National

નવા વર્ષમાં બેંક, ક્રેડિટ કાર્ડને લગતા નિયમો બદલાઈ જશે, નવા વાહનોની કિંમતમાં થશે આ ફેરફાર

વર્ષ 2023 જાન્યુઆરી (January) મહિનાની શરૂઆતને હવે થોડાક જ દિવસો બાકી છે. ત્યારે આ નવા મહિનામાં કેટલાક નવા ફેરફાર પણ થશે. આ ફેરફારો સામાન્ય માણસને લાગૂ પડશે. કેટલાક ફેરફારો લોકોના ખિસ્સા પર સીધી અસર કરશે. ત્યારે આ ફેરફારો વિશે જાણવુ જરૂરી છે. 1 જાન્યુઆરી 2023થી બેંક અને ઓટોમોબાઈલ (Automobile) ક્ષેત્રે નિયમોમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફાર થવા જઈ રહ્યા છે. તેમાં ક્રેડિટ કાર્ડ (Credit Card), બેંક લોકર્સ, GST ઈ-ઈનવોઈસિંગ, CNG-PNGની કિંમતો અને વાહનની કિંમતો સંબંધિત ફેરફારોનો સમાવેશ થાય છે.

નવા વર્ષ 2023માં નવા વાહનો ખરીદવા મોંઘા થઈ શકે છે. MG મોટર, મારુતિ સુઝુકી, હ્યુન્ડાઈ મોટર્સ, હોન્ડા, ટાટા મોટર્સ, રેનો, ઓડી અને મર્સિડીઝ બેન્ઝ સહિતની મોટી ઓટોમોબાઈલ કંપનીઓએ તેમના વાહનોના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. દેશની અગ્રણી કંપની ટાટા મોટર્સે કહ્યું છે કે તે 2 જાન્યુઆરી 2023થી તેના કોમર્શિયલ વાહનોની કિંમતોમાં વધારો કરશે. હોન્ડાએ પણ જાહેરાત કરી છે કે તે તેના વાહનોની કિંમતોમાં 30,000 રૂપિયા સુધીનો વધારો કરશે. આવી સ્થિતિમાં જો તમે નવા વર્ષમાં નવું વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો તો તે તમારા માટે વર્તમાન વાહન કરતાં મોંઘું સાબિત થઈ શકે છે.

GSTના નિયમો બદલાશે
નવા વર્ષમાં GST ઈ-ઈનવોઈસિંગ અને ઈલેક્ટ્રોનિક બિલ સંબંધિત નિયમોમાં પણ મહત્વપૂર્ણ ફેરફારો થશે. સરકારે GST ઈ-ઈનવોઈસિંગ માટેની જરૂરી મર્યાદા રૂ. 20 કરોડથી ઘટાડીને રૂ. 5 કરોડ કરી છે. GST નિયમોમાં આ ફેરફારો 1 જાન્યુઆરી 2023 થી લાગુ થશે. આવી સ્થિતિમાં હવે જે વેપારીઓનું ટર્નઓવર પાંચ કરોડ રૂપિયા કે તેથી વધુ છે તેમના માટે ઈલેક્ટ્રોનિક બિલ જનરેટ કરવું જરૂરી બનશે.

1 જાન્યુઆરી 2023 થી ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરનારાઓ માટે નિયમોમાં ફેરફાર થશે. આ ફેરફાર ક્રેડિટ કાર્ડ દ્વારા ચૂકવણી પર મળેલા રિવોર્ડ પોઈન્ટ્સ સાથે સંબંધિત છે. નવા વર્ષની શરૂઆતથી એચડીએફસી બેંક તેના ક્રેડિટ કાર્ડ પેમેન્ટ પર મળતા રિવોર્ડ પોઈન્ટ્સમાં ફેરફાર કરવા જઈ રહી છે. આવી સ્થિતિમાં ગ્રાહકોને 31 ડિસેમ્બર 2022 પહેલા તેમના ક્રેડિટ કાર્ડમાં બાકીના તમામ રિવોર્ડ પોઈન્ટ ચૂકવવાની સલાહ આપવામાં આવી છે. નવા નિયમો હેઠળ 1 જાન્યુઆરી 2023થી રિવોર્ડ પોઈન્ટની નવી સુવિધા આપવામાં આવશે.

