દમણ: (Daman) દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) દ્વારા સંઘ પ્રદેશ દમણમાં વિકાસ અને પર્યટન ક્ષેત્રનો (Tourist Area) બહોળો વ્યાપ વધારવાના આશય સાથે કરોડો રૂપિયાના ખર્ચે વિવિધ વિકાસીય કાર્યોનું ઉદઘાટન અગાઉ કર્યું હતું. જે અંતર્ગત પર્યટકો વધુને વધુ પ્રમાણમાં પ્રદેશમાં આવે અને હરવા ફરવા લાયક સ્થળોની મુલાકાત લઈ આનંદ ઉઠાવે એવા આશય સાથે મોટી દમણ લાઈટ હાઉસથી જામપોર બીચ સુધી કરોડો રૂપિયાના ખર્ચે સુંદર રામસેતુ (Ramsetu) રસ્તાનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું હતું. જેનો લાભ મોટી સંખ્યામાં પર્યટકો ઉઠાવી રહ્યા છે. ત્યારબાદ પર્યટન ક્ષેત્રે વધુ એક સોપાન સર થવા જઈ રહ્યું છે. અહીં દેશના સૌથી મોટા પક્ષીઘરને ખુલ્લું મુકાશે. દક્ષિણ ગુજરાત અને સુરતના પર્યટકો માટે આ નવું આકર્ષણ હશે.
સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીનો માર્ગ પહોળો થશે
સાપુતારા : દક્ષિણ ગુજરાતનાં તાપી જિલ્લાનાં ગુણસદા કાર્યક્રમ દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા અને ડાંગ, તાપી તથા નર્મદા જિલ્લામાંથી પસાર થતા કોરિડોરની રૂ.1669.80 કરોડની કામગીરીનો શુભારંભ સાથે આ કોરિડોર પૈકીનાં ફેઝ-1 હેઠળનાં કુલ 92.50 કિલોમીટર લંબાઈનાં રૂ.219.17 કરોડનાં 6 માર્ગોને 10 મીટરનો પહોળો કરવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરાયુ છે. સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીનો માર્ગ 237 કિલોમીટરનો છે. જેમાંથી પ્રથમ તબક્કામાં 92 કિલોમીટરની લંબાઈ પર કામગીરી કરવામાં આવશે. આ રોડ યોગ્ય રીતે વિકસીત થઈ જાય ત્યારબાદ પ્રવાસીઓ સાપુતારા, શબરીધામ, ઉકાઈ ડેમ, દેવમોગરા, ઝરવાણી ધોધ જેવા પ્રવાસન સ્થળોને માણી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોચી શકશે.
નવસારીમાં પૂર્ણા નદી પર અને વાઘરેચમાં કાવેરી નદી પર ડેમ બનશે
નવસારીમાં પીવાના પાણીની સમસ્યા રહે છે. જો કે ચૂંટણી વખતે ભારતીય જનતા પાર્ટીએ પૂર્ણા નદી પર ડેમ મંજુર થઇ ગયાની જાહેરાત કરી છે, ત્યારે નવા વર્ષે પૂર્ણા નદી પર ડેમ બાંધવાનું કામ શરૂ થાય એવી આશા સેવાઇ રહી છે. આ અંગે બીજી કોઇ વિગતો જાહેર થઇ નથી, પરંતુ ડેમ બનશે એવી આશા ફળે તો નવસારીની પ્રજાને પીવાનું મીઠું પાણી નહીં મળતી હોવાની વર્ષો જુની સમસ્યામાંથી છુટકારો મળશે. એ જ રીતે બીલીમોરા નજીક વાઘરેચમાં કાવેરી, અંબિકા અને ખરેરા નદીનો સંગમ છે. આ ત્રણે નદી ચોમાસામાં વાઘરેચમાં મોટા પાયે ધોવાણ કરે છે, એ ધોવાણથી ગામને થતું નુકશાન અટકાવવા માટે માજી સરપંચ મનહર ટંડેલે નદી પર ડેમ બનાવી નદીઓના પાણીથી થતા નુકશાનને અટકાવવા માટેની યોજના માટે મહેનત કરી હતી. એ ડેમનું કામ શરૂ થઇ ગયું છે, ત્યારે આ વર્ષે એ ડેમ તૈયાર થઇ જવાની આશા રહે છે.
વલસાડની શાન ગણાતી વર્ષો જૂની ગાંધી લાઇબ્રેરીનું નવું મકાન 2023માં મળશે
વલસાડની શાન ગણાતી વર્ષો જૂની ગાંધી લાઇબ્રેરીનું જૂનું મકાન તોડીને બનાવાઈ રહેલું મકાન તૈયાર થઈ ગયું છે. રૂ. 1.75 કરોડના ખર્ચે તૈયાર થનાર અત્યાધુનિક ડિજિટલ તેમજ પરંપરાગત લાઇબ્રેરી વલસાડના નાગરિકોને આ વર્ષ 2023માં મળશે. આ લાઇબ્રેરીના નવીનીકરણની શરૂઆત પાલિકાના માજી પ્રમુખ સોનલબેન સોલંકીએ 2018માં કરી હતી. એ સમયે તેમણે સ્વર્ણિમ જયંતી નિમિત્તે મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ગ્રાન્ટ માટે દરખાસ્ત કરી આ ગ્રાન્ટ મેળવી હતી.
કડોદરામાં સવા બે કરોડના ખર્ચે સીસીટીવી કેમેરા લાગશે
પલસાણા: કડોદરામાં સવા બે કરોડના ખર્ચે નગરમાં સીસીટીવી પ્રોજેક્ટ આવનારા વર્ષમાં સાકાર કરવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા કડોદરા નગર પાલિકાને વહીવટી મંજૂરી સાથે ટેન્ડર પ્રક્રિયા પણ પૂરી કરવામાં આવી છે. જેનાથી કડોદરા નગરમાં થતી ગુનાખોરીને અંકુશ કરવામાં પણ પોલીસ પ્રશાસનને સફળતા મળશે. સાથે સાથે કડોદરા પોલીસ અને નગર પાલિકા બેઠાબેઠા નગર ઉપર વોચ રાખી શકશે.
કડોદરા-બારડોલી રોડ ઉપર અંડર બાયપાસ ઓવરબ્રિજનું કામ હવે પૂર્ણતાના આરે
110 કરોડના ખર્ચે કડોદરા-બારડોલી રોડ ઉપર છેલ્લાં ત્રણ વર્ષથી ચાલતા અંડર બાયપાસ ઓવરબ્રિજનું કામ હવે પૂર્ણતાના આરે હોવાથી આગામી 2023માં આ બ્રિજ પણ લોકો માટે ખુલ્લો મુકાશે. જેના કારણે સુરતથી બારડોલી તરફનો ટ્રાફિક સીધો ડાયવર્ડ થવાથી કડોદરા ચોકડી ઉપર જે ટ્રાફિકની સમસ્યા હતી તે નહીંવત થઈ જશે. તેમજ અંડર બાયપાસ ઓવરબ્રિજના બહાર બ્યુટિફિકેશનનું કામ પણ કરવામાં આવશે. જેથી નગરજનો માટે મોર્નિંગ વોક સાથે સાંજે હરવા-ફરવાની પણ લોકોને મજા આવશે.