સુરત (Surat) : શહેરમાં છેલ્લા 72 કલાકમાં ચાર હત્યા (Murder) થતા પોલીસ દોડતી થઇ ગઇ છે. તેમાં ઉધનામાં બે યુવાનોએ એક બીજા પર આમને સામને લવ જેહાદના (Love Jihad) કિસ્સામાં હુમલો કર્યો હોવાની વિગત જાણવા મળી છે. આ પ્રકરણમાં લવજેહાદની વાત પ્રસરતા પોલીસની ઉંઘ ઉડી ગઇ છે. તેમાં ઉધના ગામ, મીરાનગર પાસે આવેલા ઝાંસીની રાણી લક્ષ્મીબાઇ ગાર્ડન પાસે લઘુમતી કોમના યુવાન પર ચાકૂ વડે હૂમલો કરવામાં આવ્યો હતો. યુવતીને ઇન્સટાગ્રામ પર કેમ ફોલો કરે છે તે મામલે આમને સામને આવી ગયેલા યુવકોનો મામલો હત્યા સુધી પહોંચી ગયો હતો.
- દીપુ પાટીલ અને ઓમ પાટીલ તથા શાકીબ વચ્ચે યુવતી મામલે થયેલી બબાલમાં શકીલનું મોત થયું
- શહેરમાં હત્યારાઓ છુટા ફરતા થઇ ગયા : સતત ત્રીજા દિવસે ચોથી હત્યાનો ગુનો દાખલ
પ્રાપ્ત વિગતો મુજબ આ કિસ્સામાં દિપુ પાટીલ અને ઓમ પાટીલ તથા શાકીબ શાહરૂખ આમને સામને ભેગા થઇ ગયા હતા. તેમાં ઓમ પાટીલ અને દીપુ પાટીલે શાકીબને કહ્યું હતું કે તું અમારી જાતિની છોકરીને ઇન્સટાગ્રામ પર શા માટે ફોલો કરી રહયો છે. આ સામાન્ય વાતચીત ઉશ્કેરાટમાં ફેલાઇ ગઇ હતી. આમને સામને થયેલી ઝપાઝપીમાં શાકીબને ચાકૂ મારી દેવામાં આવ્યું હતું. આ હુમલામાં શાકીબ શાહરૂખ ખાન , (રહે. માનદરવાજા)ની હત્યા કરી દેવામાં આવી હોવાની વિગત જાણવા મળી છે. જયારે હત્યામાં સંડોવાયેલા દીપુ અને ઓમ પણ ગંભીર રીતે ઘવાયા હોવાની વિગત જાણવા મળી છે. દીપુ નામનો યુવાન પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે જ્યારે શાકીબની છાતીના ભાગે ચાકૂ ભોંકી દેવામાં આવતાં તેનું સ્થળ પરજ મોત થયું હતું.
દીપુ પાટીલ અને ઓમ પાટીલે સ્વબચાવમાં હૂમલો કર્યો હોવાનું નિવેદન આપ્યું
દરમિાયન ઓમ પાટીલ અને દિપુ પાટીલ નામના ઇજાગ્રસ્ત યુવાને પોલીસને જે વિગત જણાવી છે તેમાં શાકીબે હુમલો કરતા તેણે સ્વબચાવમાં સામે હુમલો કર્યો હોવાનું પોલીસ નિવેદન આપતા પોલીસ પણ અવઢવમાં પડી ગઇ છે. ઉધના પોલીસ દ્વારા હાલમાં તપાસ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
શહેરમાં 72 કલાકમાં ચાર હત્યા
દરમિયાન 72 કલાકમાં શહેરમાં સતત ચોથી હત્યા થતાં ખાસ કરીને લિંબાયત, ઉધના, પાંડેસરા વિસ્તારમાં ફફડાટ પ્રસરી ગયો છે. આરોપી ફરાર થઇ જતા પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજની ચકાસણી શરૂ કરવામાં આવી છે. હાલમાં ડિંડોલી પોલીસ મથકમાં સતત બે હત્યા છેલ્લા 72 કલાકમાં નોંધાઇ છે. લિંબાયત પોલીસ મથકમાં પણ એક હત્યાનો ગુનો દાખલ થયો છે. ત્યારે હવે બાકી હતું તેમ ઉધનામાં હત્યા થઇ હોવાની વિગત જાણવા મળી છે. આ હત્યા લવજેહાદ સામે હોવાની વાત પ્રસરતા પોલીસ દોડતી થઇ ગઇ હતી.