National

TMCના પ્રવક્તા સાકેત ગોખલેની ગુજરાત પોલીસે ધરપકડ કરી, મોરબી દુર્ઘટના પર કર્યું હતું ટ્વીટ

અમદાવાદ: ટીએમસીના (TMC) પ્રવક્તા સાકેત ગોખલેની (Saket Gokhale) ગુજરાત પોલીસ (Gujarat Police) દ્વારા ધરપકડ (Arrest) કરવામાં આવી છે. સાકેત ગોખલે દિલ્હીથી જયપુર જતા હતા ત્યારે ગુજરાત પોલસે તેમની અટકાયત કરી હતી. મોરબી બ્રિજ અકસ્માત અંગે ગોખલેના ટ્વીટને લઈને પોલીસે આ કાર્યવાહી કરી છે. ટીએમસી સાંસદ ડેરેક ઓ’બ્રાયનના જણાવ્યા મુજબ, ગુજરાત પોલીસે ગોખલેની જયપુરથી ધરપકડ કરી હતી.

ટીએમસીના સાંસદ ડેરેક ઓ’બ્રાયને કહ્યું કે સાકેત ગોખલે સોમવારે રાત્રે 9 વાગ્યે દિલ્હીથી જયપુર જવા માટે ફ્લાઇટ લીધી હતી. જયપુર પહોંચતા જ ગુજરાત પોલીસ એરપોર્ટ પર તેની રાહ જોઈ રહી હતી. આ પછી ગુજરાત પોલીસે તેની ધરપકડ કરી હતી. સાકેત ગોખલેએ મોરબી પુલ તૂટવાની ઘટનામાં ટ્વીટ કરી હતી. ત્યારે ફેક ન્યુઝ મામલે તેમની અટકાયત કરવામા આવી છે.

ગુજરાત પોલીસે ફોન અને સામાન જપ્ત કર્યો
મળતી માહિતી અનુસાર, મંગળવારે બપોરે 2 વાગ્યે સાકેત ગોખલેએ તેની માતાને ફોન કર્યો અને કહ્યું કે પોલીસ તેને અમદાવાદ લઈ જઈ રહી છે. ટીએમસી સાંસદે દાવો કર્યો હતો કે પોલીસે તેમને માત્ર બે મિનિટ માટે ફોન કરવાની મંજૂરી આપી હતી, ત્યારબાદ તેમનો ફોન અને સામાન જપ્ત કરવામાં આવ્યો હતો.

TMC સાંસદના જણાવ્યા અનુસાર, મોરબી બ્રિજ અકસ્માતને લઈને કરવામાં આવેલા ટ્વિટના સંદર્ભમાં અમદાવાદ સાયબર સેલમાં આ કેસ નોંધવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, ભાજપ આ બધું કરીને ટીએમસી અને વિપક્ષને ચૂપ નહીં કરી શકે. ભાજપ રાજકીય વેરભાવને બીજા સ્તરે લઈ જઈ રહ્યું છે.

આ અગાઉ પણ તેમણે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા. હાલમાં વડોદરામાં પીએમ મોદીની સભા યોજાઈ હતી. આ સભામાં કેટલાક વિદેશીઓ પણ જોવા મળ્યા હતા. સાકેત ગોખલેએ ટ્વીટ કરી ભાજપ દ્વારા પ્રચાર માટે વિદેશીઓને ઉપયોગ કરાતો હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે આક્ષેપ કરતા વીડિયો શરે કર્યો હતો અને કહ્યું હતું કે પીએમ મોદીની સભામાં વિદેશી નાગરિકોએ ભાજપનો ખેસ પહેરી પ્રચાર કર્યો હતો. TMC એ આ બાબતને લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 અને ભારતનાં વિઝા કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યું હતું. જિલ્લા ચૂંટણી અધિકારીએ આ મામલે આદર્શ આચારસંહિતાનો ભંગ ન થતો હોવાનું જણાવ્યું હતું. ગોખલેના ટ્વીટ બાદ આ અંગે રાષ્ટ્રીય ચુંટણી પંચે રાજ્ય ચુંટણી પંચ પાસેથી અહેવાલ માંગ્યો હતા. 

ગોખલે ગયા વર્ષે ટીએમસીમાં જોડાયા હતા
સાકેત ગોખલે આરટીઆઈ કાર્યકર્તા છે. તેણે પોતાની કારકિર્દીની શરૂઆત પત્રકાર તરીકે કરી હતી. તેઓ ઘણા વર્ષોથી રાષ્ટ્ર સાથે જોડાયેલા મુદ્દાઓ પર આરટીઆઈ હેઠળ માહિતી માંગી રહ્યા છે. તેણે તાજેતરમાં બેંક લોન અને પેગાસસ પર કેટલું બજેટ પસાર થયું તેની માહિતી માંગી હતી. સાકેત ગોખલે ગયા વર્ષે ઓગસ્ટમાં ટીએમસીમાં જોડાયા હતા. તેઓ પાર્ટીમાં રાષ્ટ્રીય પ્રવક્તાનું પદ સંભાળે છે.

Most Popular

To Top