Gujarat Main

ડ્રાઈવરને ઝોકું આવતા કચ્છથી અમદાવાદ જતી બસ પલટી મારી ગઈ

હળવદ: બુધવારની વહેલી સવારે હળવદ માળીયા રોડ ચીચીયારીઓથી ગુંજી ઉઠ્યો હતો. અહીં એક બસનો અકસ્માત (Bus Accident) થયો હતો. કચ્છથી અમદાવાદ (Kutch To Ahmedabad) તરફ જતી એક ટ્રાવેલર્સની બસ હળવદ માળીયા રોડ પર આવેલા વાધરવા ગામના પાટીયા પાસે પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં બસમાં મુસાફરી કરતા 16 મુસાફરોને ઈજા થઈ હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક મોરબીની (Morbi) સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર બુધવારે તા. 25-1-2023ના રોજ વહેલી સવારે 5.30 કલાકે હળવદ માળીયા હાઈવે પર અકસ્માત થયો હતો. કચ્છથી ઉપડેલી પટેલ ટ્રાવેલર્સની બસ (NL-01B-2324) અમદાવાદ તરફ પૂરપાટ ઝડપે જઈ રહી હતી ત્યારે વાધરવા ગામના પાટીયા પાસે અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર આખી રાત બસ દોડાવીને થાકેલા ડ્રાઈવરને મળસ્કે ઝોકું આવી જતા તેણે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને બસ પલટી મારી ગઈ હતી. અકસ્માત થયો ત્યારે મુસાફરો પણ નિંદરમાં હતાં. એકાએક બસ પલટી મારી જતા મુસાફરોએ બૂમાબૂમ કરી મુકી હતી. બસ પલટી મારી જવાના કારણે 16 જેટલા મુસાફરોને ઇજાઓ થઈ હતી. ઈજાગ્રસ્તોને મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં એક મહિલાને ગંભીર રીતે ઇજા થતાં તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે રિફર કરવામાં આવ્યા હોવાની વિગતો સાંપડી છે.

108ની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ
મળસ્કે વાધરવા ગામના પાટીયા પાસે બસને અકસ્માત થયો હોવાની માહિતી મળતા જ આસપાસથી 108ની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. મોરબીની પાંચ જેટલી 108 અને તેની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપીને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વહેલી સવારે બનેલી આ ઘટનાને પગલે હળવદ માળીયા હાઇવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. પોલીસ દ્વારા ટ્રાફિકને ક્લિયર કરવાની કાર્યવાહી કરાઈ હતી.

ઈજાગ્રસ્તોને મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા
અકસ્માતમાં ઈજા પામેલા ઇજાગ્રસ્તોને મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્તોમાં વિપુલ રમણભાઈ પ્રજાપતિ, વિનુ પરમાર, વિજય રામચંદ્ર ગુપ્તા, ઉપેન્દ્રસિંહ નટવરસિંહ રાજ, સૌરભ સોની, દિપક પરસોત્તમ આણંદદાની, કલ્પના દિપક આણંદ દાની, રવિ પટેલ, ઇરસાદ આલમભાઈ, દિનેશ કાંતિલાલ, કાનો દિનેશભાઇ, દિગ્વિજય કાનભાઈ અને લીલા રાજેશભાઇનો સમાવેશ થાય છે.

Most Popular

To Top