Columns

ખુશીઓ કયાં?? અને ખુશીઓ કેવી??

એક દિવસ સાંજે ઇવનિંગ વોક બાદ બધા બાંકડા પર બેસીને ચાર સીનીયર સીટીઝન દોસ્તો વાતો કરી રહ્યા હતા.વાતોનો વિષય હતો રોજ ખુશ કેવી રીતે રહેવું ??? તેઓ બધા પોત પોતાની વાતો અને રીતો કહી રહ્યા હતા..તેમની બાજુના બાંકડા પર એક યુવાન નિરાશ થઈને બેઠો હતો આ ખુશીઓની વાતો સાંભળીને તેણે પોતાના પરનો કાબુ ગુમાવી દીધો…અને ત્યાં જઈને કહેવા લાગ્યો, ‘અરે, આ બધી તમારી રીટાયર માણસોની ટાઇમ પાસ વાતો છે.રોજ ખુશ રહેવાની વાતો તો છોડો …એક ખુશી મેળવવાની પણ અહીં અઘરી છે સમજ્યા…જીવનમાં એમ લાગે કે એક ખુશી આ રહી અને હમણાં જ મળશે પણ સાચે મળે તે પહેલા તો તે ગાયબ થઇ જાય છે….કૈંક એવું બને છે કે ખુશી ગાયબ થઇ જાય છે.’

બધા સીનીયર સીટીઝન દોસ્તો આ યુવાનની વાત સાંભળી રહ્યા.એક સીનીયર સીટીઝન અંકલે  કહ્યું, ‘ભાઈ શાંત થા લે આ બિસ્કીટ ખા અથવા તું કહે તો જ્યુસ લઇ આવું.’ યુવાન બોલ્યો, ‘મને કઈ નથી જોઈતું..’ બીજા સિનીયર સીટીઝન અંકલે કહ્યું, ‘યુવાન, શાંત થા અને મારી વાત સાંભળ..જીવનમાં ખુશીઓ આપણી પાસે જ હોય છે.આપણી માથા પર રહેલા ચશ્માં જેવી …ઘણીવાર એવું નથી બનતું કે આપણા ચશ્માં કે તમારા ગોગલ્સ માથા પર જ ચઢાવેલા હોય છે અને આપણે તેને ચારેબાજુ શોધીએ છીએ. જો આપણે ખુશ રહેવું હોય તો તે આપણા જ હાથની વાત છે.

નાની નાની વાતોમાં કૈક કેટલી નાની નાની ખુશીઓ સમાયેલી છે બસ આપણને શોધતા આવડવી જોઈએ.’ યુવાન બોલ્યો, ‘અરે બોલવું સહેલું છે.પણ શું વાસ્તવિક જીવનમાં આ શક્ય છે નહિ..’ ત્રીજા અંકલ બોલ્યા, ‘ભાઈ, શક્ય છે…શું કયારેક બાળકો માટે ચોકલેટ અને પત્ની માટે ગજરો કે મમ્મી –પપ્પા માટે તેમની ભાવતી વાનગી ઘરે લઈને ગયો છે ?? તેમના મોઢા ખુશીથી ચમકી ઉઠશે….ક્યારેક રવિવારે થોડા વહેલા ઉઠી પત્ની માટે જાતે ચા બનાવી તેને ઉઠાડી છે ?? પત્નીની આંખોમાં ખુશી ઝળકશે અને એ સાથે પીધેલી ચા રવિવારની સવારને ખુશીઓથી ભરી દેશે. કયારેક કોઈ નાનપણની રમત ઘરના બધા સાથે મળીને રમી જો; મજા આવી જશે….અરે કયારેક જુના ફોટોગ્રાફના આલ્બમ બધા સાથે ખોલીને જોજો,જૂની યાદો સાથે ખુશીઓની મોસમ છવાય જશે….’ બીજા અંકલ બોલ્યા, ‘ઉઠ દોસ્ત તારી નિરાશાને દુર કરી ખુશ રહેવાનો નિશ્ચય કર તો ખુશીઓ તને મળી જ જશે.’ યુવાન મનમાં ખુશીઓને ભરી ચોકલેટ ,ગજરો અને પપ્પાના ફેવરીટ દહીંવડા લઈને ઘરે બધાને ખુશી આપવા પહોંચી ગયો.     – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top