ગાંધીનગર: 100 વર્ષીય હીરાબા (Hira Baa) મોદીનું આજે અમદાવાદમાં (Ahmedabad) યુ.એન.મહેતા હાર્ટ ઈન્સ્ટી.માં સારવાર દરમ્યાન નિધન થયું હતું. તેમને બે દિવસ અગાઉ વહેલી સવારે સારવાર માટે યુ.એન.મહેતા ઈન્સ્ટી. ખાતે લઈ જવાયા હતા. પીએમ નરેન્દ્ર મોદી (PM Modi) આ સમાચાર જાણીને બપોરે અમદાવાદ દોડી આવ્યાં હતાં. આ ઈન્સ્ટી.ખાતે દોઢ કલાક માટે રોકાયા બાદ પીએમ મોદી પરત ગયાં હતાં. ગઈકાલે તો તેમની તબિયત સુધારા પર હોવાનું યુ.એન.મહેતા ઈન્સ્ટી. દ્વ્રારા એક મેડિકલ બૂલેટિન પણ બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં હીરાબાની તબિયતમાં સુધારો થઈ રહ્યો હોવાનું જણાવ્યું હતું. દિવંગત હીરાબાએ તેમના એક ઈન્ટરવ્યૂમાં ભવિષ્યવાણી કરી હતી કે, મારો પુત્ર નરેન્દ્ર મોદી એક દિવસ દેશનો પીએમ બનશે.
મુખ્યમંત્રી નહીં બને પરંતુ એક દિવસ આ દેશના વડાપ્રધાન પણ બનશે
લગભગ 20 વર્ષ પહેલાં (ડિસેમ્બર 2002), જ્યારે કોઈએ તેના વિશે વિચાર્યું પણ નહીં હોય, ત્યારે PM મોદીના માતા હીરાબાએ ભવિષ્યવાણી કરી હતી કે, તેમનો પુત્ર દેશનો ‘વડાપ્રધાન’ બનશે. તે વખતે તો નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન પણ બન્યા નહોતા. મોદીના માતા હીરાબાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, તેમનો પુત્ર માત્ર વિધાનસભાની ચૂંટણી જીતીને ગુજરાતનો મુખ્યમંત્રી નહીં બને પરંતુ એક દિવસ આ દેશના વડાપ્રધાન પણ બનશે. તેમની આગાહી પછીથી સાચી પડી, ગઈ તા. 26 મે 2014ના રોજ નરેન્દ્ર મોદીએ ભારતના વડાપ્રધાન તરીકે શપથ લીધાં હતાં. જો કે, પીએમ નરેન્દ્ર મોદી પોતાની માતાના સંઘર્ષનો ઉલ્લેખ કરવાનું ક્યારેય ભૂલતા નહોતા. સપ્ટે.2015માં માર્ક ઝુકર બર્ગ સાથેની મુલાકાત દરમ્યાન તેમણે હીરાબાના જીવનના સંઘર્ષના દિવસ યાદ કરીને સ્ટેજ પર રડી પડ્યા હતા.
હીરાબાના દુ:ખદ અવસાન પર મહંતસ્વામી મહારાજે શોક સંદેશ પાઠવ્યો
અમદાવાદ: હીરાબાના દુ:ખદ અવસાન પર મહંતસ્વામી મહારાજે શોક સંદેશ પાઠવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રના માતુશ્રી હીરાબા, જેમણે ૧૦૦ વર્ષનું આયુષ્ય ભોગવ્યું, તેમને ખાસ એટલા માટે યાદ કરીએ છીએ કે તેમણે આ દેશને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રૂપમાં એક નેતા અર્પણ કર્યા છે. નરેન્દ્રભાઈ દ્વારા ગુજરાત અને ભારતનો વિકાસ ખૂબ સારી રીતે અને ઝડપથી થઈ રહ્યો છે, એવા મહાન નેતાના માતૃશ્રી હીરાબાના અક્ષરનિવાસથી સૌને ખૂબ દુખ થયું છે. ભગવાન શ્રી સ્વામિનારાયણ, પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન એમના આત્માને પોતાના ધામમાં વિરાજમાન કરે અને અખંડ સુખ આપે, તેમજ પરિવારને સાંત્વના આપે.