National

જોશીમઠ મામલે PMOમાં ઉચ્ચસ્તરીય બેઠક બાદ લેવાયા મહત્વપૂર્ણ નિર્ણયો, NDRF અને SDRFની ટીમો પહોંચી

જોશીમઠ (Joshimath) મુદ્દે વડાપ્રધાન કાર્યાલય (PMO) ખાતે યોજાઈ રહેલી ઉચ્ચસ્તરીય બેઠક સમાપ્ત થઈ ગઈ છે. આ બેઠકની અધ્યક્ષતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Modi) મુખ્ય સચિવ પીકે મિશ્રાએ કરી હતી. કેબિનેટ સચિવ, કેન્દ્ર સરકારના વરિષ્ઠ અધિકારીઓ અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (Disaster Management) ઓથોરિટીના સભ્યોએ પણ બેઠકમાં હાજરી આપી હતી. આ ઉપરાંત જોશીમઠ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ પણ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠકમાં જોડાયા હતા.

આ બેઠકમાં જોશીમઠમાં જમીનમાં તિરાડો (Cracks in Ground) અંગે ઊંડી ચર્ચા કરવામાં આવી હતી અને ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો પણ લેવામાં આવ્યા હતા. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા, આઈઆઈટી રૂરકી, વાડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલયન જીઓલોજી, નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હાઈડ્રોલોજી અને સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટને નિષ્ણાતોની ટીમ દ્વારા અભ્યાસ કરવા અને ભલામણો આપવા માટે કહેવામાં આવ્યું હતું. આ સાથે બોર્ડર મેનેજમેન્ટના સચિવ અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના સભ્ય આવતીકાલે ઉત્તરાખંડની મુલાકાત લેશે અને જોશીમઠમાં પરિસ્થિતિનો તાગ મેળવશે. એનડીઆરએફની એક ટીમ અને એસડીઆરએફની ચાર ટીમો જોશીમઠ પહોંચી ગઈ છે.

આ સાથે જ રિપોર્ટના આધારે રાજ્ય સરકારે જોશીમઠ શહેરમાં જાનમાલની સુરક્ષા માટે મોટું પગલું ભર્યું છે. શહેરના લગભગ દોઢ કિલોમીટરના ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારને આપદાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. બીજી તરફ જોશીમઠમાં ભૂસ્ખલનને કારણે સેનાએ ભાડાના મકાનોમાં રહેતા તેના સૈનિકોને તેમના કેમ્પમાં ખસેડવાનું શરૂ કર્યું છે. ભારતીય સેનાની એક બ્રિગેડ અને ઈન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP)ની એક બટાલિયન જોશીમઠ ખાતે તૈનાત છે.

વડા પ્રધાનના મુખ્ય સચિવની અધ્યક્ષતામાં યોજાયેલી સમીક્ષા બેઠક દરમિયાન ઉત્તરાખંડના મુખ્ય સચિવે જોશીમઠથી વડા પ્રધાન કાર્યાલયને માહિતી આપી હતી. પીકે મિશ્રાને જોશીમઠ સમીક્ષા બેઠકમાં જાણકારી આપવામાં આવી હતી કે ભારત સરકારની એજન્સીઓ અને નિષ્ણાતો રાજ્ય સરકારને ટૂંકા, મધ્યમ અને લાંબા ગાળાની યોજનાઓ તૈયાર કરવામાં મદદ કરી રહ્યા છે.

દરમિયાન જોશીમઠની જમીનમાં તિરાડો વધી રહી છે. ઇમરજન્સી મેનેજમેન્ટ વિભાગના સચિવ રણજીત સિંહાની આગેવાની હેઠળની આઠ સભ્યોની નિષ્ણાત પેનલે પરિસ્થિતિનો અભ્યાસ કર્યો છે અને તેનો અહેવાલ કેન્દ્ર અને રાજ્ય સરકારોને મોકલ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ રિપોર્ટમાં જે ઘરોમાં તિરાડ પડી રહી છે તેને તોડવાની ભલામણ કરવામાં આવી છે. જોશીમઠનો 25 ટકા વિસ્તાર આ ભૂસ્ખલનથી પ્રભાવિત હોવાનું કહેવાય છે. ઇમારતો અને અન્ય માળખાને કેટલું નુકસાન થયું છે તે જાણવા માટે પણ સર્વે ચાલી રહ્યો છે.

Most Popular

To Top