ગીતકારોનું ગ્રેજયુએટ હોવું જરૂરી મનાયું નથી અને એટલે ગ્રેજયુએટ હોય એવા ગીતકારો બહુ ઓછા આવ્યા છે. પણ ભરત વ્યાસ કોલકાતા યુનિવર્સિટીના ગ્રેજયુએટ હતા. તેમને ઐતિહાસિક અને પૌરાણિક કથાઓ ખૂબ ગમતી. ગીતો લખ્યા તો તેમાં ભારતીય સંસ્કૃતિની સભાનતા સાથેનો ભાવ પણ ઊતરી આવ્યો. પ્રદીપજી અને ભરત વ્યાસનું સ્થાન હંમેશા જૂઠું રહ્યું છે. એ સમય જ એવો હતો જેમાં શૈલેન્દ્ર, સાહિર, શકીલ બદાયુંની, હસરત જયપુરી, રાજા મહેંદી અલીખાન યા રાજેન્દ્ર કૃષ્ણ, કૈફી આઝમીનો અલગ દરજજો છે તેમ ભરત વ્યાસનો છે. બિકાનેરમાં જન્મ્યા. કલકત્તા ભણ્યા, મુંબઇમાં ગીતો લખ્યા અને પછી પૂણે, ચેન્નઇમાં ય રહીને પાછા મુંબઇ આવ્યા અને ભારતના મહત્વના શહેરોનો અનુભવ તેમને મળ્યો. મુંબઇમાં ગીતો લખવાનું ઓછું થયું તો ચેન્નઇના જે મિનીનું નિમંત્રણ મળતાં તે ગયા.
જયાં કામ મળે ત્યાં જવું. કોઇ શહેરથી બંધાયને ન રહેવું. ભરત વ્યાસને યાદ કરનારા તેમના ‘મોરી અટરીયા પે કાગા બોલે’ (ફિલ્મ ‘આંખે’, સંગીત મદનમોહન), ‘ચલી રાધેરાની (પરિણીતા), ‘નિર્બલ સે લડાઇ બલવાન કી’ (તુફાન ઔર દિયા), ‘એ માલિક તેરે બંદે હમ’ (દો આંખે બારહ હાથ) ‘જરા સામને તો આઓ છલીયે’ (જનમ જનમ કે ફેરે), ‘ટીમ ટીમ તારોં કે દીપ જલે’ (મૌસી), ‘ચાહે પાસ હો ચાહે દૂર હો’ (સમ્રાટ ચંદ્રગુપ્ત), ‘કુહુ કુહુ બોલે કોયલીયા’ (સુવર્ણ સુંદરી), ‘તેરે સુર ઔર મેરે ગીત’ (ગુંજ ઊઠી શહેનાઇ), ‘કહેદો કોઇ ના કરે યહાં પ્યાર’ (ગુંજ ઊઠી શહેનાઇ), ‘આ દિલ સે દિલ મિલાતે’ (નવરંગ), ‘આધા હૈ ચંદ્રમા આધી રાત’ (નવરંગ), ‘આ લૌટકે આજા મેરે મીત’ (રાની રૂપમતી), ‘સારંગા તેરી યાદમેં’ અને ‘હાં દિવાના હું મેં’ (સારંગા), ‘બુધ્ધમ શરણમ ગચ્છામી’ (અંગુલીમાલ) ગીતો યાદ કરે છે. આપણે હજારો ગીતો સાંભળતા રહીએ છીએ એટલે ઘણીવાર ખ્યાલ પણ રહેતો નથી કે તેના ગીતકાર કોણ. પણ હિન્દી ગીત-સંગીતના સુવર્ણયુગના તેઓ પણ એક ગીતકાર છે. તેમના ગીતો રફી, લતા, મન્નાડે, તલત, મુકેશ વગેરેએ વધુ ગાયા પણ ‘રીમઝીમ’ ફિલ્મ કે જે તેમની આરંભિક ફિલ્મોમાં એક છે તેમાં ‘ઝગમગ ઝગમગ કરતા નિકલા….’ ગીત કિશોરકુમારનું ગાયેલું છે.
ભરત વ્યાસ ‘તુમ ગગન કે ચંદ્રમા હો, મેં ઘરાકી ઘૂલ હું / તુમ પ્રણય કે દેવતા હો, મેં સમર્પિત ફૂલ હું’ જેવું ગીત પ્રેમનો ભાવ પૂરી ભારતીય પરંપગરામાં રહી પ્રગટ કરે છે. હિન્દી ભાષામાં જાણે સંસ્કૃતિની ગન્ધ છે. વ્હી. શાંતારામની ફિલ્મોમાં તેમના ગીત જાણે જુદી લહર જગાવતા. ‘આધાહે ચંદ્રમાં રાત આધી’ માં તેમણે પ્રકૃતિ વડે પ્રેમની અધૂરપને વ્યકત કરી છે. ‘સૂર આધા હી શ્યામને સાધા, રહા રાધાકા પ્યાર ભી આધા’ પંકિત રાધા-કૃષ્ણન પ્રેમમાં કયાં અધૂરપ રહી તે કહે છે અને આખી એક પ્રેમકથાનો મર્મ ઉઘડી આવે છે.
‘સારંગા તેરી યાદ મેં’ ગીત પર મુકેશનો અવાજ ચંદન તિલક સમો બની આપણામાં ઊતરી જાય છે ને વિરહનો રંગ આપણને અંદર સુધી પીડા આપે છે. ભરત વ્યાસના પ્રેમગીતો શકીલ બદાયુની, હસરત વગેરેથી બહુ જુદા પડે છે. ‘જરા સામને તો આઓ છલીયે’, ગીતમાં તેઓ ઇશ્વરના છલના મય રૂપને વ્યકત કરી દે છે. પ્રેમ અને અધ્યાત્મ તેમના ગીતોને ખાસ બનાવે છે. ૧૮ મી ડિસેમ્બર ૧૯૧૮ માં જન્મેલા ભરત વ્યાસે પાંચમી જૂલાઇ ૧૯૮૨ માં વિદાય પામ્યા પણ ફિલ્મગીતના ચાહકોમાં તેમનું એક જૂદું સ્થાન કાયમી રહેશે.