સુરત: (Surat) મંગળવારે સવારે સરથાણા વિસ્તારમાં વાલક પાટિયા પાસે આવેલી સ્વામિનારાયણ મિશન સ્કુલના બસના (School Bus) ડ્રાઇવરે (Driver) બેદરકારીથી બસ ચલાવતા બસ સ્કુલ બહાર કંપાઉન્ડ પાસે જ ગટરમાં પલટી ગઈ (Turn Over) હતી. જેના કારણે ગંભીર ઇજાથી ડ્રાઇવરનું મોત થયું હતું.
- સ્વામિનારાયણ મિશન સ્કુલની બસ કમ્પાઉન્ડ પાસે જ ગટરમાં પલટી જતાં ડ્રાઈવરનું મોત
- વાલક પાસે સ્કુલના ડ્રાઈવરે બેદરકારીથી બસ ચલાવતા ગટરમાં ખાબકતા કંડક્ટરને ઇજા
સરથાણા પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર સરથાણા વિસ્તારમાં વાલક પાટિયા પાસે સ્વામિનારાયણ મિશન સ્કુલ આવેલી છે. સ્કુલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લાવવા-લઈ જવા માટે સ્કુલે બસની વ્યવસ્થા રાખી છે. સ્કુલમાં કુલ 52 બસ છે. તે પૈકી એક બસ પર જતીનભાઈ કાંતીભાઈ પટેલ (54 વર્ષ.રહે. આવિર્ભાવ સોસાયટી-1, ચીકુવાડી પાસે, પાંડેસરા) ડ્રાઈવર તરીકે નોકરી કરતા હતા. મંગળવારે સવારે તમામ બસના ડ્રાઈવરો જે-તે વિસ્તારમાં જઈને વિદ્યાર્થીઓને લઈ આવ્યા હતા. તેમાં જતીનભાઈ પણ વિદ્યાર્થીઓને સ્કુલે મુકીને થોડા સમયમાં બસના ટાયરમાં પડેલું પંક્ચર બનાવવા માટે ગયા હતા.
તેઓ 10.30 વાગ્યાના સુમારે પંક્ચર બનાવીને પરત ફરતા હતા. ત્યારે બેદરકારીથી બસ ચલાવતા સ્કુલની બહાર કંપાઉન્ડ પાસે ગટર લાઈનમાં બસ પલટી ગઈ હતી. લોકોએ ડ્રાઈવર જતીનભાઈ અને કંડક્ટરને બહાર કાઢી ખાનગી હોસ્પિટલમાં ખસેડાતા સારવાર દરમિયાન જતીનભાઈનું મોત નિપજ્યું હતું. બસમાં કોઈ પણ વિદ્યાર્થી નહીં હોવાથી મોટી જાનહાની ટળી ગઈ હતી.
મોટા ધડાકાનો અવાજ આવ્યો
બસ પલટી ત્યારે સ્કુલમાં ટ્રાન્સપોર્ટ સુપરવાઇઝર તરીકે નોકરી કરતા મેહુલકુમાર પટેલ સ્કુલમાં હતા. બસ પલટી ત્યારે મોટા ધડાકાનો અવાજ આવ્યો હતો. તેથી મેહુલકુમાર સહિતનાઓ શું થયું તે જોવા માટે સ્કુલની બહાર નીકળ્યા હતા. બસ પલટી ગયેલી જોઈને ડ્રાઈવર અને કંડક્ટરને બહાર કાઢ્યા હતા. મેહુલકુમારે સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.