Gujarat Election - 2022

ગોંડલની બેઠક પર અનિરુદ્ધસિંહ આડા ફાટતા ભાજપ ટેન્શનમાં

સુરત : એકંદરે શાંત મનાતા ગુજરાતમાં ચુંટણી વખતે જે બેઠકો પર લોહીયાળ ઘર્ષણ થવાની દહેશત હોય છે, તેમાં સૌરાષ્ટ્રના ગોંડલની બેઠકનો સમાવેશ થાય છે. અહી ઘણા સમયથી બાહુબલી નેતા જયરાજસિંહ જાડેજા પરિવારનો દબદબો છે. 1985માં કોંગ્રેસમાંથી ચૂંટાયેલા પાટીદાર આંગેવાન પોપટ સોરઠીયાની પોલીસ અધિકારીઓની હાજરીમાં ખુલ્લેઆમ હત્યા થઇ હતી. ત્યારથી આ બેઠક વિવાદી રહી છે, કેમકે સૌરાષ્ટ્રમાં સૌથી વધુ સંવેદનશીલ બુથ મથકો ધરાવતી ગોંડલ વિધાનસભા બેઠક છે. 1998માં અહી ભાજપમાંથી જયરાજસિંહ જાડેજા જીત્યા ત્યારથી ભાજપે અહી તેના સિવાય કોઇને ટીકીટ આપવાની હિંમત કરી નથી. જો કે વર્ષ 2007માં અહીથી એનસીપીના ઉમેદવાર પાટીદાર નેતા ચંદુભાઇ વઘાસીયા જીત્યા હતા. પરંતુ 2012 ફરી જયરાજસિંહ જીત્યા હતા.

2017ની ચૂંટણી સમયે જયરાજસિંહને હત્યાના કેસમાં રાજ્યની બહાર રહેવાની શરતે જામીન મળ્યા હતા. એ કારણે ગોંડલ બેઠક પર તેમના પત્નીને ટિકિટ મળી હતી. આ વખતે આપમાંથી પાટીદાર મહિલા ઉમેદવાર નિમીષાબહેન ખુંટ અને કોંગ્રેસે પણ પાટીદાર ઉમેદવાર યતિન દેસાઇને ટિકીટ આપી છે. ત્યારે ભાજપમાંથી જયરાજસિંહના એકહથ્થુ શાસન સામે રીબડાના તેના જેવા જ બાહુબલી અને ભાજપના નેતા અનિરૂદ્ધસિંહે ટિકીટ માંગી હતી. પરંતુ તે સફળ નહી થતા તેમણે કોંગ્રેસને સમર્થન જાહેર કરી ભાજપનું ટેન્શન વધારી દીધું છે.

જ્ઞાતિ-જાતિનાં સમીકરણમાં પાટીદારોના પ્રભાવ વચ્ચે ભાજપને 15397ની લીડ મળી હતી
ગોંડલ વિધાનસભા બેઠક પર કુલ 212789 મતદારો છે. જેમાં 109995 પુરુષ અને 102789 મહિલા મતદારો છે. આ મતદારોમાં લેઉવા પટેલ, કોળી, કડવા પટેલ, આહીર, ક્ષત્રિય, માલધારી, દલિત અને લધુમતી સમાજનું પ્રભુત્વ છે. 100 ટકામાંથી કોળી 5 ટકા, લેઉવા પટેલ 40 ટકા, દલિત 10 ટકા, લધુમતી 10 ટકા, કડવા પટેલ 5 ટકા, ક્ષત્રીય 10 ટકા અને અન્ય 20 ટકા છે. વર્ષ 2017માં ભાજપને અહીથી માત્ર 15397ની લીડ મળી હતી.

બેઠકના આગેવાનો અને ગુનાહિત ઇતિહાસ
ગોંડલ વિધાનસભાનો ભૂતકાળ ગુનાહિત રહ્યો છે. 15 ઓગસ્ટ 1988માં ધ્વજવંદનના કાર્યક્રમ વખતે પોપટ સોરઠીયાની હત્યા થઈ હતી. જેમની બાજુમાં રાજકોટના જિલ્લા પોલીસ વડા અને જિલ્લા કલેક્ટર પણ બેઠા હતા ત્યારે પોઈન્ટ બ્લેંક ગોળી મારવામાં આવી હતી. તેઓ ગોંડલમાં ત્રણ ટર્મ સુધી ધારાસભ્ય તરીકે કોંગ્રેસથી ચૂંટાયા હતા. તેઓ રાજકોટ માર્કેટીંગ યાર્ડના ચેરમેન પણ હતા. બીજી તરફ ગત ટર્મના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા નીલેશ રૈયાણી હત્યાના આરોપી હતા. તેમજ અગાઉના ધારાસભ્ય મહિપતસિંહ જાડેજા સામે પણ ગુના નોંધાઈ ચુક્યા છે. પૂર્વ ધારાસભ્ય ચંદુભાઈ વઘાસિયા સામે પણ ગુના નોંધાઈ ચુક્યા છે.

કેશુભાઈ પટેલ આ બેઠક પરથી ચૂંટણી લડેલા
વર્ષ 1980ની ચુંટણીમાં ગોંડલ વિધાનસભા સીટ પરથી કેશુભાઈ પટેલ ભાજપમાંથી ચૂંટણી લડ્યા હતાં, જેમાં તેઓ મોટા માર્જિનથી વિજયી થયા હતા. વર્ષ 1990થી આ વિધાનસભા સીટ પર ભાજપનો દબદબો છે. જોકે, વર્ષ 2007માં એનસીપીના ઉમેદવાર ચંદુભાઈ વઘાસિયા આ સીટ પરથી વિજેતા થયા હતા.

Most Popular

To Top