આણંદ : આણંદ જિલ્લાના બોરસદ ખાતે 74મા પ્રજાસતાક પર્વની આન – બાન – શાનથી જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. કલેકટર ડી. એસ. ગઢવીએ રાષ્ટ્રધ્વજ લહેરાવીને સલામી અર્પણ કરી હતી. ધ્વજવંદન બાદ જિલ્લા કલેકટર ડી. એસ. ગઢવી સાથે જિલ્લા પોલીસ વડા પ્રવીણ કુમારે ખુલ્લી જીપમાં પરેડનું નિરીક્ષણ કરી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.
આણંદ કલેક્ટર ડી.એસ. ગઢવીએ જણાવ્યું હતું કે, આઝાદી માટે લડાયેલા બોરસદ, રાસ, અડાસ વગેરે સત્યાગ્રહોએ દેશના સ્વાતંત્ર સંગ્રામમાં આણંદ જિલ્લાના બહુમુલ્ય યોગદાન બિરદાવતા લાયક છે. સમૃધ્ધ સાંસ્કૃતિક – ઐતિહાસિક વારસો ધરાવતો અને સ્વાતંત્ર્યની લડતોમાં મોખરે રહેલો આણંદ જિલ્લો નવરચના બાદ સર્વાંગી વિકાસ થકી સમૃધ્ધિની દિશામાં અગ્રેસર બન્યો છે. શિક્ષણ, કૃષિ, આરોગ્ય, માર્ગ – મકાન, પાણી, બાગાયત, રમત ગમત, રોજગાર વગેરે ક્ષેત્રે આણંદ જિલ્લામાં ખૂબ જ સારી કામગીરી થઈ છે. જિલ્લામાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ 6 લાખ કરતાં વધુ બાળકોની આરોગ્યની તપાસણી કરવામાં આવી છે. માર્ગ અને મકાન ક્ષેત્રે નોંધપાત્ર કામ થયું છે. જેમાં જિલ્લામાં વિવિધ ઓવર બ્રીજ અને ચાર માર્ગીય અને છ માર્ગીય રસ્તાઓ તૈયાર કરવામાં આવ્યા છે.
આ પ્રસંગે સરકારના વિવિધ વિભાગો દ્વારા ટેબ્લો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ પોલીસ વિભાગ દ્વારા અશ્વ-શો તથા શ્વાન-શો રજુ કરવામાં આવ્યા હતા. આ તકે વર્ષ દરમિયાન ઉત્કૃષ્ઠ કમગીરી કરનાર વિવિધ વિભાગોના અધિકારી – કર્મચારીઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રજાસત્તાક પર્વની ઉજવણીના આ કાર્યક્રમમાં નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી, સાંસદ મિતેષભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી મિલિન્દ બાપના, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રવીણ કુમાર, બોરસદ પ્રાંતઅધિકારી, મામલતદાર, અધિકારી – પદાધિકારીઓ, આમંત્રિતો, શાળાના બાળકો તથા મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહયાં હતા.
રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ દ્વારા ધ્વજવંદન કરાયું
નડિયાદ: ગળતેશ્વર તાલુકાના થર્મલ ખાતે આવેલ પાવરસ્ટેશનના રિક્રિએશનલ ગ્રાઉન્ડમાં ગુરૂવારના રોજ પંચાયત અને કૃષિ વિભાગના મંત્રી બચુભાઈ ખાબડની અધ્યક્ષતામાં 74 માં પ્રજાસત્તાક દિનની જિલ્લાકક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મંત્રી બચુભાઈ ખાબડ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવી, તિરંગાને સલામી આપવામાં આવી હતી. જે બાદ શહીદોને યાદ કરી, તેમને શ્રધ્ધાંજલિ અર્પી હતી. આ પ્રસંગે મંત્રી બચુભાઈ ખાબડે વિવિધ ક્ષેત્રે સરકારે પ્રાપ્ત કરેલી સિધ્ધીઓ અંગે વિસ્તૃતમાં માહિતી આપી હતી. આ ઉપરાંત ખેડા જિલ્લામાં થયેલ વિકાસના કામોની પણ આંકડાકીય માહિતી આપી હતી. આ ઉપરાંત જિલ્લાના વધુ વિકાસ અર્થે મંત્રી દ્વારા જિલ્લા કલેક્ટરને રૂપિયા 25 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત સરકારના વિવિધ વિભાગ દ્વારા ટેબ્લો રજુ કરવામાં આવ્યાં હતાં.
