SURAT

‘ઇન્ટરનેટ’નું આ કેવું વળગણ, હોય જાણે કોઈ નવું સગપણ

આજે તો મોટાભાગના લોકો પાસે સ્માર્ટ ફોન છે એટલે સ્માર્ટફોન અને ઇન્ટરનેટ જાણે એકબીજાના પૂરક બની ગયા છે. ફોનમાં એટલી બધી લોભામણી એપ્સ પણ હોય છે કે, પણ આજે તો લોકોમાં ઇન્ટરનેટની માયાજાળ એટલી હદે ફેલાઈ ચૂકી છે કે જાણે લોકો એના વ્યસની જ બની ગયા હોય એમ લાગી રહયું છે. કેટલાક લોકો તો ફક્ત 2-3 દિવસમાં જ ઈન્ટરનેટનો એક મહિનાનો રિચાર્જ ડેટા પૂરો કરી દેતા હોય છે, તો કેટલાક લોકોના તો જરૂરી કામો બાજુ પર રહી જાય અને ડેટા અન્ય વપરાશમાં જ પૂરો થઈ જાય એવું પણ બનતું હોય છે આમાં મહિલાઓ પણ બાકાત નથી તેઓ માટે પણ ઇન્ટરનેટ એક વળગણ બની ગયું છે અને જો કોઈ સંજોગોમાં ઇન્ટરનેટ ન મળે તો તેનું કોઈ કામમાં મન લાગતું નથી, ને ઘણીવાર જરૂરી કામના સમયે જ ડેટા પૂરો થઈ જવાથી મુશ્કેલીમાં પણ મૂકાતા હોય છે. તો આવો મળીએ આપણે આવા જ કેટલાક ઇન્ટરનેટ રસિયાઓને જેઓને દુનિયા ઇન્ટરનેટ વગર સૂની પડી જતી હોય એમ લાગે છે.

રોજનું 1 GB ઇન્ટરનેટ તો યુઝ થઈ જ જાય: તુષાર રાઠોડ
શહેરના અડાજણ વિસ્તારમાં રહેતા તુષાર રાઠોડ જણાવે છે કે, ‘મારા ફોનમાં તો ઇન્ટરનેટ પૂરું થઈ જાય તો મારૂ તો મગજ જ કામ કરતું અટકી જાય. હું બિઝનેસ કરું છુ એટલે ક્યારેક કામમાં હોઉ ત્યારે 2 કલાક સુધી પણ જો ફોન હાથમાં ન આવે તો અકળાઇ જવાય છે. હું મારા મોટાભાગનું ઇન્ટરનેટ રીલ્સ જોવામાં યુઝ કરું છુ. ને આ સિવાય મારો દીકરો પણ યુ ટ્યુબ પર વિડીયો જોતો હોય છે એટલે રોજનું 1 GB ઇન્ટરનેટ તો યુઝ થઈ જ જાય છે. એકવાર એવું થયું કે મારો દીકરો વિડીયો જોતો હતો અને મારા બિઝનેસને રિલેટેડ જરૂરી કોલ આવ્યો હતો અને મારા દીકરાએ ગેમના ચક્કરમાં કાપી નાખ્યો, જેના કારણે મને મોટું નુકશાન થયું હતું.’

