SURAT

સુરતમાં બાંધકામ સાઇટ પર હવે જો આ નિયમનો અમલ નહીં થાય તો બિલ્ડરો ભેરવાશે

સુરતઃ (Surat) નેશનલ ક્લિન એર પ્રોગ્રામ (NCPA) અંતર્ગત શહેરમાં હવાનું પ્રદૂષણ (Pollution) નિયંત્રણમાં લાવવા રાજ્ય સરકાર દ્વારા બનાવાયેલી ઇમ્પલિમેન્ટેશન કમિટીની તા.28 નવેમ્બરે મળેલી મીટિંગમાં સુરત શહેરમાં નિર્માણાધિન કન્સ્ટ્રક્શન સાઇટો (Under Construction Sites) માટે કેટલાક નક્કી નિયમોનું કડક પાલન ન થતું હોવાનું ધ્યાને લેવાયું હતું. સાથે જ કોવિડ દરમિયાન તથા એ પછી હવામાં પ્રદૂષણ અંગેના ડેટાનું મોનિટરિંગ ન થતું હોવાથી કમિટી દ્વારા સુરત મહાનગરપાલિકાના (Surat Municipal Corporation) સંબંધિત વિભાગોને કામગીરી સક્રિયતા સાથે પૂર્ણ કરવા સૂચના અપાઇ હતી.

  • શહેરમાં બાંધકામ સાઇટ પર હવામાં પ્રદૂષણ થતું હશે તો પાલિકા કડક કાર્યવાહી કરશે
  • બેરિકેડિંગ કરવું, ગ્રીન કાપડ કે નેટ બાંધવી અને મટિરિયલ્સની રજકણો હવામાં ન ઊડે એ માટે સતત પાણીનો છંટકાવ કરવાનો રહેશે
  • કોવિડ દરમિયાન તથા એ પછી હવામાં પ્રદૂષણ અંગેના ડેટાનું મોનિટરિંગ ન થતું હોવાથી કામગીરી પૂર્ણ કરવા સૂચના અપાઇ

જે અંતર્ગત સુરત મહાનગરપાલિકાના મધ્યસ્થ શહેરી વિકાસ વિભાગ દ્વારા 29 નવેમ્બરે શહેરમાં કાર્યરત બાંધકામ સાઇટો માટે એક નોંધ રજૂ કરાઇ હતી. નોંધ મુજબ નિર્માણાધિન બાંધકામની રોડ તરફે બેરિકેડિંગ કરવું, ગ્રીન કાપડ કે નેટ બાંધવી અને મટિરિયલ્સની રજકણો હવામાં ન ઊડે એ માટે સતત પાણીનો છંટકાવ કરવાના નિયમોનું ચુસ્તપણે પાલન કરવું પડશે. જો કોઇ બાંધકામ સાઇટથી હવામાં પ્રદૂષણ થતું હોવાની બાબત ધ્યાને આવશે તો પાલિકા નોટિસ ફટકારી બાંધકામની રજાચિઠ્ઠી રદ કરવા સુધીની કાર્યવાહી કરશે તેવું નક્કી કરાયું છે.

પાલિકા સૂત્રોએ કહ્યું કે, નેશનલ ક્લિન એર પ્રોગ્રામ અન્વયે અસરકારક કામગીરી માટે મળેલી સૂચના મુજબ પાલિકાના MSW વિભાગને સુરત શહેરમાં હવામાં પ્રદૂષણની માત્રાનું મોનિટરિંગ કરવા તેમજ મુકાયેલા સેન્સર પ્રમાણે જ્યાં PM-2 તથા PM-10ની માત્રા જોખમી જણાય ત્યાં પ્રદૂષણ નિયંત્રણ માટે તમામ પ્રયાસો કરવા જાણ કરાઇ છે. આ સાથે જ પ્રદૂષણ ફેલાવતાં એકમ, કન્સ્ટ્રક્શન સાઇટ તથા નિર્માણાધિન પ્રોજેક્ટ પર કાર્યવાહીની પણ સૂચના અપાઇ હોવાનું જાણવા મળ્યું હતું. પાલિકાના જેએસડબ્લ્યૂ વિભાગે કહ્યું કે, 20 જેટલા સેન્શરનાં રીડિંગ પ્રમાણે હવે હવામાં રજકણો ફેલાવતી સાઇટ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરાશે. આ કામગીરી તત્કાલીન કમિશનર થેન્નારાશન દ્વારા શરૂ કરાઇ હતી. જો કે, કોવિડ અને તે પછીના સમયમાં પ્રક્રિયા ખોરંભે ચઢી હતી. હાલ આ કામગીરીમાં બાંધકામ સાઇટોને પણ સમાવી લેવાઇ હોવાથી રજકણ ફેલાવતાં બાંધકામોની રજાચિઠ્ઠી રદ કરવા સુધીની કાર્યવાહી કરવાની પણ તૈયારી હાથ ધરાઇ હોવાનું વિભાગે ઉમેર્યું હતું.

Most Popular

To Top