Charchapatra

રેલ્વે પ્રધાન ઉવાચ

હમણાં વર્તમાનપત્રોમાં સમાચાર પ્રકાશિત થયા છે કે રેલ્વે પ્રધાને એવી જાહેરાત કરી છે કે રેલ્વે ખોટ કરતી હોવાને કારણે સિનિયર સિટીઝનોને ભાડામાં રાહત ચાલુ કરી શકાય એમ નથી. અરે ભાઈ, રેલ્વેમાં ટી સી ઓ દ્વારા થતો ભ્રષ્ટાચાર બંધ કરાવશો તો પણ સિનિયર સિટીઝનોને ભાડામાં રાહત આપી શકાશે. પણ તેનાથી વધુ મહત્ત્વની વાત એ છે કે રેલ્વે ખોટ કરતી હોવાને કારણે સિનિયર સિટીઝનોને ભાડામાં રાહત આપી શકાતી નથી તો સાંસદો, ધારાસભ્યો, રાજ્યસભાના સભ્યોને જે તોતિંગ પગાર ભથ્થાં અને પાંચ વર્ષની ટર્મ પૂરી કરે તો તગડું પેન્શન આપવામાં આવે છે એટલું જ નહીં, જો કોઈ એક વ્યક્તિ ઉપરની ત્રણેય જગ્યાએ પાંચ વર્ષની ટર્મ પૂરી કરે તો ત્રણેય જગ્યાએથી પેન્શન મેળવે છે અને તેને લગતા અબજો રૂપિયાનું ભારણ સરકારી તિજોરી ઉપર પડે છે તેને બંધ કરવું જરૂરી છે એવું નથી લાગતું ? જો એવું થાય તો સિનિયર સિટીઝનોને ફકત રેલ્વે ભાડામાં જ નહીં, ઇન્કમટેક્સ ભરવામાંથી પણ આસાનીથી મુક્તિ આપી શકાય અને અન્ય સવલતો પણ આપી શકાય અને સરકારની તિજોરીમાં સારી જેવી રકમ પ્રજાના કલ્યાણ માટે વાપરવા જમા રહે. આ દેશમાં અન્ય દેશોની સરખામણીમાં સિનિયર સિટીઝનોને હળાહળ અન્યાય જ થાય છે. ધ્યાનમાં રહે કે સાંસદો, ધારાસભ્યો અને રાજ્યસભાના સભ્યો સેવક છે, નોકર નથી અને છતાં નોકરી કરતા હોય તેવી રીતે વર્તે છે, જે સરાસર ખોટું છે. મેરા ભારત મહાન.
સુરત     – સુરેન્દ્ર દલાલ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

સાચો દેશપ્રેમ કોને કહેવો?
“વિનાશકાળે વિપરીત બુદ્ધિ” આ કહેવત આજની સરકારને યથાર્થ છે.દેશમાં ૩૦ વર્ષ પછી ૨૦૧૪ મા કેન્દ્રમાં સંપૂર્ણ બહુમતીથી સરકાર રચાઈ જે સાચે જ દેશ માટે એક સારી બાબત ગણાવી શકાય. પરંતુ ત્યાર પછી સરકાર દ્વારા જે કોઈ નિર્ણય લેવામાં આવ્યા તેમાંથી થોડાં ને બાદ કરતાં બાકી બધા જ નિર્ણય પ્રજા માટે હાલાકી ઉત્પન્ન કરનાર સાબિત થયા છે.જેમ જેમ આ સરકારના શાસનનો સમય વધી રહ્યો છે તેમ તેમ તેમનું બોલેલું તેમના જ પગમાં આવી રહ્યું છે. હાથના કરેલા હૈયે વાગી રહ્યા છે. પ્રજાના જીવન પર સીધા અસર કરતા તમામ મુદ્દાઓ જેવા કે, ભ્રષ્ટાચાર,બેરોજગારી, મોંઘવારી,રૂપિયાનું તૂટવું આ બધી જ બાબતોમાં આ સરકારે રેકોર્ડ બનાવ્યા છે. આટલા મોટા પક્ષની સરકારમાં એક પણ નેતામાં હિંમત નથી કે તે પ્રજા હિતની વાત કરી શકે. બધા અંધભકિતમાં મસ્ત છે.સરકાર પોતાની નિષ્ફળતાને છુપાવવા માટે દરેક બાબતને ધર્મ સાથે જોડી દેશમાં નફરતનો માહોલ બનાવી રહી છે. આજે કેટલાય મહાપાપી લોકો, પાખંડી લોકો ધર્મના ઠેકેદાર બની ફરી રહ્યા છે.શું આ જ છે સાચો દેશપ્રેમ?
સુરત     – કિશોર પટેલ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top