ્યાં છે. જમીન મિલકત અને ફેબ્રીકસના સોદાઓ અને રોકાણો જોતાં મોટાં પાયે કાળું નાણું મળી આવવાની શક્યતા સુરત આવકવેરા વિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગનાં સૂત્રોએ વ્યકત કરી છે.
ઉમર જનરલના આલિશાન બંગલાની ટાઈલ્સો તોડી, પાણીની ટાંકીઓ ચેક કરી પણ રોકડા 1 કરોડ જ મળ્યાં
ઈન્કમટેક્સ વિભાગે પોતાની આ રેઈડ દ્વારા દરમિયાન ભારે જહેમત ઉઠાવી હતી. રાંદેર-ગોરાટ પર આવેલો ઉમર જનરલનો બંગલો એટલો વિશાળ હતો કે અધિકારીઓને ડિટેઈલમાં તપાસ કરતાં ખાસ્સો સમય જતો હતો. બંગલામાં જ્યાં-જયાં નબળી ટાઈલ્સો કે નબળું સરફેશિંગ હતું ત્યાં ખોદકામ કરીને તપાસ કરવામાં આવી કે રોકડ છુપાવવામાં તો નથી આવી ને…ઉપરાંત અધિકારીઓએ અગાશી પર જઈને પાણીની ટાંકીઓ સુદ્ધાં ચેક કરી, બાથરૂમ તપાસ્યાં પરંતુ આટલા મોટા દરોડામાં માત્ર એક કરોડની રોકડ જ અધિકારીઓના હાથમાં આવી.
આવકવેરા વિભાગની તપાસ પૂર્ણ થયાં પછી જીએસટી વિભાગને ડોક્યુમેન્ટ મોકલાશે
આવકવેરા વિભાગનાં સૂત્રોના જણાવ્યાં મુજબ ટેકસટાઇલમાં આ ગ્રુપ કાપડનો વેપાર કાચા-પાકામાં કરતો હોવાની નોંધ મળી છે. બધી ફેકટરી અને ઓફિસ સહિતના કુલ પાંચ સ્થળે આજે તપાસ પૂર્ણ થઈ હતી. એ દરમિયાન વિભાગને એવી માહિતી મળી છે કે, ગ્રુપનું ટેક્સટાઇલ મેન્યુફેકચરિંગ યુનિટ સુરત જિલ્લાનાં માંડવીમાં આવેલું છે. અહીંથી કાપડનો કેટલોક માલ રોકડ અને કેટલોક જીએસટી બિલ સાથે પાકામાં મોકલવામાં આવતો હતો. ફેકટરીથી જીએસટી ભરેલો અને ન ભરેલો એમ બંને પ્રકારનો માલ બહાર નીકળતો હતો તેથી ટૂંક સમયમાં જીએસટી વિભાગ પણ ઉમર જનરલને ત્યાં તપાસ કરે એવી શક્યતાઓ છે. આ ઉપરાંત 90 કરોડના જે બેનામી વ્યવહાર મળ્યા છે એમાં રિઅલ એસ્ટેટ પ્રોજેક્ટમાં સ્વીકારેલી રોકડ અને અન્યો પાસેથી લીધેલી કેશ લોનનો પણ સમાવેશ થાય છે. માલ એક્સપોર્ટ ઓછો કરવામાં આવતો હતો. મોટાભાગનો માલ લોકલ માર્કેટમાં જ બિલ સાથે અને બિલ વિના જતો હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.
ટૂંકા ગાળામાં બિલ્ડર,હીરા ઉદ્યોગકાર અને ટેક્સટાઈલ ઉદ્યોગકારને ત્યાં 4 મોટા સર્ચ ઓપરેશનથી ફફડાટ
કાગાળામાં 4 મોટા સર્ચ ઓપરેશન બિલ્ડર, હીરા ઉદ્યોગકાર અને ટેક્સટાઈલ ઉદ્યોગકારને ત્યાં કરવામાં આવતાં ત્રણે ઉદ્યોગોમાં કાચા-પાકાનો વેપાર કરતાં ઉદ્યોગકારોમાં ફફડાટ ફેલાયો છે. આઇટીની ઇન્વેસ્ટિગેશન વિંગ એને લઈને ચર્ચામાં છે. અગાઉના વર્ષોમાં મોટા માથાઓને ત્યાં માંડ એકાદ બે સર્ચ ઓપરેશન થતા હતા, પણ ખૂબ ટૂંકાગાળામાં ચાર મોટા ઓપરેશન કરવામાં આવ્યાં હતાં. જેમાં બિલ્ડર અને ડાયમંડ લોબીને વરુણીમાં લેવામાં આવ્યાં હતાં. માર્ચ એન્ડિંગ નજીક છે ત્યારે મોટા સર્ચ હજી ચાલુ રહે એવી શક્યતા છે.