દુનિયામાં ગ્લોબલ વોર્મિંગને કારણે ક્લાઈમેટ ચેન્જની ધીરેધીરે ગંભીર અસરો થઈ રહી છે. અગાઉ ગરમીએ વિદેશોમાં કેર વર્તાવ્યો હતો અને હવે ઠંડી મારી રહી છે. અમેરિકા અને કેનેડામાં બોમ્બ સાઈક્લોને આ દેશોની હાલત ખરાબ કરી નાખી છે. 100 કિ.મી.ની ઝડપે બરફના પવનો ફૂંકાતા આ બંને દેશોમાં અનેક લોકો કારમાં જ થીજી જઈને મોતને ભેટી ગયા છે. અમેરિકાના અનેક પ્રાંતમાં ઘરો અને રસ્તાઓ પર આઠ ફુટ સુધીનો બરફ જામી ગયો હોવાથી સરકારે લોકોને ઘરની બહાર નહી નીકળવા માટે તાકીદ કરવી પડી છે. બરફના આ તોફાનને કારણે લાખો ઘરોમાં વીજળી નથી અને તેને કારણે ઠંડીની સ્થિતિ ઓર ગંભીર થઈ ગઈ છે. લોકો પાસે વીજળી અને પાણી નહીં હોવાને કારણે અમેરિકામાં અનેક વિસ્તારોમાં લૂંટફાટ પણ કરવામાં આવી રહી છે. અમેરિકાના 50 રાજ્યમાંથી 48 રાજ્યોમાં આ બરફનું તોફાન છવાઈ ગયું છે. બરફના તોફાનને કારણે અમેરિકા અને કેનેડામાં હજારો ફ્લાઈટ કેન્સલ કરવી પડી રહી છે. બરફના તોફાનને કારણે અમેરિકાના બફેલો પ્રાંતમાં લૂંટફાટને રોકવા માટે પોલીસને તૈનાત કરવી પડી છે.
આ તોફાનોમાં પણ જરૂરીયાતમંદની સાથે સાથે અનેક ગુનેગારો દ્વારા પણ લૂંટફાટ કરવામાં આવી રહી છે. બરફના તોફાનને કારણે અમેરિકા અને કેનેડાની સરહદ પર આવેલા નાયગ્રા ધોધ થીજી જવા પામ્યો છે. સને 1912માં નાયગ્રા ધોધ થીજી ગયો હતો ત્યારે અમેરિકન તેમજ કેનેડિયન દ્વારા નાયગ્રા ધોધને બરફના પુલથી પસાર કરતા હતા. જોકે, એક વખત બરફનો પુલ તૂટી જવાથી 3 યાત્રીઓના મોત થઈ ગયા બાદ આ બરફના પુલ પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો હતો. બરફના તોફાનોને કારણે અમેરિકામાં 50થી વધુના અત્યાર સુધીમાં મોત થઈ ચૂક્યા છે અને મોતને આંકડો વધશે તેવું મનાઈ રહ્યું છે. છેલ્લા 50 વર્ષમાં પ્રથમ વખત અમેરિકામાં આવું ભયંકર તોફાન આવ્યું છે. આ સ્થિતિને કારણે અમેરિકામાં ઈમરજન્સી પણ જાહેર કરવામાં આવી છે. અમેરિકાના અનેક પ્રાંતોમાં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે.
સમગ્ર અમેરિકામાં જ્યાં પણ બરફના થર થઈ ગયા છે ત્યાં ત્યાં કારને ચેક કરવામાં આવી રહી છે. આ ચેકિંગને કારણે પણ કારમાંથી અનેક મૃતદેહો મળી રહ્યા છે. આ હિમવર્ષાને કારણે અમેરિકામાં તાપમાન માઈનસ 45થી 50 સુધી પહોંચી ગયું છે અને દેશભરમાં આશરે 25 કરોડથી પણ વધુ લોકો અસરગ્રસ્ત થયા છે. અમેરિકાના બરફના તોફાનોની અસર છેક મેક્સિકો સુધી અનુભવાઈ રહી છે. ફ્લાઈટ રદ્દ થવાને કારણે લોકોએ એરપોર્ટ પર જ રાત કાઢવી પડે તેવી સ્થિતિ છે.
અમેરિકામાં આ વખતે આટલી ભયંકર હિમવર્ષા શા માટે થઈ તેના કારણે હજુ સુધી શોધવામાં આવ્યા નથી. પરંતુ જે રીતે અમેરિકામાં પાંચ દાયકાનો રેકોર્ડ આ વખતે હિમવર્ષાએ તોડ્યો છે તે બતાવી રહ્યું છે કે આગામી દિવસોમાં હિમયુગ આવશે. અમેરિકામાં જે સ્થિતિ થઈ છે તે આગામી દિવસોમાં અન્ય દેશોની પણ થઈ શકે છે. અમેરિકાની અસર કેનેડામાં તો જોવાઈ જ રહી છે. હિમવર્ષાને કારણે અમેરિકામાં ક્રિસમસની ઉજવણી પર અનેક પ્રતિબંધો આવી ગયા છે. લોકો એકબીજાને મળી શકે તેમ નથી અને બહાર જઈને ઉજવણી કરી શકે તેમ નથી. આ કારણે અમેરિકામાં આ વખતે ક્રિસમસની ઉજવણી પણ ફિક્કી રહેશે. અમેરિકા જેવો દેશ કે જે ટેકનોલોજીમાં આગળ ગણાય છે તે પણ હાલમાં આ કુદરતી આફત સામે લાચાર બની જવા પામ્યો છે. અમેરિકા પરથી અન્ય દેશોએ ધડો લઈને આવી કુદરતી આફતો આવે તો તેનો કેવી રીતે સામનો કરી શકાય તેનું આયોજન કરવું જોઈએ. ભારતમાં આટલી ઠંડી પડતી નથી પરંતુ જો હિમયુગ શરૂ થયો હોય તો તે ભારત માટે પણ અનેક રીતે ચિંતાજનક છે તે નક્કી છે.