પારડી-વલસાડ: (Valsad) પારડી નજીક પારનદીના બોરીડેમ પાસે મંગળવારે બપોરે લેક્ચર ફ્રી હોવાથી 6 વિદ્યાર્થી (Students) મિત્રો ફરવા માટે આવ્યા હતા. બાદમાં 3 વિદ્યાર્થીઓ નાહવા માટે પાણીમાં (Water) ઉતર્યા હતા. તે દરમિયાન અચાનક વિદ્યાર્થીઓ ડૂબવા (drowned) લાગતા અન્ય 3 વિદ્યાર્થીઓ પણ તેઓને બચાવવા કૂદી પડ્યા હતા.
ઘટના સમયે વિદ્યાર્થીઓમાં દોડભાગ થતા સ્થાનિક ચંદ્રપુરના તરવૈયાઓ નદીમાં બચાવવા કૂદી પડ્યા હતા. જેમાં 6 પૈકી 4 વિદ્યાર્થીઓને બચાવી લેવાયા હતા. જ્યારે 2 વિદ્યાર્થીઓમાં સાહિલ નીતિન પટેલ (રહે.અબ્રામા ઠાકોરજી પાર્ક, વલસાડ) અને વાપીના છરવાડા ખાતે રહેતો અંકુર દશરથ પરમાર મૃત્યુ પામ્યા હતા. જ્યારે અન્ય 4 વિદ્યાર્થીમાં રોનક અરવિંદ દામા (રહે. હાલર, વશી ફળિયા), વ્રજ કલ્પેશ સોલંકી (રહે.પાલી હિલ-વલસાડ), હેમાંગ નવીન પટેલ (રહે.વાપી) અને સ્મિત દીપક પટેલ (રહે.મણીબાગ સોસાયટી, અબ્રામા)ને બચાવી લેવાયા હતા.
ઘટનાની જાણ વલસાડ રૂરલ પોલીસને થતા તેઓ સ્થળ પર આવી પહોંચ્યા હતા. બે વિદ્યાર્થીની લાશને વલસાડ સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી હતી. બચી ગયેલા 4 યુવકને વલસાડ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ પરિવાર અને મિત્ર વર્તુળમાં થતા શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. આ વિદ્યાર્થીઓ વલસાડ ગવર્મેન્ટ ઈજનેર કોલેજના હોવાનું જાણવા મળ્યું હતું.
ચીખલીના હોન્ડ ગામે અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા રાહદારીનું મોત
ઘેજ : ચીખલી તાલુકાના હોન્ડ ગામે અજાણ્યા વાહન ચાલકે અડફટે લેતા હાઇવે ક્રોસ કરી રહેલા 47 વર્ષીય શખ્સનું મોત નીપજ્યું હતું. પોલીસ મથકેથી પ્રાપ્ત વિગત મુજબ રાજેશભાઇ રમેશભાઇ રાઠોડ (ઉ.વ. 47 રહે. હોન્ડ ચોકી ફળિયા, તા. ચીખલી) આજે સવારના સમયે નેશનલ હાઇવે પગપાળા ક્રોસ કરી રહ્યા હતા. તે દરમ્યાન કોઇ અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા માથામાં અને પગમાં ગંભીર ઇજા થતા ઘટના સ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું. આ અંગેની ફરિયાદ મરનારના પુત્ર મિરલ રાઠોડે નોંધાવતા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ડાંગ જિલ્લાનાં વઘઇનાં માનમોડી ગામ પાસે પીકઅપ વાન અડફેટે 3 વર્ષનાં બાળકનું મોત
સાપુતારા : ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાનાં મોટાબરડાથી બોન્ડારમાળ ગામે કારેલા ભરવા જતી પીકઅપ વાન. ન. જી.જે.15.એક્સ. એક્સ. 0800નાં ચાલકે માનમોડી ગામનાં આંતરીક માર્ગમાં પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી ઘરની બહાર રોડ પર નીકળેલા 3 વર્ષીય બાળક સાંઈકુમાર શ્યામભાઈ ધૂળેને અડફેટમાં લઈ શરીરનાં ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડતા આ માસૂમ બાળકનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતુ. માનમોડી ગામે પીકઅપ વાનનાં અડફેટમાં માસૂમ બાળકનું મોત નિપજતા આ પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. આ બનાવની જાણ સાપુતારા પોલીસની ટીમને થતા તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. હાલમાં બાળકની માતા શુશીલાબેન શ્યામભાઈ ધૂળેએ પીકઅપ ચાલક વિરુદ્ધ સાપુતારા પોલીસ મથકમાં ગુનો નોંધાવતા સાપુતારા પી.એસ.આઈ કે.જે.નિરંજને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.