સુરતઃ શહેરના એન્ટ્રી પોઈન્ટ ઉપર નિયોલ ચેકપોસ્ટ ઉપરથી સારોલી પોલીસે ઇંદોરથી મુસાફર બનીને આવેલા યુવકની ટ્રાવેલીંગ બેગમાંથી સુરત આપવા માટે લાવેલા 475 ગ્રામ ચરસ સાથે 79250 ના મુદ્દામાલ કબજે લીધો હતો.
- સારોલી પોલીસે શહેરમાં ઘુસે તે પહેલા જ રૂ. 79250 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો
- મધ્યપ્રદેશથી ચરસ આપનાર જાવેદ ઉર્ફે બબલુ તથા સુરતમાં મંગાવનાર યાસીન વોન્ટેડ
શહેરમાં પોલીસ કમિશનર દ્વારા ‘નો ડ્રગ્સ ઇન સિટી’ અભિયાનની ઝુંબેશ વધારે તેજ બની છે. આ અભિયાન સફળ બનાવવા અન્ય રાજ્યોમાંથી ચોરીછુપીથી નાર્કોટીક્સ ડ્રગ્સ લાવી સુરત શહેરમાં ઘુસાડનારાઓ પર પોલીસની ચાંપતી નજર છે. ત્યારે સારોલી પોલીસ સ્ટેશનના પો.કો વિલેશ જશવંતભાઇને એક વ્યક્તિ મધ્યપ્રદેશ ઇંદોરથી ડ્રગ્સની ડિલિવરી કરવા આવતો હોવાની બાતમી મળી હતી.
બાતમીના આધારે નિયોલ ચેકપોસ્ટ પાસેથી ફૈઝલ ઉર્ફે સી.એન.જી. મો.સફી ખાન (ઉં.વ.29 રહે. 104 શિંદે કોમ્પ્લેક્ષ મોતી તબેલા ચોરાહા 1/1 કલેક્ટર ઓફીસની બાજુમાં ઇંદોર, મધ્યપ્રદેશ) ને ઝડપી પાડ્યો હતો. તેની અંગઝડતીમાં 475 ગ્રામ પ્રતિબંધિત ચરસ મળી કુલ્લે રૂ. 79250 નો મુદ્દામાલ કબજે લેવાયો હતો. પોલીસે આ જથ્થો આપનાર જાવેદ ઉર્ફે બબલુ (રહે. મોતી તબેલા ઇંદોર, મધ્યપ્રદેશ) ને તથા સુરતમાં ચરસ મંગાવનાર આરોપી યાસીનભાઇ (રહે. સુરત) ને વોન્ટેડ જાહેર કર્યા હતા. પકડાયેલા આરોપી પાસેથી ટ્રાવેલીંગ બેગમાં લાવી રહેલો ચરસ તથા મોબાઈલ કબજે કરાયા હતા.
21 ડિસેમ્બરે 2022ના રોજ મુંબઈથી ડ્રગ્સ લાવતા બે પકડાયા હતા
આ અગાઉ ગયા વર્ષે 21 ડિસેમ્બર 2022ના રોજ મુંબઈથી ડ્રગ્સ લઈને આવતા બે ઈસમોને સુરત ક્રાઈમ બ્રાન્ચે પકડ્યા હતા. ક્રાઈમ બ્રાંચે સીમાડા પોલીસ ચેકપોસ્ટ પાસેથી એમડી ડ્રગ્સનો જથ્થો લઈ આવી રહેલા બે જણાને ઝડપી પાડ્યા હતા. ક્રાઈમ બ્રાંચની ટીમને બાતમી મળી હતી કે, સીમાડા ચેકપોસ્ટ ઉપર મરૂન કલરની ફિયાટ ફોરવ્હીલ ગાડી નં.(GJ-05-CR-8190)માં એમડી ડ્રગ્સનો જથ્થો મુંબઈથી સુરતમાં લવાઈ રહ્યો છે. ક્રાઈમ બ્રાંચે વોચ ગોઠવીને આ કાર આવતાની સાથે તેમની ઝડપી પાડ્યા હતા. કારમાંથી શૈલેષભાઇ નાથુભાઇ પટેલ (ઉં.વ.૪૬) (રહે.,સૌરાષ્ટ્રનગર સોસાયટી, નાના વરાછા તથા મૂળ આમલી ફળિયું, તા.અંકલેશ્વર, જિ.ભરૂચ) અને ડ્રાઇવર સીટની બાજુની સીટ ઉપર બેસેલા કમલેશ બાવનજી ચોવટિયા (ઉં.વ.૫૧) (રહે.,ફ્લેટ નં.૧૦૦૪, દસમાં માળે, લજામણી ચોક પાસે, મોટા વરાછા તથા મૂળ-જૂનાગઢ)ને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી ૧૯.૪૫ ગ્રામનું કિંમત રૂ.૧,૯૪,૫૦૦નું એમડી ડ્રગ્સ તથા રોકડા રૂ.1.01 લાખ અને મોબાઈલ ફોન, કાર મળી કુલ ૪,૩૦,૭૩૦ની મત્તાનો મુદ્દામાલ કબજે લીધો હતો.