ભરૂચ: (Bharuch) ભરૂચમાં રવિવારે 36 કેન્દ્રો ઉપર 11,400 યુવાનો જુનિયર ક્લાર્કની (Junior Clerk) પરીક્ષા (Exam) આપવાના હતા. જોકે પરીક્ષા રદ્દ થતા ઉમેદવારોમાં ભારે નારાજગી જોવા મળી હતી. પરીક્ષા રદ્દ થતા પોતાના ગામ પરત ફરવા બસમાં (Bus) ભારે ભીડ જોવા મળી હતી. જોકે ઉમેદવારોની હાલાકીને જોતા ST વિભાગ દ્વારા બસમાં મફત મુસાફરીની જાહેરાત કરવામાં આવી હતી.
ગુજરાતમાં આજે જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાવાની હતી. જોકે પેપર લીક થતા છેલ્લી ઘડીએ પરીક્ષા રદ કરવી પડી હતી. જેને લઈ રાજ્યમાં અનેક જગ્યાએ વિદ્યાર્થીઓએ રોષે ભરાઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. રાજ્યભરમાં ગુજરાત પંચાયતી સેવા મંડળ, ગાંધીનગર દ્વારા જુનિયર ક્લાર્કનું પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લી ઘડીએ પેપર ફૂટ્યું હોવાની આશંકાએ પરીક્ષા મોકૂફ રાખવવાની જાહેરાત કરવામાં આવી છે.
ભરૂચ જિલ્લામાં વિવિધ 36 કેન્દ્રો ઉપર 11,400 યુવાનો જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવાના હતા. જેઓ રવિવારે સવારે પેપર લીકના સમાચાર સાંભળી નિરાશ થઈ ગયા હતા. ભરૂચ અને અંક્લેશ્વરમાં પરીક્ષા કેન્દ્રો ઉપર તાલુકા મથકેથી કેટલાય ઉમેદવારો વહેલી સવારે કડકડતી ઠંડીમાં પરીક્ષા આપવા નીકળી ગયા હતા. જેઓને પરીક્ષા રદ્દના સમાચાર મળતાં જ પરત ફરવું પડ્યું હતું. ત્યારે એસ. ટી. નિગમે પણ ઉમેદવારો માટે નિશુલ્ક મુસાફરીની ત્વરિત જાહેરાત કરી દીધી હતી. જેને લઈને સવાર સવારમાં કડકડતી ઠંડી વચ્ચે પરીક્ષા આપવા પહોંચેલા ઉમેદવારોએ થોડીક રાહતનો અનુભવ કર્યો હતો.
ડાંગ જિલ્લામાંથી 17 કેન્દ્રો પર 5910 પરિક્ષાર્થીઓ અટવાયા
સાપુતારા: ગુજરાત રાજ્યની ડબલ એન્જિનવાળી સરકારમાં અગાઉ આઠ વખત સ્પર્ધાત્મક પરીક્ષાઓનાં પેપર લીક થતા હવે કાયમનો સીલસીલો બની ગયો છે. આજે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર આયોજિત જુનિયર કલાર્કનું પેપર ફૂટી જતા ખરા સમયે વિદ્યાર્થીઓ અટવાયા હતા. ડાંગ જિલ્લાનાં અંતરિયાળ ગામડાઓનાં પરિક્ષાર્થીઓ પણ વહેલી સવારે એસટી બસો સહીત ખાનગી વાહનોમાં સવાર થઈ પરીક્ષા કેન્દ્રો પર પહોચી ગયા હતા. જ્યારે અમુક પરિક્ષાર્થીઓ રસ્તામાં હતા.
ડાંગ જિલ્લાનાં અમુક પરિક્ષાર્થીઓ પરીક્ષા કેન્દ્રો પર પહોચ્યા બાદ પેપર લીક થયાની જાણ થતા વીલા મોઢે પરત ફર્યા હતા. ડાંગ જિલ્લામાંથી પણ જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે 17 કેન્દ્રો પર 5910 પરિક્ષાર્થીઓ નોંધાયા હતા. જુનિયર ક્લાર્કનું પેપર ફૂટતા પરિક્ષાર્થીઓની રાત દિવસની મહેનત, નાણાં સહિત સમયનો દુર્વ્યય થતા ડાંગ જિલ્લાનાં શિક્ષિત બેરોજગાર યુવાનોમાં આક્રોશ જોવા મળ્યો હતો.