SURAT

સુરતમાં ત્રીપલ મર્ડરની ઘટના બાદ કારીગરોને પગાર આપવા બાબતે લેવાયો આ મહત્વનો નિર્ણય

સુરત: (Surat) સુરતના અમરોલી વિસ્તારમાં ત્રીપલ મર્ડરની (Triple Murder) ઘટના બાદ ઘટના પાછળના અનેક તથ્યો બહાર આવી રહ્યાં છે. આ તથ્યો એટલા સંવેદનશીલ (Emotional) છે કે અંતે તંત્ર અને સંગઠનોએ તેની ઉપર વિચાર વિમર્શ કરવાની જરૂરિયાત ઉભી થઈ છે. આ મામલે ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ એસોસિએશન પણ એલર્ટ થયું છે. જેને લઈને પોલીસ અધિકારીઓ (Police Officers) દ્વારા આજે પોલીસ અને ફ્રોગવાના હોદ્દેદારોની બેઠક (Meeting) યોજવામાં આવી હતી. જેમાં કારીગરોને સન્માનપૂર્વક તેમનો પગાર (Salary) ચૂકવી દેવા બાબતે મહત્વની સૂચના આપવામાં આવી હતી. સાથે જ કારીગરોનો પગાર રોકડેથી નહીં પરંતુ સીધો બેંકમાં (Bank) જવા કરાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

  • ત્રીપલ મર્ડર કેસની સંવેદનશીલતાને જોતા પોલીસ અને કારખાનેદારો વચ્ચે બેઠક
  • કારીગરોને સન્માનપૂર્વક બાકી નિકળતો પગાર આપી દેવાની સૂચના
  • ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ વધારવા માટેની માંગ

સુરતમાં ત્રીપલ મર્ડર કેસમાં જે પ્રકારના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તેને જોતા અનેક સવાલો ઉભા થઈ રહ્યાં છે. આ મામલે બંને પક્ષે અતિ સંવેદનશીલ બાબત સામે આવી રહી છે. એક તરફ પગારની તકરારમાં કારખાનેદારોનો જીવ ગયો તો બીજી તરફ પગાર નહીં મળતા કારીગરોએ ન ભરવાનું પગલું ભર્યું. મળતી માહિતી મુજબ ઘટના અગાઉ કારખાનાના માલિકો દ્વારા કામદારોને માર મારવામાં આવ્યો હતો. જે બાદ કામદારોએ તેની ખૂબજ ધ્રૂજાવી દેનાર પ્રતિક્રિયા આપી હતી. આ બાબત તંત્રના ધ્યાને આવી છે. જેની ઉપર બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.

મિટિંગમાં ફોગવાના હોદ્દેદારો દ્વારા કારખાનામાં કારીગર રાખતા પહેલા જરૂરી નિયમોનું સખત પાલન કરવાની સૂચના આપવામાં આવી હતી. જે મુજબ કારખાનેદાર પોતાના કારખાનામાં કામદાર રાખે ત્યારે જે તે વ્યક્તિના આધારકાર્ડ સહિતના ડોક્યુમેન્ટ ફરજિયાત લેવાના રહેશે. કારીગરની ઓળખ યોગ્ય રીતે થાય તેના માટે તેમના ગામના કે અહીં તેમને ઓળખતા લોકોના પણ પુરાવા લેવાના રહેશે. સૌથી મહત્વપૂર્ણ બાબત એ કે જે કામદારનો પગાર બાકી હોય તે તેને સન્માનપૂર્વક ચૂકવી દેવાનો રહેશે. જો કારીગર કામ છોડી જાય કે રજા લઈને જાય ત્યારે પણ તેનો બાકી નિકળતો પગાર ચૂકવી આપવાનો રહેશે. આ ઉપરાંત કારીગરોનો પગાર રોકડેથી નહીં પરંતુ સીધો બેંકમાં જવા કરાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

​​​​​​​બીજી તરફ કારખાનેદારોની સુરક્ષા બાબતે પણ પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. જે અનુસાર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ વધારવા માટે માંગ કરાઈ હતી. ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં કારખાનેદારો દ્વારા કરાતો વિરોધ કે આંતરિક ઝઘડાઓ કે માલિકો સાથે કેટલાક મુદ્દાઓને લઈને કરાતી ખોટી લડાઈ બાબતે પર સાચવેતી રાખવા જણાવાયું હતુ. જણાવી દઈએ કે ઘટનાના વિરોધમાં બુધવારે અંજની ઈન્ડસ્ટ્રી ઉપરાંત કોસાડ, ગોથાણ, અમરોલીની ઈન્ડ્રસ્ટ્રીઝ દ્વારા એક દિવસનો બંધ પાળવામાં આવશે.

Most Popular

To Top