બીલીમોરા: (Bilimora) બીલીમોરા નજીકના કાંઠા વિસ્તારના ગામોમાં (Village) રેલ્વે દ્વારા સિંગલ લાઈન બ્રોડગેજની સર્વેની (Survey) અને માપણીની (Measurement) કરાતી કામગીરીને કારણે અસરગ્રસ્તોમાં દેહશત વ્યાપી જવા પામી છે. ત્યારે રેલવે દ્વારા છાનીમાની કરાતી કામગીરીની કોઈ જાણકારી નહી મળતા તે ટીકાપાત્ર બની છે.
બીલીમોરાના પાંચ ગામમાં સિંગલ લાઈન બ્રોડગેજના સર્વેથી લોકોમાં દેહશત
કાંઠા વિસ્તારના પાંચથી વધારે ગામોમાં મુંબઈની ખાનગી કંપની દ્વારા માપણી કરીને ખુંટા મારવામાં આવ્યા
રેલવેના સ્થાનિક અધિકારીઓ પણ આ અંગે કંઇ બોલવા નહીં માંગતા અસરગ્રસ્તોમાં દેહશત
છેલ્લા 111 વર્ષથી દોડતી બીલીમોરા વઘઈ નેરોગેજ સિંગલ લાઈનને બ્રોડગેજમાં પરિવર્તન કરીને તેને સાપુતારા અને નાસિક સુધી લંબાવવાની યોજના પર સર્વેની કામગીરી થઇ રહી છે. જેમાં હવે આ સિંગલ લાઈનમાં હાઈડ્રોજન હાઈ સ્પીડ ટ્રેનનું પણ આયોજન પાછળથી હાથ ધરવામાં આવ્યું છે. થોડાક સમયથી રેલ્વે દ્વારા તેની હયાત નેરોગેજ લાઈન પર સોઈલ ટેસ્ટીંગની કામગીરી હાથ ધરાઈ હતી તે સાથે બીલીમોરામાં બનેલા ઓવરબ્રિજ અને ડેડીકેટેડ ફ્રેઇટ કોરિડોરને કારણે આ નવી સિંગલ બ્રોડગેજ હાઈડ્રોજન લાઈન માટે જગ્યા નહીં બચતા એવું જાણવા મળ્યું છે કે બીલીમોરા નજીકના કલમઠા, લુસવાડા, તલીયારા, અમલસાડ, છાપર ગામ સુધી આ લાઇનને લંબાવની યોજના છે. તો બીજી બાજુ બીલીમોરાનું નેરોગેજ રેલ્વે સ્ટેશનને બંધ કરીને તેના સ્થાને ગણદેવી સ્ટેશનને ન્યુ બીલીમોરાનું નામ આપવાની પણ સંભાવના છે.
થોડાક સમયથી બીલીમોરા નજીકના કાંઠા વિસ્તારના પાંચથી વધારે ગામોમાં મુંબઈની ખાનગી કંપની દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં માપણી કરીને ખુંટા મારવામાં આવ્યા હતા. પણ કામગીરી કરતી એજન્સી મગનું નામ મરી પાડતી નહીં હોય કશું કહેવા તૈયાર ન હતા. આ કારણે જેની જમીનનો સર્વે થયો છે અને જેની મિલકતોમાં એજન્સીએ ખુંટા માર્યા છે એ તમામોની ઊંઘ હરામ થઈ જવા પામી છે. હાલ બધું અધ્ધર તાલ હોય એવી કામગીરી થઈ રહી છે. ખુદ રેલવેના સ્થાનિક અધિકારીઓ પણ આ અંગે વધારે જણાવતા નથી. જેને કારણે અસરગ્રસ્તોમાં દેહશત વ્યાપી જવા પામી છે.