જેમાં શ્રેષ્ઠ ટેબ્લો રજુ કરવા બદલ વનવિભાગના અધિકારી ડાભીને પ્રોત્સાહનરૂપે ઈનામ આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે થર્મલની સ્થાનિક શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યાં હતાં. જે પૈકી થર્મલ પે-સેન્ટર શાળાને ઈનામ આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઈનામરૂપે 5000 રૂપિયા આપવામાં આવ્યાં હતાં. જ્યારે કાર્યક્રમમાં શ્રેષ્ઠ માર્ચ પાસ્ટ બદલ જિલ્લા મહિલા પોલીસ પ્લાટુન નંબર 2 ના પીએસઆઈ કિંજલ ચૌધરીને ઈનામ આપવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે મંત્રી દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. પ્રજાસત્તાક દિનની જિલ્લાકક્ષાની આ ઉજવણીમાં પંચમહાલના સાંસદ રતનસિંહ રાઠોડ, જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલ, ઠાસરાના ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર (બકાભાઈ), કલેક્ટર કે.એલ.બચાણી, જિલ્લા વિકાસ અધિકારી મેહુલભાઈ દવે, જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા સહિતના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
માનગઢનો સંગ્રામ એ દેશનો ગૌરવશાળી ઇતિહાસ છે: મહિસાગર કલેકટર
સંતરામપુર: મહીસાગર જિલ્લામાં 74મા પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી આઝાદ મેદાન સંતરામપુર ખાતે કરવામાં આવી હતી. મહીસાગર કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ ભાવિન પંડ્યાએ ધ્વજ વંદન કરી ત્રિરંગાને સલામી આપી હતી. ધ્વજવંદન કર્યા બાદ ભાવિન પંડ્યાએ પરેડનું નિરીક્ષણ કરી સલામી ઝીલી હતી.આ પ્રસંગે કલેક્ટર ભાવિન પંડ્યાએ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે શુભકામના પાઠવતાં જણાવ્યું હતું કે, આજના આ પર્વની ઉજવણી સંતરામપુર ખાતે થઇ રહી છે. તે આપણા બધા માટે ગૌરવની વાત છે તેમજ દેશની આઝાદી માટે જાન ન્યોછાવર કરનારા અનેક નામી અનામી શહિદોને શ્રધ્ધા સુમન અર્પણ કરૂ છું.
ઇ.સ.1913મા સંતરામપુર તાલુકામાં આવેલા માનગઢ હીલ્સ ખાતેનો સ્વાતંત્ર્ય સંગ્રામ એ માત્ર મહિસાગરનો જ નહીં, પરંતુ સમગ્ર દેશની ભવ્ય પરંપરા અને ગૌરવશાળી ઇતિહાસ છે. આ સંગ્રામમાં ગોવિંદ ગુરૂની રાષ્ટ્રભક્તિની પ્રેરણાથી અંગ્રેજો સાથે સ્થાનિકોનો સંઘર્ષ થયો હતો. જેમાં ગોવિંદ ગુરૂ સહિત 1507 જેટલા લોકો દેશ પ્રેમ માટે શહાદત્ત પામ્યા હતાં. આ શહાદતની ઝાંખી કરાવતું માનગઢ ધામ આજે પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ શહાદતને આપણે વિશ્વના તમામ લોકો સમક્ષ રજુ કરી શકીએ તે માટે માનગઢ ધામના વિકાસ માટે મહિસાગર તંત્ર હંમેશા આગળ રહેશે તથા વિકાસ માટે જરુરી તમામ સહાય રાજ્ય સરકાર તરફથી પણ મળી રહે છે.
આ પ્રસંગે જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા ટેબ્લોનું પ્રદર્શન ,સાંસ્કૃતિક કાર્યક્રમ અને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમ પ્રસંગે કલેક્ટર અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં આઝાદ મેદાન સંતરામપુર ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ રમીલાબેન ડામોર, બાલાસિનોર ધારાસભ્ય માનસિંહ ચૈાહાણ, જિલ્લા વિકાસ અધિકારી કે.ડી.લાખાણી, પોલીસવડા આર.પી. બારોટ, અધિક કલેકટર સી.વી. લટા વિગેરે હાજર રહ્યાં હતાં.