વલસાડ: (Valsad) વાપીમાંથી પસાર થતી દમણગંગા નદીની (River) નહેરમાંથી ગતરોજ વાપી ડુંગરા પોલીસને (Police) એક માથા વિનાની લાશ (Dead Body) મળી આવી હતી. જેના પગલે અરેરાટી ફેલાઇ ગઇ હતી. કોઇ કિશોર વયના બાળકની હત્યા (Murder) કરી લાશ ફેંકી દેવાઇ હોવાનું હાલ લાગી રહ્યું છે.
- વાપીમાં દમણગંગાની નહેરમાંથી કિશોરની માથા વિનાની લાશ મળતા ચકચાર
- કિશોર વયના બાળકની હત્યા કરી લાશ ફેંકી દેવાઇ હોવાનું અનુમાન
- માહિતી માંગતા ડુંગરા અને સેલવાસ પોલીસે કંઈપણ બોલવાનો ઈન્કાર કર્યો
વાપીના કરવડ ગામમાંથી પસાર થતી દમણગંગા નદીની નહેરમાં ગતરોજ એક માથુ કાપી નંખાયું હોય એવી લાશ તરતી જણાઇ હતી. જેના પગલે સ્થાનિકોએ વાપી ડુંગરા પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે જઇ લાશને બહાર કાઢી હતી. જે કિશોર વયના બાળકની હોવાનું જાણવા મળ્યું હતુ. આ લાશ કોની છે તેની જાણકારી મળી શકી ન હતી, પરંતુ મરનારની હત્યા થઇ હોવાનું પ્રાથમિક દ્રષ્ટીએ દેખાઇ આવ્યું હતુ. જે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. આ બનાવ અંગે સોમવારે ડુંગરા પોલીસ અને સેલવાસ પોલીસ પાસે માહિતી માંગતા બંને પોલીસે કંઈપણ બોલવાનો ઈન્કાર કરી વધુ તપાસ પોલીસ કરી રહી હોવાનું જણાવ્યું હતું.
દાંડી રોડ પર પોલીસ વાહન ઝાડ સાથે અથડાતા 3 પોલીસ કર્મીઓને ઈજા
નવસારી : દાંડી રોડ પર પોલીસ વાહન ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેના પગલે વાહનમાં સવાર 3 જેટલા પોલીસ કર્મીઓને ઈજા પહોંચી હતી.જલાલપોર તાલુકાના દાંડી રોડ પર પોલીસ પરેડ ગ્રાઉન્ડ આવ્યું છે. જ્યાંથી પોલીસ વાહન પોલીસ કર્મીઓને લઈને નીકળી હતી. દરમિયાન પરેડ ગ્રાઉન્ડ નજીક પોલીસ વાહનના ચાલકે વાહનના સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા વાહન રોડની સાઇડમાં આવેલા ઝાડ સાથે અથડાયું હતું. જે અકસ્માતને પગલે વાહનમાં સવાર 3 જેટલા પોલીસ કર્મીઓને ઈજા પહોંચી હતી. જેથી ઈજાગ્રસ્ત પોલીસ કર્મીઓને સારવાર અર્થે દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જોકે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઇ ન હતી.
વેડછા ગામે પુત્ર-પુત્રીએ જમવાનું અલગ બનાવી જમી લેતાં માઠું લાગતા માતાનો આપઘાત
નવસારી : વેડછા ગામે પુત્ર-પુત્રીએ જમવાનું અલગ બનાવી જમી લેતા માતાને માઠું લાગતા આપઘાત કર્યાનો બનાવ વિજલપોર પોલીસ મથકે નોંધાયો છે. મળતી માહિતી મુજબ, જલાલપોર તાલુકાના વેડછા ગામે અગાસીમાતા ફળીયામાં મીનાબેન રાજુભાઈ હળપતિ (ઉ.વ.આ. 47) તેમના પરિવાર સાથે રહેતા હતા. ગત 1લીએ મીનાબેનની દીકરી ઉર્વશી અને દીકરા ધર્મેશે અલગ જમવાનું બનાવી જમી લીધું હતું. જે બાબતે મીનાબેનને માઠું લાગી આવ્યું હતું. જેના કારણે મીનાબેને પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે પુત્ર ધર્મેશે વિજલપોર પોલીસ મથકે જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશનો કબ્જો લઈ પી.એમ. અર્થેની તજવીજ હાથ ધરી છે. જ્યારે પોલીસે ધર્મેશની ફરિયાદને આધારે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ પી.એસ.આઈ. એન.એ. પટેલે હાથ ધરી છે.