સુરત (Surat): ડિસેમ્બરનું (December) પહેલું અઠવાડિયું પૂરું થવા આવ્યું છતાં હજુ સુધી સુરત શહેરમાં શિયાળો (Winter) જામ્યો નથી. વહેલી સવારે અને રાત્રિના સમયે ઠંડો પવન ફૂંકાય છે, પરંતુ હજુ સુધી સ્વેટર કાઢવા પડે તેવી ઠંડી પડી નથી, ત્યારે હવામાન વિભાગે સુરતના વાતાવરણમાં પલટો આવવાની જાહેરાત કરી છે. તમિલનાડુના દરિયામાં ઉદ્દભવેલી એક સિસ્ટમના લીધે આગામી ત્રણ દિવસ સુધી સુરતના વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળે તેવી આગાહી કરવામાં આવી છે.
સુરત શહેરમાં છેલ્લા બે ત્રણ દિવસથી આછું વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ તમિલનાડુ કોસ્ટ ઉપર હાલ એક સાયક્લોનિક સિસ્ટમ ઉદભવી છે. જેને કારણે આ પ્રકારે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. અને આ વાતાવરણને કારણે તાપમાનમાં પણ સામાન્ય વધઘટ થઈ રહી છે. આગામી 24 કલાક હજુ આ રીતે વાદળછાયું વાતાવરણ જોવા મળશે. અને ત્યારબાદ ધીમેધીમે ઠંડીમાં વધારો થશે.
8 ડિસેમ્બરે તમિલનાડુ, પુડુચેરીમાં મંડૂસ ચક્રવાત ત્રાટકે તેવી શક્યતા
નવી દિલ્હી: હવામાન વિભાગે દક્ષિણના રાજ્યો માટે ભારે વરસાદનું એલર્ટ (Rain Alert) જાહેર કર્યું છે. IMD અનુસાર, દક્ષિણ-પૂર્વ બંગાળની (Bengal) ખાડી પરનું લો પ્રેશર (Low pressure ) એરિયા હવે ઊંડા લો પ્રેશરમાં ફેરવાય રહ્યું છે.
હવામાન વિભાગના મહાનિર્દેશકે NCMCને વર્તમાન હવામાનની સ્થિતિ વિશે માહિતી આપી હતી કે ચક્રવાતી તોફાન પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાની અને સાંજ સુધીમાં બંગાળની ખાડીના દક્ષિણપૂર્વ ભાગ પર નીચા દબાણનો વિસ્તાર રચવાની શક્યતા છે. સાંજ પછી, તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે અને બુધવારે ચક્રવાતી તોફાનમાં તીવ્ર બને અને દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી સુધી પહોંચે તેવી શક્યતા છે. જે 8 ડિસેમ્બરે ઉત્તર તમિલનાડુ-પુડુચેરી અને દક્ષિણ આંધ્રપ્રદેશ પહોંચી શકે છે. ચક્રવાતી વાવાઝોડું જેને ચક્રવાત મંડૂસ નામ આપવામાં આવશે. તેના લીધે તામિલનાડુમાં 8 ડિસેમ્બરે અને આંધ્ર પ્રદેશના દક્ષિણ કિનારે 8 થી 10 ડિસેમ્બર સુધી મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. જ્યારે, તમિલનાડુ અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે અને તેની બહાર દરિયાની સ્થિતિ વિકટ રહેવાની સંભાવના છે. આ સાથે જ હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ પણ આપી છે. આંદામાન સમુદ્ર અને બંગાળની ખાડીના કેટલાક ભાગો તેમજ તમિલનાડુ, પુડુચેરી અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં સમુદ્રની સ્થિતિ આગામી થોડા દિવસોમાં ખૂબ જ ખરાબ રહેશે.