SURAT

કોગળા કરવાની દવાના બદલે સુરતની વૃદ્ધ મહિલાએ કીટનાશક પી લીધું, પછી જે થયું…

સુરત: સુરતમાં બે ચોંકાવનારી ઘટના બની છે. અહીં 2 વર્ષની ઉંમરના જોડિયાં બાળકોએ ભૂલથી કેમિકલ પી લેતાં બંનેને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યારે બીજી તરફ 82 વર્ષીય વૃદ્ધાએ દાંતના દુ:ખાવા માટેની દવા પીવાના બદલે કીટનાશક પી લેતા તેમનું મોત થયું હતું.

પાલ પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર પાલ વિસ્તારમાં આવેલા રાજવર્લ્ડ પાસે આવેલ નીલકંઠ રેસિડેન્સીમાં શારદાબેન કાંતિલાલ અસાણી (૮૨ વર્ષ) તેમના પુત્ર સાથે રહી નિવૃતજીવન ગાળતા હતા. શારદાબેનને દાંતમાં દુખાવો રહેતો હોવાથી તેઓ દાંતની કોગળા કરવાની દવા લેતા હતા. 4 ફેબ્રુઆરીના સાંજના સમયે તેઓએ દાંતની કોગળા કરવાની દવાની જગ્યાએ ભુલથી કિટનાશક દવા પી લીધી હતી. થોડાસમય બાદ તેમને ઉલટી થવા લાગતા પરિવારજનો તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ ગયો હતો. જ્યાં તમામ હકીકત બહાર આવી હતી. સારવાર દરમિયાન રવિવારે તેમનું મોત નિપજ્યું હતું.

બે વર્ષના ટ્વિન્સ ભાઈ-બહેને ભૂલથી કેમિકલ પી લેતા સિવિલમાં ખસેડાયા
સુરત: ઉધના વિસ્તારમાં વિજયનગર પાસે અજય સોલંકી પત્ની અને ટ્વિન્સ દિકરો અને દીકરી સાથે રહે છે. અજય સોલંકી બીમ પસારવાનું કામ કરે છે. અજયનો નાનોભાઈ વિજય ઘરમાં જ કંકોત્રી બનાવવાનું કામ કરે છે. આજે રોજ બપોરે અજય સોલંકીનો 2 વર્ષનો દિકરો જય અને દીકરી જીયા ઘરમાં રમી રહ્યા હતા. રમતા-રમતા બંને બાળકોના હાથમાં કંકોત્રીમાં નાંખવાની કેમિકલની થેલી આવી ગઈ હતી. કેમિકલ થેલીમાંથી બહાર પડી ગયું હતું. તે સમયે તેમની માતાને શંકા ગઈ હતી કે બંને બાળકોએ કેમિકલ પી લીધું છે. તેથી બંનેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જોકે વોર્ડના ડોક્ટરે પરિવારને જણાવ્યું હતું કે તબીબી તપાસમાં બાળકોએ કેમિકલ પીધું હોય એવું જણાતું નથી.

Most Popular

To Top