Comments

સરહદી વિસ્તારમાં ચીને બનાવેલો ડેમ ભારત માટે જળપ્રલય સર્જી શકે છે

ભારત માટે મોટી સમસ્યા હોય તો તે તેના પડોશી દેશો છે. એક તરફ પાકિસ્તાન ભારતમાં કોઈપણ રીતે આતંકવાદ ફેલાવવા માટે તત્પર છે તો બોજી તરફી ચીન ભારતના સરહદી વિસ્તારોને ગળી જવા માટે ટાંપીને બેઠું છે. પાકિસ્તાનને ભારતે ભૂતકાળમાં યુદ્ધોમાં મજા ચખાડી હોવા છતાં પણ તે સુધરવા માટે તૈયાર નથી. જ્યારે ચીન ધીરેધીરે પોતાની વિસ્તારવાદી વિચારસરણી દ્વારા ભારતના પ્રદેશોમાં ઘૂસી રહ્યું છે. ડોકલામ, ગલવાન એ ચીનના પાપે ઊભા થયેલા વિવાદો છે. તાજેતરમાં જ ચીનના સૈનિકોને ભારતના સૈનિકોએ મજા ચખાડી હતી.

પરંતુ ચીન એવો દેશ છે કે જે ક્યારેય સુધરે તેમ નથી. ચીને ભારતના સરહદી વિસ્તારોમાં વસાહતો ઊભી કરવાની સાથે રસ્તાઓ બનાવ્યા હતા પરંતુ તાજેતરમાં એક સેટેલાઈટ ઈમેજથી એવો ખુલાસો થયો છે કે ચીન તિબેટમાં ગંગા નદીની ઉપનદી ચાલુંગ ઝાંગબો નદી પર નવો બંધ બાંધી રહ્યું છે. આ જગ્યા ભારત અને નેપાળ સાથેની ચીનની સરહદના ત્રિ-જંકશનની નજીક છે. આ ડેમ બાંધવા પાછળ ચીનની મેલી મુરાદ છે. આ ડેમથી ચીન ભારતમાં આવતા પાણીને નિયંત્રિત કરવાની સાથે ગમે ત્યારે ભારતમાં જળપ્રલય પણ સર્જી શકે છે.

ચીન જે નદી પર ડેમ બાંધી રહ્યું છે તે આગળ જતાં અરૂણાચલ પ્રદેશમાં સિયાંગ તરીકે વહે છે અને આસામમાં આવતા તે નદી બ્રહ્મપુત્રા તરીકે ઓળખાય છે. ડેમ બનાવીને ચીન એક કાંકરે અનેક નિશાન પાર પાડવાના આયોજનો કરી રહ્યું છે. સેટેલાઈટ ઈમેજમાં જાણવા મળ્યું છે કે, ચીન દ્વારા 2021ના મે માસથી આ વિસ્તારમાં ઈન્ફ્રાસ્ટ્રકચરના કામો કરવાની શરૂઆત કરવામાં આવી છે.

ચીન દ્વારા જે ડેમ બાંધવામાં આવી રહ્યો છે તે ડેમ આશરે 400 મીટર જેટલો લાંબો છે. આ ડેમનું હાલમાં બાંધકામ ચાલી રહ્યું છે. ચીન ડેમની નજીકના વિસ્તારમાં જ એરપોર્ટ પણ બનાવી રહ્યું છે. બની શકે છે કે ચીન આ ડેમ દ્વારા નદીનું પાણી વાળતું હોય અથવા તો તેનો સંગ્રહ કરતું હોય પરંતુ આ બંને સ્થિતિ ભારત માટે જોખમકારક છે. ચીને આ જ નદી પર અગાઉ પણ નાના-નાના અનેક બંધ બાંધ્યા છે. ચીને આ વિસ્તારમાં અનેક નાના ગામડાઓ પણ બાંધ્યા છે. ચીન જે રીતે આ વિસ્તારમાં સુવિધાઓ ઊભી કરી રહ્યું છે તે બતાવી રહ્યું છે કે ચીનનો મોટો પ્લાન છે. જેનો ખુલાસો ચીન કરતું નથી.

ભારતે ચીન પર બાજ નજર રાખવાની જરૂરીયાત છે. ચીન એક તરફ ભારતમાં નિકાસ દ્વારા પોતાનો પગપેસારો કરી ચૂક્યું છે. જ્યારે બીજી તરફ ભવિષ્યમાં સરહદી વિસ્તારોમાં પોતાનો કબજો મજબૂત કરી શકે તે માટે સરહદની નજીક જ એરપોર્ટ, ડેમ, ગામડાની સાથે પ્રાથમિક અને માળખાકીય સુવિધા ઊભી કરી રહ્યું છે. ચીન એવું આયોજન કરી રહ્યું છે કે ધીરેધીરે સરહદની નજીક સુવિધાઓ ઊભી કરીને બાદમાં ભારતના વિસ્તારોમાં પણ ઘૂસી શકે. ભૂતકાળમાં પણ ચીને ભારતના સરહદી વિસ્તારોને પચાવી પાડવા માટે અનેક પ્રયાસો કર્યા છે.

આ કારણે જ ભારતે ચીન સરહદે ભૂતકાળમાં સૈનિકોની સંખ્યા વધારી જ હતી પરંતુ તે પુરતું નથી. ચીન દ્વારા સરહદની નજીક જે ઈન્ફ્રાસ્ટ્રકચરના કામો કરવામાં આવી રહ્યા છે તેની સામે ભારતે પણ સરહદો પર સુવિધાઓ ઊભી કરવાની જરૂરીયાત છે. જે દાવ ચીન ખેલી રહ્યું છે તે જ દાવ ભારત પણ ખેલી શકે છે. ચીનને સ્હેજેય હળવાશથી લેવાય તેમ નથી. ચીન સતત અરૂણાચલ પ્રદેશ પર પોતાનો દાવો કરે છે અને જે ડેમ બનાવે છે તે પણ અરૂણાચલની સરહદે જ છે. ભારત જો સતર્ક રહેશે તો જ પોતાના પ્રદેશો બચાવી શકશે અન્યથા ચીન ગમે ત્યારે આ વિસ્તારોમાં ઘૂસી જશે તે નક્કી છે.

Most Popular

To Top