ઘેજ: (Dhej) ચીખલી (Chikhli) નજીકના ખૂંધમાં ‘ગાડી કેમ ચાલુ રાખે છે તારી ગાડી બંધ કર’ તેમ કહી હાઇવા ટ્રકના ચાલકને (Truck driver) સળિયાથી અને ઢીકકામુકકીનો માર-મારી જાનથી મારી નાંખવાની (Threat) ધમકી આપતા પોલીસે (Police) ત્રણ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ મથકેથી પ્રાપ્ત વિગત મુજબ ફરિયાદી ગુલામ મોહનભાઇ નાયકા (રહે. સાદડવેલ દાદરી ફળિયા તા. ચીખલી) ડ્રાઇવર તરીકે નોકરી કરે છે. તે રવિવારે જીજે-૨૧ ડબલ્યુ-૬૭૪૨ નંબરની હાઇવામાં રેઠવાણિયા ગામેથી ખનીજ ભરી ધોળાપીપળા બુલેટ ટ્રેનના કામમાં ખાલી કરી પરત આવતી વેળા ખૂંધમાં આઇસાપાર્કની સામે હાઇવા ટ્રકમાં પંક્ચર પડતા સાઇડે પંક્ચર બનાવી ટાયર ફિટ કરાવી એર ભરી રહ્યો હતો. તે દરમ્યાન અક્ષિતે ત્યાં આવી ગાડી કેમ ચાલુ રાખે છે તારી ગાડી બંધ કર તેમ કહી લોખંડના સળિયાથી માથાના અને પગના ભાગે ફટકા માર્યા હતા. બાદમાં આવેલા તેના મિત્રો નયન અને ચેતન પણ માર-મારી જાનથી મારી નાંખવાની ધમકી આપતા પોલીસે અક્ષિત ધીરુભાઇ પટેલ (રહે. સાંઇનગર ખૂંધ તા. ચીખલી) તથા નયન અને ચેતન સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. ઉપરોક્ત બનાવમાં ઇજાગ્રસ્ત ગુલાબભાઇને સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.
પારડી હાઇવે પર કારને વાહનચાલકે ટક્કર મારતા બાલદાના યુવાનનું મોત
પારડી : પારડી ખડકી હાઇવે બ્રિજ ઉપર કાર લઈને વાપી તરફ જતો બાલદાના યુવાનને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. પારડી તાલુકાના બાલદા ગામે સડક ફળિયા ખાતે રહેતા અખિલ અરવિંદ પટેલ તેના મિત્રની કાર લઈને પારડીથી વાપી તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન નેહાનં.48 ખડકી બ્રિજ ઉપર અજાણ્ય વાહન ચાલકે ટક્કર મારી અકસ્માત સર્જાયો હતો. જેમાં ઇજા પામેલા કાર ચાલકને તાત્કાલિક પારડી મોહનદયાળ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. જોકે અખિલને મોઢા તેમજ માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સ્થળ પર જ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો. ઘટનાની જાણ પારડી પોલીસ મથકે મૃતક અખિલના પિતા અરવિંદ પટેલે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.