National

કાર પાછળ 11 કિલોમીટર સુધી યુવકની લાશ ઢસડાઈ, દિલ્હીમાં વધુ એક આધાતજનક ઘટના

સુરત: દિલ્હીમાંથી આધાતજનક સમાચાર સામે આવ્યા છે. અહીંના યમુના એક્સપ્રેસ વે (Yamuna Express Way) પર એક કારની પાછળ લાશ ઢસડાઈ છે. 11 કિલોમીટર સુધી લાશ કાર સાથે ઢસડાતી રહી હતી અને કારચાલકને ખબર પણ પડી નહોતી. ટોલ પ્લાઝા પર જ્યારે ખબર પડી ત્યારે લાશના ચીંથરે ચીંથરા ઉડી ગયા હતા. લાશના બે ટુકડા થઈ ગયા હતા. કારમાં ઠેરઠેર લાશના ટુકડા ચોંટી ગયા હતા. પોલીસે કાર નીચેથી લાશ બહાર કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર દિલ્હીનો વીરેન્દ્ર સિંહ કાર લઈ આગ્રાથી દિલ્હી જઈ રહ્યો હતો. ગાઢ ધુમ્મસના લીધે રાતના અંધારામાં કશું જોઈ શકાતું નહોતું. ક્યારે લાશ કાર સાથે ફસાઈ તેનો વીરેન્દ્ર સિંહને ખ્યાલ નથી. મળસ્કે 4 વાગ્યે માંટ ટોલ પ્લાઝા પર કાર પહોંચી ત્યારે તેમાં લાશ ફસાઈ હોવાની ખબર પડી. વીરેન્દ્ર સિંહની સ્વીફ્ટ કારમાં 2 મહિલા અને 2 પુરુષ હતા. કાર ટોલ પ્લાઝા પાસે રોકાઈ ત્યારે ત્યાંના ગાર્ડની નજર લાશ પર પડી હતી. એવું અનુમાન છે કે કોઈ અકસ્માતમાં કોઈ યુવકનું મોત થયું હોય અને લાશ રસ્તા પર પડી હશે, જે વીરેન્દ્ર સિંહની કાર સાથે ફસાઈને ખેંચાઈ ગઈ હોવી જોઈએ.

પોલીસ સૂત્રોએ કહ્યું કે, માંટ વિસ્તારમાં માઈલ સ્ટોન 106 પર લોહીના નિશાન મળ્યા હોય ત્યાં અકસ્માત થયો હોવાની શક્યતા છે. રસ્તા પર પડેલી લાશ કારમાં ફસાઈને આવી હોવાનું અનુમાન છે. માંટના માઈલ સ્ટોનથી ટોલ પ્લાઝા વચ્ચે 11 કિ.મી.નું અંતર છે. 11 કિ.મી. સુધી લાશ કાર સાથે ઢસડાઈ હતી. તેથી તેના બે ટુકડા થઈ ગયા હતા. ચીથરે ચીથરાં ઉડી ગયા હતા. મૃતકના ખિસ્સામાંથી તૂટેલા કીપેડવાળો મોબાઈલ ફોન અને 500 રૂપિયા મળ્યા છે. ચહેરો ઓળખી શકાયો નથી. સીસીટીવીની મદદથી પોલીસે શોધખોળ હાથ ધરી છે.

કાર નીચે લાશ હોવાની ખબર પણ ન પડી
સ્વીફ્ટ કાર લઈને આગ્રાથી દિલ્હી જવા નીકળેલા વીરેન્દ્ર સિંહને કાર નીચે લાશ હોવાની જાણ થતા તે ચોંકી ગયો હતો. વીરેન્દ્ર સિંહે પોલીસને કહ્યું કે, તેને તો ખબર જ ન પડી કે કાર નીચે લાશ છે. તેનો ક્યાંય અકસ્માત થયો નથી. ગાઢ ધુમ્મસના લીધે કંઈ દેખાતું નહોતું. તેથી સાચવીને કાર ચલાવતા હતા.

Most Popular

To Top