સુરત: કેન્દ્રીય અંદાજપત્ર 2023માં (Budget2023) કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે (NirmalaSitharaman) લેબોરેટરીમાં ઉત્પાદન પામતા કૃત્રિમ હીરા એટલે કે લેબગ્રોન ડાયમંડ (Lab Grown Diamond) માટે મોટી જાહેરાત કરી છે. નાણામંત્રીએ લેબગ્રોન ડાયમંડને પ્રોત્સાહન આપવા માટે IITને ફંડ આપવાની જાહેરાત કરી છે. નાણામંત્રીએ કહ્યું કે IIT દેશી લેબોરેટરી બનાવે તો ભારતીય લેબગ્રોન ડાયમંડના ઉદ્યોગને મોટો ફાયદો થશે. નાણામંત્રીએ લેબગ્રોન ડાયમંડ વિશે આરએનડી કરવા માટે આઈઆઈટીને ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી છે. સુરતના હીરા ઉદ્યોગકારોએ બજેટને આવકાર્યું છે.
નાણામંત્રીને હીરાના વેપારીઓએ અપીલ કરી હતી કે લેબોરેટરીમાં ઉત્પાદન પામતા ડાયમંડ માટે જે મશીનો, સાધનોનો ઉપયોગ થાય છે તેની પર ઈમ્પોર્ટ ડ્યૂટી ઘટાડવામાં આવે અથવા ઓછી કરવામાં અને જો આઈઆઈટી દ્વારા સ્વદેશી લેબ બનાવવામાં આવે તો હીરા ઉદ્યોગને મોટો ફાયદો થશે. હીરા ઉદ્યોગે લેબગ્રોન ડાયમંડ માટે મશીનોની આયાત કરવી પડશે નહીં.
આજે બજેટમાં નિર્મલા સીતારમણે કહ્યું કે, લેબોરેટરીમાં ઉત્પાદન પામતા કૃત્રિમ હીરા ઉદ્યોગને પ્રોત્સાહન આપવામાં આવશે. તે માટે આઈઆઈટીને ગ્રાન્ટ આપવામાં આવશે. જેથી આઈઆઈટી લેબગ્રોન ડાયમંડ અંગે રિસર્ચ કરી શકશે અને તેના લીધે લેબમાં બનતા ડાયમંડના ઉત્પાદન માટે ભારતીય હીરા ઉદ્યોગકારોને યુનિટ બનાવવામાં મદદ મળશે. જોકે, સોના ચાંદી પર ઈમ્પોર્ટ ડ્યૂટી વધારવામાં આવતા જ્વેલરી ઈન્ડસ્ટ્રીને નુકસાન થશે.
બજેટ વિશે શું કહ્યું સુરતના હીરા ઉદ્યોગકારોએ?
સુરત ડાયમંડ એસોસિએશનના દામજી માવાણીએ કહ્યું કે, લેબગ્રોન ડાયમંડના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે આઈઆઈટીને ગ્રાન્ટ આપવામાં આવશે. ચાઈનામાં બનતા એચપીએચટી જેવા ડાયમંડ ભારતમાં બને તે બાબતે રિસર્ચ થશે. તેથી પણ મોટો ફાયદો થશે. એચપીએચટી ડાયમંડ ક્ષેત્રે ભારત સ્વાવલંબી બનશે. અહીં એચપીએચટી ડાયમંડ બનતા થશે અને ભારતીય કૃત્રિમ હીરા ઉદ્યોગો ચીન સાથે સ્પર્ધા કરતા થશે. સુરત જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ જ્યંતિભાઈએ કહ્યું કે, આઈઆઈટી આરએનડી કરશે, તેથી હીરા ઉદ્યોગને ફાયદો થશે. ચીનથી આયાત થતી એચપીએચટી ચીપ્સ પર 5 ટકા ડ્યૂટી લાદવાથી લોકો હવે અહીં જ બનાવતા થશે, જેથી ફાયદો થશે. સુરતના વેપારીઓ હવે લેબગ્રોન ડાયમંડ પણ બનાવશે અને તેની જ્વેલરી પણ બનાવશે અને એક્સપોર્ટ કરશે. ચોક્કસપણે કેન્દ્રીય નાણામંત્રીની લેબગ્રોન ડાયમંડ અંગેની જાહેરાતના પગલે સુરતના હીરા ઉદ્યોગકારો ખુશ થયા છે. હીરાના વેપારી નિલેષ બોડકીએ લેબગ્રોન ડાયમંડ અંગેની જાહેરાતને આવકારી હતી.