Trending

આ વર્ષે 14 જાન્યુઆરીએ નહીં ઉજવાય મકરસંક્રાંતિ, આ છે કારણ…

સુરત : 14મી તારીખે ઉતરાયણ એટલે કે સુરતવાસીઓનો અતિપ્રિય તહેવાર, 14ની અને 15મી જાન્યુઆરી એટલે કે ઉતરાણ અને વાસી ઉતરાણ બન્ને દિવસ સુરતવાસીઓ ધાબા પર ધામા નાખી પતંગબાજીની મજા લુંટશે જો કે ઉતરાણયનું હિન્દુ ધર્મમાં અનેરૂ મહત્વ પણ છે. પોષ મહિનામાં જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે તો મકરસંક્રાતિનો તહેવાર ઉજવાય છે. આ વખતે 14 જાન્યુઆરીની રાતે 8.44 મીનીટે સુર્ય મકરરાશીમાં પ્રવેશ કરશે અને 15મીના બપોર 12.44 સુધી સંક્રાંતિ કાળ ચાલશે. ત્યાર બાદ કમુરતા હટી જશે અને શુભકાર્યોનો સમય શરૂ થતો હોય લગ્નસરાની મોસમ જામશે.

મકરસંક્રાંતિના દિવસે તીર્થ સ્થાનો પર સ્નાન અને દાન કરવાનું અનેરું મહત્વ છે. આ દિવસે ગંગા નદીમાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે, પરંતુ જો તમે ત્યાં જઈ શકતા નથી, તો આ દિવસે તમારે ઘરમાં સામાન્ય પાણીથી સ્નાન કરવું જોઈએ અને જો શક્ય હોય તો તે પાણીમાં પવિત્ર નદીઓનું થોડું પાણી ઉમેરવું જોઈએ. આમ કરવાથી વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું રહે છે અને પૈસાની કમી નથી રહેતી. એવું કહેવામાં આવે છે કે સંક્રાંતિના એક દિવસ પહેલા, એટલે કે, વ્યક્તિએ બપોરે માત્ર એક જ વાર ભોજન કરવું જોઈએ, મકરસંક્રાંતિના દિવસે અડદની દાળ અને ચોખાનું દાન કરવામાં આવે છે. આ સાથે તલ, ચિડવા, સોનું, ઊની વસ્ત્રો, ધાબળા વગેરેનું દાન કરવાનું પણ વિશેષ મહત્વ છે. દાન કર્યા પછી તેલ વગરનું ભોજન લેવા અને ક્ષમતા મુજબ અન્ય લોકોને ભોજન આપવા, ગાય અને અન્ય પશુઓને ચારો કે બાફેલા અનાજ ખવડાવવાનુ પણ શાસ્ત્રો કહે છે. સંક્રાંતિના દિવસે દાન કે ધાર્મિક કાર્ય સો ગણું ફળ આપે છે.

આ વખતે મકર સંક્રાંતિની ઉજવણીમાં મુંઝવણ
14 જાન્યુઆરીએ સૂર્યની મકરસંક્રાંતિ છે, એટલે કે ધનુરાશિ છોડ્યા પછી, સૂર્ય 14 જાન્યુઆરીએ રાત્રે 8.44 વાગ્યે મકર રાશિમાં પ્રવેશ કરશે અને 13 ફેબ્રુઆરીના રોજ સવારે 9.40 વાગ્યા સુધી મકર રાશિમાં સંક્રમણ કરતું રહેશે. તે પછી તેઓ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. સૂર્ય મકર રાશિમાં પ્રવેશતાની સાથે જ ખરમાસ અથવા ધનુર્માસ પણ સમાપ્ત થઈ જશે. તેથી અત્યાર સુધી જે શુભ કાર્યો માટે અનુકુળ સમય શરૂ થશે. સૂર્યની કોઈપણ સંક્રાંતિના પુણ્યકાળ દરમિયાન દાન અને સ્નાનનું વિશેષ મહત્વ હોય છે અને આ સંક્રાંતિનો પુણ્યકાળ 15 જાન્યુઆરીએ બપોરે 12.44 સુધી સંક્રાંતિનો કાળ રહેશે. આવી સ્થિતિમાં મકરસંક્રાંતિ 15 જાન્યુઆરી 2023ના રોજ ઉજવવામાં આવશે.

