આણંદ : આણંદ જિલ્લામાં માર્ગ સલામતી સપ્તાહનો પ્રારંભ કલેક્ટર ડી.એસ.ગઢવીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો હતો. આ બેઠકમા કલેક્ટરએ જણાવ્યું હતું કે, માર્ગ અકસ્માતોમાં દર વર્ષે અનેક લોકો ગંભીર ઇજાગ્રસ્ત થાય છે અને કેટલાક લોકો જીવ ગુમાવે છે. જેથી નાગરિકો સુધી માર્ગ સલામતીનો સંદેશ પહોંચાડવો ખૂબ જ આવશ્યક છે. આ હેતુથી માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. આણંદ કલેક્ટર ડી. એસ. ગઢવીના અધ્યક્ષસ્થાને માર્ગ સલામતી સપ્તાહના સુચારૂ આયોજન અંગે કલેક્ટર કચેરી ખાતે રોડ સેફટી કમીટીની બેઠક મળી હતી.આ બેઠકમાં કલેક્ટરએ જણાવ્યું હતું કે, વાહન ચાલકો પોતાનું વાહન ચલાવતી વખતે નિયમોનું ચૂસ્તપણે પાલન કરે અને અકસ્માત જેવી સ્થિતિ ન સર્જાય.
આવા સંજોગોમાં જો આજથી જ જાગૃત નહી બનીએ તો ભવિષ્યમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. માર્ગ સલામતી થકી પરિવાર, સમાજ અને રાષ્ટ્રને સુરક્ષિત રાખવા તેમજ જીવન સુરક્ષાનો મંત્ર અપનાવી વાહન ચાલકોને રાષ્ટ્રભાવના સાથે ડ્રાઈવિંગ કરવા અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત તેમણે શાળા કે કોલેજમાં જતા અપુખ્ત વયના બાળકોને વાહન ન આપવાની વાલીઓને અપીલ કરી હતી, તેમજ વાહનોનું વેચાણ કરતા ડીલર્સને પોતાના શોરૂમમાં રોડ સેફ્ટી અંગે જાગૃતિ ફેલાવતી ફિલ્મો બતાવવાનો આગ્રહ કર્યો હતો. માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત નવા મોટર વિહિકલ્સ એક્ટ 2019ના કાયદા વિશે સમજ આપી હતી.
આરટીઓ ખાતે આંખ તથા આરોગ્યની ચકાસણીનો કેમ્પ, શાળા અને કોલેજોમાં માર્ગ સલામતી બાબતે ચિત્ર, નિબંધ, વકૃત્વ સ્પર્ધા અને ક્વિઝનું આયોજન, માર્ગ પરના દિશા સૂચક ચિન્હો બાબતે સમજ આપતા સેમિનાર, મોટર ડ્રાઇવિંગ સ્કૂલના ટ્રેનરોને તેઓના એસોસિએશનના સહકારથી નિષ્ણાતો દ્વારા તાલીમ, ડ્રાઇવિંગ લાઇસન્સ, વાહન ફિટનેસ, રીયલ વ્યુ મિરર, મોબાઈલ ઉપયોગ તથા વાહનના દસ્તાવેજ બાબતે સમજ, સરકારી હોસ્પિટલની બ્લડ બેન્ક/રેડ ક્રોસના સહયોગથી રક્તદાન શિબિર, ડ્રાઇવર તાલીમ- ઇંધણ બચાવો બાબતે તકનીકી સમજ, ડ્રાઇવરની અન્ય રોડ ઉપભોક્તા પ્રત્યેની જવાબદારી વિશે સમજ જેવા વિવિધ જાગૃતતા કાર્યક્રમો યોજવામાં આવનાર હોવાનું આણંદ જિલ્લા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીએ જણાવ્યું હતું.આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પરમાર, જિલ્લા પોલિસ અધિક્ષક પ્રવિણ કુમાર હાજર રહ્યા હતા.