નડિયાદ: આણંદ શહેરમાં ફાયર સેફ્ટી વિનાના હાઈરાઈઝ બિલ્ડીંગો અને કોમ્પ્લેક્ષોને સીલ મારવાની કાર્યવાહી પાલિકાતંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે. જેના બીજા દિવસે પાલિકાતંત્રએ શહેરમાં વધુ ત્રણ કોમ્પ્લેક્ષોને સીલ કરી, કાર્યવાહી હાથ ધરી છે. આણંદ-વિદ્યાનગરમાં પાલિકાતંત્રની રહેમનજર હેઠળ અનેક હાઈરાઈઝ બિલ્ડીંગો અને કોમ્પ્લેક્ષો ફાયર સેફ્ટી વિના ધમધમી રહ્યાં છે. આ મામલે જાગૃત નાગરીકોની અનેક રજુઆતો બાદ પણ પાલિકાતંત્રના પેટનું પાણી હાલતું ન હતું. જોકે, અમદાવાદમાં આગના બનાવ બાદ આણંદ નગરપાલિકા તંત્ર ઘોર નિંદ્રામાંથી જાગ્યું હતું અને ફાયર સેફ્ટી વિના ધમધમતા કોમ્પ્લેક્ષો સવા સો જેટલી બિલ્ડીંગોને નોટીસ ફટકારી, તેમની સામે કાર્યવાહી કરવાનું શરૂ કર્યુ હતું.
જે અંતર્ગત પાલિકાના ફાયર વિભાગ દ્વારા શનિવારના રોજ શહેરના ત્રણ કોમ્પ્લેક્ષોને સીલ મારી, કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પાલિકાની આ કામગીરી સતત બીજા દિવસે એટલે કે રવિવારે પણ પુરજોશમાં ચાલી હતી. જેમાં પાલિકાની ટીમે બ્લ્યુ કોડીનાર કોમ્પેલક્ષ, ઓરેન્જ પોલ કોમ્પેલક્ષ અને શિવ શરણમ કોમ્પ્લેક્ષની દુકાનો, ઓફિસો તેમજ લિફ્ટને સીલ મારી, કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત આવનાર દિવસોમાં પણ ફાયરસેફ્ટી વિનાની બિલ્ડીંગો અને કોમ્પ્લેક્ષોને સીલ મારવાની કામગીરી ચાલું રહેશે તેવું પાલિકાના સુત્રો તરફથી જાણવા મળેલ છે. પાલિકાની આ કામગીરીને શહેરના જાગૃત નાગરીકોએ બિરદાવી હતી.
વિદ્યાનગરમાં પણ 6 કોમ્પ્લેક્ષ સીલ કરાયાં
ફાયર સેફ્ટી વિનાના કોમ્પ્લેક્ષોને સીલ મારવાની કાર્યવાહી વિદ્યાનગરમાં પણ શરૂ કરવામાં આવી છે. પાલિકાતંત્રએ રવિવારના રોજ વિદ્યાનગરમાં આવેલ રાધાકિર્તન કોમ્પ્લેક્ષમાં 12 દુકાનો, દર્પણ કોમ્પ્લેક્ષમાં 2 હોટલ અને 1 કેફે, રાધામાધવ કોમ્પ્લેક્ષમાં 5 દુકાનો, શિવશાલિન કોમ્પ્લેક્ષમાં 3 દુકાન, 1 હોટલ અને 1 બેંક, રઘુવીર ચેમ્બરમાં 24 દુકાનો તેમજ રાધાસ્મૃતિ કોમ્પ્લેક્ષમાં 34 દુકાનો, 2 ઓફિસ, 1 હોટલ અને 1 સલુનને સીલ કરી, કાર્યવાહી હાથ ધરી છે.