બેંક લોકરમાં રાખવામાં આવેલ સામાનના નુકશાન પર બેંકોની જવાબદારી નક્કી કરવામાં આવશે
ભારતીય રિઝર્વ બેંકે બેંક લોકર સંબંધિત નવી સૂચનાઓ જારી કરી છે. આ નિયમો 1 જાન્યુઆરી 2023થી અમલમાં આવશે. આ નિયમો અમલમાં આવ્યા બાદ બેંકો હવે લોકર્સના મુદ્દે ગ્રાહકો સાથે મનમાની કરી શકશે નહીં. આ નિયમો લાગુ થયા બાદ જો બેંક લોકરમાં રાખવામાં આવેલ સામાનને કોઈ નુકસાન થશે તો તેની જવાબદારી બેંકની રહેશે. બેંક અને ગ્રાહક વચ્ચે કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે. તે 31 ડિસેમ્બર સુધી માન્ય રહેશે. બેંકોએ લોકર સંબંધિત નિયમોમાં ફેરફાર અંગેની તમામ માહિતી ગ્રાહકોને MMS અને અન્ય માધ્યમથી આપવાની રહેશે.

દર મહિનાની શરૂઆતમાં પેટ્રોલિયમ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરે છે. દેશમાં છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે. આવી સ્થિતિમાં ડિસેમ્બરના અંતિમ દિવસે જ્યારે ઓઇલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલની કિંમતો ફરીથી નક્કી કરશે ત્યારે તેમની કિંમતોમાં થોડો ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવી શકે છે. જો કે આ ફેરફારો થશે કે નહીં તે 1લી જાન્યુઆરીની સવારે જ સ્પષ્ટ થશે. પેટ્રોલ અને ડીઝલની કિંમતોની સાથે ઘરેલુ અને કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં પણ ફેરફારની જાહેરાત કરવામાં આવી શકે છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફારની સાથે સાથે વાહનોમાં ઉપયોગમાં લેવાતા CNG અને ઘરના રસોડામાં ઉપયોગમાં લેવાતા PNG ગેસના ભાવમાં પણ ફેરફાર થઈ શકે છે. રાષ્ટ્રીય રાજધાની અને તેની આસપાસના વિસ્તારો જેમ કે નોઇડા, ગાઝિયાબાદ, ગુરુગ્રામ અને ફરીદાબાદમાં CNG અને PNGના ભાવમાં મોટો વધારો થયો છે. આવી સ્થિતિમાં આ મહિનાના અંત સુધીમાં ગેસ કંપનીઓ ફરી એકવાર તેમની કિંમતોમાં સુધારો કરી શકે છે. દિલ્હી અને ગુરુગ્રામમાં CNGના ભાવમાં લગભગ આઠ રૂપિયાનો તફાવત છે. છેલ્લા એક વર્ષમાં રાષ્ટ્રીય રાજધાની અને તેની આસપાસના વિસ્તારોમાં CNGની કિંમતમાં 70% થી વધુનો વધારો થયો છે. બીજી તરફ ઓક્ટોબર મહિનામાં IGLએ ઘરેલું રસોઈ માટે પાઈપ્ડ નેચરલ ગેસ (PNG)નો દર દિલ્હીમાં 50.59 રૂપિયા પ્રતિ scm થી વધારીને 53.59 રૂપિયા પ્રતિ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર કર્યો હતો. ઓગસ્ટ 2021 પછી PNG દરોમાં આ 10મો વધારો હતો. તે સમય દરમિયાન કિંમતોમાં SCM દીઠ રૂ. 29.93 અથવા લગભગ 91 ટકાનો વધારો થયો હતો.

Most Popular

To Top