ગુ.મિ.ની કોલમમાં ડો. શ્રી નાનક ભટ્ટે શિક્ષણમાં આધુનિક આધાર (સેક્સ) વિષે ખૂબ જ વિશદ ચર્ચા કરી સમજાવ્યું છે. આધુનિક શિક્ષણ વિષે વધુ લખવાની રુચિ નથી. પરંતુ આપના શિક્ષણની (ભારતમાં) વરવી સ્થિતિ જોઈ ખૂબ દુ:ખ થાય છે. વેદોએ આજે હજારો વર્ષો પહેલાં જીવનની પ્રત્યેક સ્થિતિ વિષે વિશદ ચર્ચાઓ કરી છે. વેદોએ ષડરિપુનો નિષેધ કર્યો નથી પરંતુ એના અતિરેકને શત્રુ ગણાવ્યો છે. આ ષડરિપુરહિત માનવને સંતની કક્ષા આપી છે. છતાં એનો વિરોધ કર્યો નથી પરંતુ વિસ્તારથી સમજાવ્યું છે કે સંસારી મનુષ્યે શું કરવું જોઈએ.
વેદમાં ગુરુકુળ પધ્ધતિને શ્રેષ્ઠ પધ્ધતિ સમજાવી છે. પ્રાચીન સમયના બધાં જ ધર્મો અને કુલના વિદ્યાર્થીઓ ગુરુકુલ (આશ્રમ) પધ્ધતિમાં શિક્ષણ લેતાં હતાં. આ પધ્ધતિમાં મનુષ્યને આગળ ઉપર સંસારી જીવન જીવવાનો સાચો અર્થ મળતો હતો. આજના આધુનિક શિક્ષણના જમાનામાં આ ગુરુકુળ પધ્ધતિ વિકસાવી અશક્ય છે. એક તો જગ્યાનો અભાવ અને વેદકાલીન ઋષિ પધ્ધતિના શિક્ષકો મળવા જ મુશ્કેલ. આજના મોબાઈલ ટી.વી. જેવાં આધુનિક સાધનોમાં મોબાઈલ વગર આજનો યુવાન રહી શકતો નથી. મોબાઈલની એક ખાસિયત વખાણવા જેવી છે કે તેણે દુનિયાને એકદમ નજદીક લાવી દીધી છે. આજે નાનાં બાળકો પણ મોબાઈલમાં જોઈને કામવાસનાથી ઉભરાઈ ગયાં છે.
કામવાસના કાંઈ દુર્ગુણ નથી પરંતુ એનો અતિરેક દુર્ગુણમાં ખપે છે. વિદેશમાં માતાના ધાવણ લેતાં બાળકની વૃત્તિને પણ કામવાસનામાં ખપાવવામાં આવે છે. એટલે ભારતીય માનસશાસ્ત્ર અને વિદેશી માનસશાસ્ત્ર ઘણી રીતે જુદું પડે છે. એક વાત તો સ્પષ્ટ છે કે ગુરુકુલ પધ્ધતિ આજના આધુનિક વિકાસકાળ ગણાતી પધ્ધતિમાં હાસ્યાસ્પદ પુરવાર થાય છે. આજના શિક્ષકો કાંઈ વેદકાલીન ઋષિઓ જેવા થઈ શકે નહીં અને એ પ્રથા શિક્ષણ આપી શકે નહીં. એટલે આજના ભારતીય માનસશાસ્ત્રીઓએ અને શિક્ષણશાસ્ત્રીઓએ એવી પધ્ધતિ વિકસાવાની તાતી જરૂરત છે. નહીંતર આ નવાં સાધનોનાં અવગુણો મનુષ્યને અવળે માર્ગે જ દોરશે, વિચારો!
પોંડેચેરી – ડો.કે.ટી. સોની – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
સીટીલાઇટનાં વાહનચાલકોને રસ્તાના વિકલ્પ આપો
હાલમાં સીટી લાઇટમાં સ્ટેટ બેંકની બાજુની શેરીમાં રસ્તાના અડધા ભાગમાં સિમેન્ટના પાઇપો નાખવાનું કામ ચાલે છે. તેથી આવ-જા માટે રસ્તાનો અડધો ભાગ ઉપલબ્ધ છે. તેના પર બંને તરફથી વાહનો આવતાં હોવાથી ભારે મુશ્કેલી ઊભી થાય છે. આથી SVNIT તરફથી અશોક પાન અને અણુવ્રતદ્વાર તરફ જવા માટે આ રસ્તો એકમાર્ગી કરવાની જરૂર છે. જ્યાં સુધી આ કામ પૂરું ન થાય ત્યાં સુધી અશોક પાન અને અણુવ્રતદ્વારથી આવતાં વાહનો મેઇન રોડથી જઇ શકે છે. આશા છે કે સત્તાધીશ આ સૂચનનો અમલ કરશે.
સુરત – વી.કે. માદલિયા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.