Dakshin Gujarat

નાનાપોંઢામાં ચાલકે સ્ટિયરીંગ પરથી કાબૂ ગુમાવ્યો અને ટ્રક માર્ગની બાજુમાં ફ્રૂટના સ્ટોલમાં ઘૂસી ગઈ

વલસાડ: (Valsad) કપરાડા તાલુકાના નાનાપોંઢા ચાર રસ્તા નજીક ફોરેસ્ટ કચેરીના ગેટ નજીક વાપી તરફથી આવી રહેલી શરૂના ડાડા ભરેલી ટ્રક ચાલકે સ્ટિયરીંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રક (Truck) માર્ગની બાજુમાં ફૂલ અને ફ્રૂટના સ્ટોલમાં ઘૂસી જતા વેપારી અને તેના ફોરેસ્ટ મિત્રને ગંભીર ઇજા પહોંચી હતી. જોકે ટ્રક વન વિભાગના (Forest Department) સ્ટાફ ક્વાર્ટસમાં (Staff Quarters) ઘુસવામાં જરા બાકી રહી ગઈ હતી, અન્યથા મોટી દુર્ઘટના સર્જાવાની શક્યતા રહી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ નાનાપોંઢા ખાતે ધરમપુર માર્ગ ઉપર વન કચેરીના ગેટ નજીક મંગળવારે મોડી સાંજે વાપી તરફથી આવી રહેલી ટ્રક માર્ગની બાજુમાં આવેલી ફૂલ અને ફળ વેચતી દુકાનમાં ઘૂસી જતાં અફરા તફરી મચી હતી. ઘટનાના પગલે મોટી સંખ્યામાં લોકો ધસી આવ્યા હતા. ઘટનામાં ફળ વેચતા કલ્પેશ કનુ ઠાકર્યા (રહે.નાનાપોંઢા) અને વન વિભાગમાં નોકરી કરતા શૈલેષ નાયકાને ઇજા પહોંચી હતી. ઘટનામાં કલ્પેશનો પગ ટ્રકના આગલા ટાયર નીચે ફસાઈ જતાં જેક મંગાવી ભારે જહેમત બાદ બહાર કાઢી બંને ઇજાગ્રસ્તને 108 મારફત સારવાર માટે દવાખાને મોકલ્યા હતા. ઘટનામાં એક બાઈક પણ ટ્રક નીચે દબાતા તેનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ઘટના અંગે સરસ્વતીબેન કનુ ઠાકર્યા (રહે.નાનાપોંઢા0એ ટ્રક ચાલક પિલેશ ઝીણા ગાવીત (રહે. ગુણસદા તા.સોનગઢ) સામે નાનાપોંઢા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

ગુંદલાવ હાઇવે ઉપર ડમ્પર સાથેના અકસ્માતમાં બાઈક સવાર યુવાનનુ મોત
વલસાડ : વલસાડના ગુંદલાવ હાઇવે ઉપર નોકરી ઉપર જઈ રહેલા યુવાનની બાઈક અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલક યુવાનનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે ડમ્પર ચાલક ભાગી છૂટ્યો હતો. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ખેરગામ તાલુકાના વાવ પારનેરીયા ફળીયામાં રહેતો ભાવિન ધીરુ પટેલ (ઉંવ.32) રાત્રે પોતાની મોટરસાયકલ લઈને વલસાડ નોકરી ઉપર આવી રહ્યો હતો.

ગુંદલાવ બ્રિજ પહેલા મુંબઈથી સુરત તરફ જતા ટ્રેક પરથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે પાછળથી આવેલા ડમ્પર ચાલકે પોતાનું ડમ્પર પુરઝડપે હંકારી લાવી મોટરસાયકલ ચાલક સાથે અકસ્માત કર્યો હતો. જેમાં મોટર સાયકલ ચાલક ભાવિનને ગંભીર ઇજા થતા એનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે ડમ્પર ચાલક ડમ્પર મૂકીને ભાગી છુટ્યો હતો. આ ઘટનાને લઈને હાઇવે ઉપર ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. જેની જાણ પોલીસને તથા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ભાવિનની લાશને એમ્બ્યુલન્સ મારફતે વલસાડની સિવિલ હોસ્પિટલમાં પીએમ કરવા માટે મોકલી આપી હતી. પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top