વડોદરા : વડોદરા શહેરમાં મકરસંક્રાંતિથી વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે ઠંડીનું મોજુ ફરી વળતા શહેર ઠંડુગાર બન્યું હતું. તેજ પવનો ફૂંકાતા પતંગ રસિકોનો ઉત્સાહ વધુ બેવડાયો હતો. રાત્રિ દરમિયાન ઠંડીનો ચમકારો વર્તાતા લોકોએ ગરમ વસ્ત્રો પરિધાન કર્યા હતા. તો બીજી તરફ કેટલાક લોકોએ તો પોતાની મકાનોના અગાસી ધાબા અને ટેરેસ ઉપર તાપણા કરી ઠંડીથી રક્ષણ મેળવતા કેમેરામાં કેદ થયા હતા.
વડોદરા સહિત દક્ષિણ ગુજરાત માં આજે રાત્રિનું તાપમાન ઉંચકાયું હતું અને વડોદરા સહિત અનેક સ્થળે વાદળોના દર્શન પણ થયા હતા જેના કારણે બપોર સુધી જાણે કે ઠંડી ગાયબ થઈ ગયાનો અહેસાસ થતો હતો પરંતુ, સાંજે તીવ્ર ગતિએ ઠંડા પવનો ફૂંકાવા શરૂ થતા લોકો ગરમવસ્ત્રોમાં લપેટાઈ જવા મજબૂર બન્યા હતા. મૌસમ વિભાગે ઉત્તરાયણ પર્વના દિવસે તીવ્ર ઠંડી પડવાની આગાહી કરી છે અને કચ્છમાં વાસી ઉત્તરાયણના દિવસે કોલ્ડવેવની આગાહી પણ કરાઈ છે જેની અસર મધ્ય ગુજરાત માં સવિશેષ થઈ શકે છે.મૌસમ વિભાગ અનુસાર ન્યુનત્તમ તાપમાન અમદાવાદમાં 9, વડોદરામાં 12, રાજકોટ,સુરતમાં 13 ભૂજમાં 11, વેરાવળમાં 14 ડિગ્રી સે.તાપમાનની આગાહી છે. સંભવતઃ આથી નીચું તાપમાન પણ રહી શકે છે.
રાજકોટ અને જુનાગઢમાં ઉત્તર પૂર્વ દિશાથી 14 કિ.મી. અમદાવાદ, વડોદરા, સુરતમાં ઉત્તર દિશાનો 10 થી 12 કિ.મી.વડોદરામાં પૂર્વનો પવન 9 થી 10કિ.મી. ઝડપે રહેવાની સંભાવના વ્યકત કરાઈ છે.નોંધનીય છે કે ઉત્તરાયણના દિવસે લોકોને વહેલી સવારે તીવ્ર ઠંડીનો સામનો કરવો પડ્યો હતો.25 થી 30 ડિગ્રી સે.તાપમાને હૂંફાળો દિવસ અને સાંજ પડે પતંગ ચગાવવા 10-15 કિ.મી.ઝડપે પવન ફૂંકાયો હતો. તો રાત્રી દરમિયાન એકાએક ઠંડીનો પારો ગગડતા લોકો ઠુંઠવાયા હતા લોકોએ તો પોતાના ટેરેસ ધાબા ઉપર જ તાપણાં કર્યા હતા.