સાપુતારા: (Saputara) રાજ્યમાં શિયાળાની (Winter) ઋતુમાં કડકડતી ઠંડીનો (Cold) માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે છેવાડે આવેલા ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં શનિવારે દિવસ દરમ્યાન વાદળછાયું વાતાવરણ છવાઈ રહેતા સમગ્ર પંથકોમાં શીતલહેર વ્યાપી જવા પામી હતી. ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં અચાનક જ વાદળોએ (Clouds) ઘેરાવો ભરતા શિયાળુ પાકો સહીત આંબાનાં આમ્રમંજરીને જંગી નુકસાન થવાની વકી સર્જાઈ હતી.
ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા ખાતે વાદળછાયા વાતાવરણમાં પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. ગિરિમથક સાપુતારાનાં ટેબલપોઈંટ, સનરાઈઝ પોઈંટ, રોપવે રિસોર્ટ, બોટીંગ, રોઝ ગાર્ડન, સ્ટેપ ગાર્ડન સહિત વિવિધ એડવેન્ચર એક્ટિવિટીઓનાં સ્થળોએ આજરોજ વાતાવરણ ખુશનુમામય બનતા ફરવા આવેલા પ્રવાસીઓનો ઉન્માદ બેવડાયો હતો. ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, આહવા, સુબિર સહીત પૂર્વપટ્ટીનાં ગામડાઓમાં વાદળોનાં ઘેરાવા સાથે ઠંડીનું પ્રમાણ વધતા લોકોએ તાપણાનો સહારો લીધો હતો.
ગુજરાતમાં થોડા દિવસ ઠંડીમાં રાહત મળશે
ગાંધીનગર: ઉત્તર ભારતમાં થઈ રેહલી તીવ્ર હિમ વર્ષાના કારણે ગુજરાતમાં પણ તેની અસર વર્તાઈ રહી છે. ખાસ કરીને કચ્છમાં શીત લહેરની અસર જોવા મળી રહી છે. આજે પણ કચ્છના નલિયામાં તીવ્ર ઠંડીની અસરના પગલે 9 ડિગ્રી ઠંડી નોંધાવવા પામી છે. જો કે હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના કહેવા મુજબ રાજયમાં આગામી પાચેત દિવસ દરમ્યાન ઠંડીમાં રાહત રહેશે.
અમદાવાદ એરપોર્ટ કેમ્પસમાં આવેલા કેન્દ્રિય હવામાન વિભાગના સત્તાવાર સૂત્રોએ કહયું હતું કે રાજયના અન્ય શહેરો પૈકી અમદાવાદમાં 16 ડિ.સે., ગાંધીનગરમાં 15 ડિ.સે., ડીસામાં 14 ડિ.સે., વલ્લભ વિદ્યાનગરમાં 14 ડિ.સે., વડોદરામાં 15 ડિ.સે., સુરતમાં 20 ડિ.સે., વલસાડમાં 19 ડિ.સે., ભૂજમાં 12 ડિ.સે., નલિયામાં 9 ડિ.સે., કંડલા એરપોર્ટ પર 14 ડિગ્રી , અમરેલીમાં 16 ડિ.સે., ભાવનગરમાં 17 ડિ.સે.,રાજકોટમાં 18 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 16 ડિ.સે. લઘુત્તમ તાપમાન નોંધાયુ હતું.