કતાર : કતારમાં ચાલી રહેલા ફૂટબોલ વર્લ્ડ કપની (Football World Cup) પ્રથમ ક્વાર્ટર ફાઇનલમાં (Quarter Finals) પાંચ વખતની ચેમ્પિયન બ્રાઝિલનો (Brazil) પરાજય થયો છે. ક્રોએશિયાએ (Croatia) વિશ્વની નંબર-1 ટીમને પેનલ્ટી શૂટઆઉટમાં હરાવી દેતા હવે ચેમ્પિયનનું સપનું તૂટી ગયું છે. હવે આ સાથેજ ક્રોએશિયા સતત બીજી વખત સેમિફાઇનલમાં પહોંચી ગયું છે.અને હવે બ્રાઝિલની ટીમ સતત બીજી વખત ક્વાર્ટર ફાઇનલમાં બહાર ફેંકાઈ ચુકી છે. આ મેચમાં બ્રાઝિલ માટે સ્ટાર ખેલાડી નેમારે ગોલ કર્યો હતો, પરંતુ તે ટીમને જીત અપાવી શક્યો નહોતો.એક્સ્ટ્રા ટાઈમના સમયમાં રમત સમાપ્ત થયા બાદ સ્કોર 1-1ની બરોબરી પર રહ્યો હતો. ક્રોએશિયા પેનલ્ટી પર 4-2 થી આગળ નીકળી જતા તે વિનર બન્યું હતું.
- ક્વાર્ટર ફાઇનલમાં વિશ્વની નંબર 1 ટીમને હરાવી
- પાંચ વખત ચેમ્પિયન બનેલું બ્રાઝિલ થયું બહાર
- ક્રોએશિયા માટે પેનલ્ટી શૂટઆઉટ તેનો ખુબ જ મજબૂત પક્ષ રહ્યો છે
ફૂટબોલ વર્લ્ડ કપમાં અત્યાર સુધીનો સૌથી મોટો ઉલટફેર
મેચમાં ક્રોએશિયાએ ફૂટબોલ વર્લ્ડ કપમાં અત્યાર સુધીનો સૌથી મોટો ઉલટફેર કરી દેતા તેણે ક્વાર્ટર ફાઇનલમાં વિશ્વની નંબર 1 ટીમને હરાવી હતી. પેનલ્ટી શૂટઆઉટમાં ક્રોએશિયાએ 4-2થી મેચ જીતી લીધી હતી. તે પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પણ જાપાન સામેની મેચ પેનલ્ટી શૂટઆઉટમાં જીતી ગઈ હતી. છેલ્લી વખત 2018માં ક્રોએશિયાની ટીમે ફાઈનલ પહેલા પેનલ્ટી શૂટઆઉટમાં ત્રણ નોકઆઉટ મેચ જીતી હતી. ફાઇનલમાં ફ્રાન્સે આવું ન થવા દીધું અને મેચ 4-2થી જીતી લીધી હતી.
નિર્ધારિત 90 મિનિટ સુધી આ મેચમાં એક પણ ગોલ થયો ન હતો.
આ મેચ અંતે એક્સ્ટ્રા ટાઈમમાં ગઈ હતી એક્સ્ટ્રા ટાઇમના પહેલા હાફના ઇન્જરી ટાઇમમાં નેમારે ગોલ કરીને સનસનાટી મચાવી દીધી હતી. તેણે 105મી + 1મી મિનિટે ગોલ કરીને ટીમને 1-0થી આગળ કરી હતી. એવું લાગી રહ્યું હતું કે બ્રાઝિલની ટીમ આ મેચ આસાનીથી જીતી જશે, પરંતુ કંઈક બીજું જ થવાનું હતું. પેટકોવિચે 117મી મિનિટે ગોલ કરીને ક્રોએશિયાને બરાબરી પર લાવી દીધું હતું. આ પછી મેચ પેનલ્ટી શૂટઆઉટ સુધી પહોંચી હતી.
ક્રોએશિયા માટે પેનલ્ટી શૂટઆઉટ તેનો ખુબ જ મજબૂત પક્ષ રહ્યો છે. આ મેચમાં બ્રાઝિલને હરાવવો મોટો પડકાર હતો પણ ક્રોએશિયાના ગોલકીપર ડોમિનિક લિવકોવિચે મેચમાં લગભગ 12 થી 13 ગોલ બચાવ્યા હતા. તેણે પેનલ્ટી શૂટઆઉટમાં રોડ્રિગોનો ગોલ પણ અટકાવ્યો હતો.