સોંગ સાંભળવામાં જ મોટાભાગનો ડેટા પૂરો થઈ જાય છે: હેમાંગી શર્મા
હેમાંગી શર્મા નવી નવી રેસીપી જોવા કે કઈક નવું શીખવા માટે ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે. હેમાંગી એક હાઉસ વાઈફ છે તેઓ કહે છે કે, હું બાળકોની સ્કૂલ એક્ટિવિટી ઉપરાંત યુટ્યુબ પર બાળકો માટે નવી નવી રેસીપી બનાવવાનું શિખતી હોઉ છુ. આ સાથે જ મને મ્યુઝિકનો શોખ હોવાથી હું સતત સોંગ સાંભળતી હોઉ છુ એટલે મારો 1 GB થી વધુ ઇન્ટરનેટ ડેટા એમાં જ પૂરો થઈ જતો હોય છે. આમ તો હું મારૂ જરૂરી કામ ડેટા પૂરો થવા પહેલાં જ કરી લેતી હોઉ છુ પરંતુ ઘણીવાર એવું થાય છે કે, મારો ડેટા પૂરો થઈ ગયો હોય અને સ્કૂલમાથી કોઈ અગત્યનો મેસેજ આવે અને મને જાણ ન થાય એવું બનતું હોય છે, આવામાં એકવાર એવું બન્યું કે એક પેરેન્ટ્સનો સ્કૂલ મિટિંગમાં જવા અંગેનો કોલ આવ્યો અને મને મેસેજ મળ્યો ન હોવાથી હું સીધી સ્કૂલે પહોંચી ગઈ અને ત્યાં જઈને ખબર પડી કે, મિટિંગ તો બીજા દિવસે હતી.’

ફ્રેન્ડ જોડે વાત કરતા કરતા ખિચડી બળી ગઈ : ડેનિસ પટેલ
સુરતમાં રહીને જોબ સાથે જ અભ્યાસ કરતાં ડેનિસ પટેલ કહે છે કે ‘હું અહી PG માં રહું છુ અને અહી મારા ખાસ મિત્રો પણ નથી એટલે એકલો હોઉ ત્યારે મારો મોટાભાગનો સમય મૂવી જોવામાં કે મિત્રો સાથે ચેટિંગ કરવામાં પસાર કરું છુ એટલે રોજ અઢીથી ત્રણ GB ડેટા તો જોઈએ જ. હું એકલો રહું છુ એટ્લે ક્યારેક જમવાનું પણ જાતે જ બનાવું છુ. એકવાર હું મારા એક મિત્ર સાથે વિડીયો ચેટ કરી રહ્યો હતો અને ગેસ પર ખિચડી બનાવવા માટે મૂકી હતી, વાતમાં એટલો બધો ખોવાઈ ગયો કે ખિચડી બળી ગઈ એનું પણ ધ્યાન નહીં રહ્યું અને પછી મારે સ્વિગીનો સહારો લેવો પડ્યો હતો.’

પેરેન્ટ્સનો ગુસ્સો સહન કરવો પડે છે: ધ્રુવમ જોશી
ઘણા લોકો તો પોતાના સોશ્યલ મીડિયા પરના સ્ટેટસ પર અને અન્ય લોકોના લાઈક્સની સંખ્યા ચકાસવામાં તો વ્યસ્ત રહે જ છે, સાથે જ ગેમ્સ રમવામાથી પણ ઊંચા નથી આવતા અને પછી પેરેન્ટ્સનો ગુસ્સો સહન કરતાં હોય છે. ધ્રુવમ જોશી સાથે પણ હંમેશા આવું જ થાય છે. ધ્રુવમ કહે છે કે, મારા ઘણા બધા કોલેજ ફ્રેંડ્સ છે અને બધા સોશ્યલ મીડિયા પર એક્ટિવ રહે છે અને કોની પોસ્ટ માટે કેટલા લાઈક્સ મળ્યા એ અંગે ચડસા ચડસી પણ થતી રહે છે આ ઉપરાંત મને ગેમ્સ રમવાનો પણ શોખ હોવાથી મારો પોકેટમની તો ઇન્ટરનેટ પાછળ જ ખર્ચાઈ જતી હોવાથી જ્યારે કોઈ કામ માટે ઘરેથી પૈસા માંગુ તો મમ્મી પપ્પાનો ગુસ્સો સહન કરવો જ પડે છે એટલે એકવાર હું એક રેસ્ટોરન્ટમાં ગયો હતો જ્યાં વાઈફાઈની સુવિધા હોવાથી એક કોફી લઈને એક કલાક સુધી ત્યાં જ બેસી રહ્યો હતો. મારા પેરેન્ટ્સે આ વાત જાણી ત્યારે તેઓ પણ હસી પડ્યા હતા.’

Most Popular

To Top