નવસારી: (Navsari) નવસારીના વૃદ્ધ પાસે સુરતના વ્યાજખોરે (Usury) 2.50 લાખ રૂપિયા સામે 5.50 લાખ રૂપિયા વસુલ્યા બાદ પણ વ્યાજખોરે વૃદ્ધે આપેલા કોરા ચેકમાં 9 લાખ રૂપિયા ભરી ચેક બાઉન્સ (Check Bounce) કરાવી કોર્ટમાં ફરિયાદ દાખલ કરી સતામણી કરતા વૃદ્ધે નવસારી ટાઉન પોલીસ મથકે (Police Station) સુરતના વ્યાજખોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, નવસારી ઘેલખડી શિવાની એપાર્ટમેન્ટમાં રહેતા પ્રવિણભાઈ જટાશંકર જોષી (ઉ.વ. 62) કર્મકાંડ કરી તેમનું ગુજરાન ચલાવે છે. ગત 2જી ઓગષ્ટ 2021 માં પ્રવિણભાઈએ સુરતના જાલુભાઈ પાસેથી 50 હજારની માંગણી કરતા તેમણે 30 ટકા લેખે 15 હજાર રૂપિયા વ્યાજ કાપી 35 હજાર રૂપિયા પ્રવિણભાઈને ગુગલ પે માં મોકલ્યા હતા. ત્યારબાદ પણ પ્રવિણભાઈને રૂપિયાની જરૂરિયાત પડતા ટુકડે-ટુકડે 2.50 લાખ રૂપિયા 30 ટકા વ્યાજે લીધા હતા. જે વ્યાજના 60 હજાર રૂપિયા આંગડીયા મારફતે મોકલાવ્યા હતા. જાલુભાઈએ પ્રવિણભાઈ પાસેથી એક કોરો સહી વાળો ચેક પણ લીધો હતો. ત્યારબાદ જાલુભાઈએ પ્રવિણભાઈને ફોન કરી વ્યાજના પૈસા મોકલી આપવા માટે ધમકી આપી હતી. જેથી પ્રવિણભાઈએ પૈસાની સગવડ કરી 50 હજાર રૂપિયા આંગડીયા મારફતે મોકલાવ્યા હતા.
ત્યારબાદ જાલુભાઈએ ધમકીઓ આપતા પ્રવિણભાઈએ 1 લાખ રૂપિયા આંગડીયા મારફત મોકલાવ્યા હતા. ત્યારબાદ પ્રવિણભાઈ પાસે પૈસાની સગવડ નહીં થતા તેમને જાલુભાઈને પૈસા આપવાનું બંધ કરી દીધું હતું. પરંતુ જાલુભાઈ વધુ વ્યાજ પડાવવા માટે સિક્યુરીટી પેટે પ્રવિણભાઈ પાસે લીધેલો કોરા ચેકમાં 9 લાખ રૂપિયાની રકમ ભરી ચેક બાઉન્સ કરાવડાવી સુરત કોર્ટમાં પ્રવિણભાઈ વિરુદ્ધ નેગોશ્યીબલ ઇન્સ્ટ્રુમેન્ટની કલમ મુજબ ફરિયાદ દાખલ કરી ત્રાસ આપવાનું શરુ કર્યું હતું. જેથી પ્રવિણભાઈએ નવસારી ટાઉન પોલીસ મથકે જાલુભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.એસ.આઈ. એસ.એમ. ગામીતે હાથ ધરી છે.
મહિલાએ વ્યાજની રકમ નહીં ચૂકવતા વ્યાજખોરે ચાર તોલાનો સોનાનો સેટ ભંગાવી નાંખ્યો
જલાલપોર તાલુકાના મહુવર ગામે ગ્રામપંચાયતની પાછળ ટાંકી ફળીયામાં ધર્મિષ્ઠાબેન કૌશિકભાઈ પટેલે મરોલી બજાર રત્નકલા જ્વેલર્સની દુકાન ભરતભાઈ રૂપચંદભાઈ ધોકા પાસે બે ચેઈન, મંગલસૂત્ર હાર મળી કુલ્લે 11 તોલા સોનું ગીરવે મૂકી 3.91 લાખ રૂપિયા માસિક 2 ટકાના વ્યાજ લેખે લીધા હતા. પરંતુ ધર્મિષ્ઠાબેન વ્યાજની રકમ ચૂકવી નહીં શકતા ભરતભાઈએ ધર્મિષ્ઠાબેને આપેલા દાગીના પૈકી ચાર તોલાનો સોનાનો સેટ ભંગાવી 1.80 લાખ રૂપિયાની રકમ વ્યાજમાં ગણી લઈ બાકીના 2 ટકા ચક્રવૃદ્ધી વ્યાજ અને મુદ્દલ સાથેની કુલ્લે 5.50 લાખની રકમ નહીં ભરો તો બધું જ સોનાના દાગીના ભાંગીને વેચી દઈશ તેવી ધમકી આપી અપશબ્દો બોલી પરેશાન કરતા હતા. આ બાબતે ધર્મિષ્ઠાબેને મરોલી પોલીસ મથકે ભરતભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.