નવી દિલ્હી: ઈન્ટરનેટ યુઝર્સને હંમેશા ડેટા લીક થવાનો ખતરો રહે છે. હાલમાં જ મોટી હસ્તીઓના ડેટા લીક થયા હોવાના સમાચાર સામે આવ્યા હતા. ત્યારે હવે હેકર્સના(Hackers) નિશાન પર ભારતીય યુઝર્સ છે. આ વખતે હેકર્સે ભારતીય રેલનવેના (Indian Railway) ડેટા ચોરી (Data Theft) કર્યા હોવાનું સામે આવ્યું છે. 3 કરોડ ભારતીયોનો ડેટા દુનિયામાં ડાર્ક વેબ (Dark Web) પર વેચાઈ રહ્યો છે.
મળતી માહિતી અનુસાર ભારતીય રેલવેના 3 કરોડ યુઝર્સનો ડેટા લીક થયો છે. આ ડેટા ડાર્ક વેબ પર વેચાઈ રહ્યો છે. તેમાં યુઝરનું નામ, ઉંમર, રાજ્ય, મોબાઈલ નંબર, ઈમેલ અને અન્ય વિગતો સામેલ છે. ઈન્ટરનેટની બ્લેક વર્લ્ડ ડાર્ક વેબ પર કરોડો ભારતીય યુઝર્સનો ડેટા વેચાઈ રહ્યો છે. આ ડેટા ભારતીય રેલ્વે સાથે જોડાયેલો છે. એવું લાગે છે કે ભારતીય રેલ્વે તાજેતરમાં ડેટા બ્રિચનો શિકાર બની છે. જો કે, તેના વિશે કોઈ સત્તાવાર માહિતી નથી.
એક અહેવાલો અનુસાર, ભારતીય રેલવેના 3 કરોડથી વધુ વપરાશકર્તાઓનો ડેટા ડાર્ક વેબ પર વેચવામાં આવી રહ્યો છે. વેચનારની ઓળખ વિશે કોઈ માહિતી નથી. હેકર્સના ફોરમ પર યુઝર્સના રેકોર્ડ વેચવામાં આવી રહ્યા છે. લીક થયેલા ડેટાને ખરીદવા અને વેચવા માટે સાયબર અપરાધીઓ દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવે છે. 3 કરોડ યુઝર્સના ડેટા વેચનાર વ્યક્તિનું નામ શેડોહેકર છે, જે ડેટાનો સેમ્પલ પણ આપી રહ્યો છે. કોઈપણ વ્યક્તિ ડેટા ખરીદતા પહેલા સેમ્પલ ડેટા ચકાસી શકે છે.
નામ-નંબર તમામ સમાવિષ્ટ છે વિક્રેતા આ ડેટા ટેક્સ્ટ ફોર્મેટમાં આપી રહ્યા છે. 3 કરોડ યુઝર્સનો ડેટા બે ભાગમાં છે. એકમાં યુઝર્સની અંગત વિગતો અને બીજામાં ટિકિટ બુકિંગનો ડેટા હાજર છે. પ્રથમ ભાગમાં વપરાશકર્તાનામ, ઇમેઇલ, ફોન નંબર, લિંગ, શહેર, રાજ્ય અને ભાષા સુધીની વિગતો શામેલ છે. જ્યારે બુકિંગ ડેટામાં મુસાફરનું નામ, મોબાઈલ નંબર, ટ્રેન નંબર, મુસાફરીની વિગતો, ઈન્વોઈસ પીડીએફ અને અન્ય વિગતો હાજર છે. રિપોર્ટ્સ અનુસાર, હેકર્સ દ્વારા શેર કરવામાં આવેલા સેમ્પલ સાચા હોવાનું જાણવા મળ્યું છે.
આટલી રકમ માટે ડેટા વેચવામાં આવી રહ્યો છે
લિસ્ટિંગ અનુસાર, સેલર આ ડેટાની માત્ર 5 કોપી ઓફર કરી રહ્યા છે. તેણે દરેક નકલ માટે 400 ડોલર (લગભગ 33 હજાર રૂપિયા)ની માંગણી કરી છે. બીજી તરફ, જો કોઈ યુઝર આ ડેટાની એક્સક્લુઝિવ એક્સેસ ઈચ્છે છે, તો સેલર તેના માટે $1500 (લગભગ 1.24 લાખ રૂપિયા)ની માંગ કરી રહ્યા છે. આ સિવાય વિક્રેતા ડેટા અને વલ્નરેબિલિટિ બંને માટે $2000 (લગભગ 1.65 લાખ રૂપિયા)ની માંગ કરી રહ્યા છે.
સેલરએ દાવો કર્યો છે કે તેણે આ ડેટા વલ્નરેબિલિટિ દ્વારા મેળવ્યો છે. જો કે તેણે આ અંગે કોઈ માહિતી આપી નથી. આ ડેટા લીક અંગે ભારતીય રેલવેએ હજુ સુધી કોઈ માહિતી આપી નથી. ડેટાની સત્યતા અને તેની ઍક્સેસની પદ્ધતિ વિશે કોઈ માહિતી નથી. આ સિવાય સેલરએ એ પણ જણાવ્યું નથી કે આ ડેટા IRCTCના ડેટા બેઝમાંથી મેળવવામાં આવ્યો છે કે ભારતીય રેલવેના. આ પહેલા પણ ભારતીય રેલ્વેનો ડેટા લીક થયો છે. વર્ષ 2019માં 20 લાખ યુઝર્સનો ડેટા લીક થયો હતો.