Gujarat

બાર વર્ષ બાદ રાજ્યમાં જંત્રીના દર વધશે: સરકારે શરૂ કરી આ ક્વાયત

ગાંધીનગર: ગુજરાતની રાજ્ય સરકાર(Gujarat Government) દ્વારા વર્ષ 2023માં જંત્રીના (Jantri) નવા દર અમલમાં મુકવાની કવાયત હાથ ધરવામાં આવી છે. જેના ભાગ રૂપે તમામ જિલ્લા ક્લેક્ટરો અને જિલ્લાના સ્ટેક હોલ્ડર્સ સાથે મિટીંગ યોજીને તેમના સૂચનો મેળવવા માટે મહેસુલ વિભાગ દ્વારા સૂચના પણ આપી દેવામાં આવી છે અને હવે સરકાર 12 વર્ષ પછી રાજયમાં જંત્રીના નવા દર અમલમાં લાવશે એ વાત ચોક્કસ થઇ ગઇ છે. ક્લેક્ટર અને સ્ટેક હોલ્ડરો પાસેથી સૂચનો મેળવ્યા બાદ રાજ્ય સરકાર દ્વારા જે તે વિસ્તારના જમીનના ભાવના આધારે જંત્રીના દર નક્કી કરવામાં આવશે.

  • વર્ષ 2023માં જંત્રીના નવા દર લાગુ કરવા ગુજરાત સરકાર મક્કમ
  • કલેક્ટર અને સ્ટેક હોલ્ડરો પાસેથી સૂચનો મેળવ્યા બાદ ચાલુ મહિનાથી જ સરવેની કામગીરી શરૂ
  • આગામી બજેટમાં જોગવાઇ કરી અને સરકાર તેની આવક વધારવા માટે નવે સરથી જંત્રીના દર અમલમાં મુકે તેવી શક્યતા
  • સરકાર દ્વારા આગામી 1લી એપ્રિલથી નવી જંત્રી લાગુ કરી દેવામાં આવે એવી ચર્ચા

ખાસ કરીને હાલમાં રાજ્યમાં જમીનોના ભાવમાં વધારો થયો છે પરંતુ સરકારે એક યા બીજા કારણોસર જંત્રીના દરમાં છેલ્લા 12 વર્ષથી સુધારો કર્યો નથી. લાંબા સમયથી તે અંગે વિચારણા ચાલી રહી છે પરંતુ સરકાર તરફથી કોઈ નિર્ણય લેવામાં આવતો નહોતો, જેના લીધે જંત્રીના દરમાં સુધારાનું કાર્ય અટવાયું હતું. તેના લીધે સરકારની આવક પર પણ અસર પડી રહી હતી. આવા સંજોગોમાં આગામી બજેટમાં તેની જોગવાઇ કરવામાં આવશે અને સરકાર તેની આવક વધારવા માટે નવે સરથી જંત્રીના દર અમલમાં મુકશે. જેમાં શહેરી વિસ્તારો સહિત ગ્રામ્ય વિસ્તારોની જમીનોને પણ આવરી લેવામાં આવશે.

જંત્રીના દરમાં 50 ટકા સુધી વધારો કરાય તેવી ચર્ચા
સરકાર મુખ્ય શહેરોમાં જંત્રીના દરોમાં 30થી 50 ટકા સુધીનો પણ વધારો કરી શકે છે એવુ કહેવાય છે. જો કે, હાલના તબક્કે આ મામલે બેઠકોનો દૌર શરૂ થયો છે અને હવે સરકાર ઝડપથી આ નિર્ણય લેવા જઇ રહી હોવાથી જેમના પણ પેન્ડીંગ દસ્તાવેજો છે તેમણે પોતાની આ બાકી કાર્યવાહી આટોપી લેવા માટેની કવાયત હાથ ધરી છે. સરકાર દ્વારા આગામી 1લી એપ્રિલથી નવી જંત્રી લાગુ કરી દેવામાં આવે એવી સંભાવનાઓ હાલમાં વ્યક્ત કરવામાં આવી રહી છે.

Most Popular

To Top