મકરસંક્રાંતિ 2023ના શુભ મુહુર્ત
પુણ્યકાલ સવાર – સવારે 7.15 થી 12.30 (સમયગાળો: 5 કલાક 14 મિનિટ)
મહાપુણ્ય કાલ સવાર – 7.15 મિનિટ 13 સેકન્ડથી 9.15 મિનિટ 13 સેકન્ડ (સમયગાળો: 2 કલાક)

મકરસંક્રાંતિમાં સુર્ય શનિને મળવા જાય છે, ભિષ્મપિતાએ દેહ છોડયો હતો
હિંદુ પૌરાણિક કથાઓ અનુસાર, મકરસંક્રાંતિના દિવસે ભગવાન સૂર્ય તેમના પુત્ર ભગવાન શનિની મુલાકાત લે છે. તે સમયે ભગવાન શનિ મકર રાશિનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. ભગવાન શનિ મકર રાશિના દેવતા છે. તેથી જ આ દિવસને મકરસંક્રાંતિ તરીકે ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ ખાસ દિવસે જો કોઈ પિતા પોતાના પુત્રને મળવા જાય છે, તો તેના તમામ દુ:ખ અને પરેશાનીઓ દૂર થઈ જાય છે. ઉપરાંત મહાભારતકાળમાં ભિષ્મપિતાને ઇચ્છામૃત્યુનું વરદાન હોય, કુરૂક્ષેત્રના યુધ્ધમાં જીવલેણ તીર લાગ્યા બાદ બાણશૈયા પર સુતા રહીને ભિષ્મએ દેહ છોડવા માટે મકરસંક્રાતિ સુધી મૃત્યુને અટકાવી રાખ્યુ હોવાની કથા પણ પ્રચલિત છે.

પતંગ, માંજા, ઊંધીયુંની સાથે જ ચિક્કી-લાડુ પર પણ મોંઘવારીની માર
ઉત્તરાયણ પર્વ એટલે શિયાળાની સોડમ સાથે સુરતીઓ માટે પતંગ, ઊંધીયું અને ચિક્કી-લાડુનો ટેરેસ પર મજા માણવાનો અવસર. શિયાળામાં તળ શરીરમાં ગરમીના પ્રમાણમાં વધારો કરે છે. તો બીજી બાજુ સીંગદાણા શરીરને મહત્વપુર્ણ વિટામીન્સ આપે છે. મોંઘવારીની માર આ વર્ષે પતંગ, માંજા અને ઊંધીયું સાથે તળ અને શિંગદાણાની ચિક્કી-લાડુ પર પણ પડી છે. અડાજણમાં ઘરમાં જ તળના લાડુ-ચિક્કી, આખા સીંગદાણાની ચિક્કી, વાટેલા સીંગદાણાની ચિક્કી અને મમરાના લાડુ બનાવી વેચાણ કરતાં સુનિલભાઈ સાટોટેએ જણાવ્યું કે, ‘અમારા પરિવારની ત્રીજી પેઢી આ વ્યવસાય સાથે સંકળાયેલી છે. 70 વર્ષ પહેલાં દાદાએ શરૂ કરેલાં આ ધંધામાં હાલમાં પરિવારના 9 લોકો જોડાઈને કામ કરી રહ્યા છે. આ વર્ષે સુરતીઓની સાથે જ વિદેશમાં વસતા ગુજરાતીઓ પણ લાડુ-ચિક્કીનો ઓર્ડર આપવામાં અગ્રેસર રહ્યાં છે.’

પ્રકાર 2022નો ભાવ(પ્રતિ કિલો) 2023નો ભાવ(પ્રતિ કિલો)

તલના લાડુ-ચિક્કી રૂ. 300 રૂ.400
આખા સીંગદાણાની ચિક્કી રૂ.300 રૂ.350
વાટેલા સીંગદાણાની ચિક્કી રૂ.300 રૂ.350
મમરાના લાડુ રૂ.150 રૂ.200

તેમણે વધુમાં જણાવ્યું કે, ‘તલના, ગોળના અને સીંગદાણાના, મમરાના ભાવમાં વધારો થવાના કારણે ચિક્કી અને લાડુના ભાવમાં વધારો થયો છે. તલના ભાવમાં પ્રતિકિલો 30થી 40 રૂપિયાનો વધારો થયો છે, જ્યારે સીંગદાણાના ભાવમાં 10થી 15 રૂપિયાનો વધારો થયો છે. પણ રસપ્રદ વાત એ છે કે, ભાવવધારાની સાથે જ ઓર્ડરની ડિમાન્ડમાં પણ 25થી 30 ટકાનો વધારો નોંધાયો છે.’

Most Popular

To Top