જાન્યુઆરી મહિનો પૂરો થવામાં પણ બોક્સ ઓફિસ પર કોઈ ગરમી નથી. અત્યારે ‘પઠાણ’ પર બધો દારોમદાર છે પણ રિલીઝ થશે તો. હવે સ્ટાર્સના આધારે ફિલ્મો સફળ રહે એવું રહ્યું નથી. લોકોને કેવી ફિલ્મ ગમશે તે પણ સમજાતું નથી. અત્યારે કોઈ સ્ટારને બોક્સ ઓફિસનો કિંગ કહેવો જોખમી છે. અક્ષય કુમાર, આમીરની ફિલ્મો નિષ્ફળ રહી ચુકી છે. આમ છતાં ફિલ્મોદ્યોગ ચમત્કારની આશા તો રાખશે જ. તેઓ વિચારે છે કે કોઈ નવો સ્ટાર યા નવી એકટ્રેસ ચાલી નીકળે યા એવી ફિલ્મ ચાલી નીકળે જેની પોતપોતાની રીતે કોપી કરી થોડો વર્ષ ખેંચી શકાય. રાજેશ ખન્ના, અમિતાભ બચ્ચને સર્જેલા યુગ જેવું કાંઈક બને. છેલ્લાં ત્રણેક વર્ષમાં કેટલાંક નવોદિત અભિનેતા- અભિનેત્રી આવ્યા પણ તેઓ સફળતાની ગેરંટી બની શક્યા નથી. સની દેઓલ તેના દિકરા કરણ દેઓલને સફળ બનાવી શક્યો નથી.
કરણ હજુ પણ ‘દેખો જરા’ માં આવવાનો છે પણ તે સફળ જશે ? આ વર્ષે શાહરૂખ ખાન તો ફરી સફળ થવા મથે જ છે પણ તેની દિકરી સુહાના ખાન ઝોયા અખ્તર દિગ્દર્શીત ‘ધ આર્ચીઝ’માં રોહિત છેત્રી, ખુશી કપૂર સાથે આવી રહી છે. 2023માં તેનું આગમન સેન્શેનલ બનવું જોઈએ. એ ફિલ્મમાં અમિતાભ બચ્ચનની દિકરી શ્વેતા અને રાજકપૂરની દિકરીના દિકરા નિખિલ નંદાનો પુત્ર અગત્સ્ય પણ કામ કરે છે. ને ઘણા માને છે કે સુહાના-અગત્સ્ય ડેટ કરે છે. હશે, પણ સવાલ છે કે સુહાનાની ફિલ્મ સુહાનાને તેના બાપ જેવી સફળ પૂરવાર કરશે. કોમેડીયન જગદીપનો પૌત્ર અને જાવેદ જાફરીનો દિકરો મિઝાન બે ફિલ્મોમાં આવી ચુક્યો છે પણ જ્યાં સુધી સફળ ન તાય ત્યાં સુધી તો રિ-લોન્ચિંગ જ કરતા રહેવું પડે. હવે તે મલયાલમ ફિલ્મ ‘બેંગ્લોર ડેઝ’ની રિમેક ‘યારિયાં-2’ અને સંજય ગુપ્તાની ‘મિરાન્ડા બોયઝ’માં આવી રહ્યો છે.
મિઝાન ઈચ્છે છે કે તે તુક્કો નહીં તીર પૂરવાર થાય. એવું તો સંજયકપૂરની દિકરી શનાયા કપૂર પણ ‘બે ધડક’ ઈચ્છી રહી છે. કરણ જોહરની ફિલ્મ છે એટલે તો પ્રેક્ષકોના દિલ ધડકાવે તો જલસો થઈ જાય. પણ અત્યારે તો તે કરણ કોઠારી સાથે ડેટ કરવાના સમાચાર થી વીંટળાયેલી છે. એ બધા વચ્ચે શશાંક ખેતાન દિગ્દર્શીત ‘બે ધડક’ની સફળતાને ઈચ્છે છે. શશાંક જે શનાયાના કાકા બોનીકપૂરની દિકરી જાન્હવીને લોન્ચ કરી હતી. આ વર્ષે તો જાન્હવીની બહેન ખૂશી કપૂર પણ ‘ધ આર્ચીઝ’ ઉપરાંત ‘ધ ગઢવાલ રાઈફલ’માં આવી રહી છે. મતલબ ‘ખાન’ સ્ટાર નવા ઉમેરાય કે નહીં કપૂરો તો આવતાં જ રહેશે. આ વર્ષે આમીરના દિકરા જૂનૈદ ખાન ‘મહારાજ’માં દેખાશે અને તેની પર પણ મોટી આશા રખાશે. •