સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કોળી મતદારોની સંખ્યા વધુ છે અને આમે ય ગુજરાતમાં એમની સંખ્યા 23 ટકા છે પણ એમની સંખ્યા મુજબ એમને પ્રતિનિધિત્વ મળતું નથી એવી ફરિયાદો થઈ રહી છે. ગુજરાત વિધાનસભામાં સરેરાશ 20 ધારાસભ્યો કોળી રહેતા આવ્યા છે. અને એ જ કારણે કદાચ આ જ્ઞાતિમાં જ્ઞાતિવાદ વધતો જાય છે. ગુજરાતમાં પટેલ મતદારો 10થી 11 ટકા છે છતાં એમનું ઉપજણ કોળી કરતાં ક્યાંય વધુ છે. કોળીઑ ગરીબ અને આર્થિક સમાજિક રીતે હજુ ય પછાત ગણાય છે એ કારણે એમનામાં રાજકીય જાગૃતિ નથી.
કોળીઓ ગજબનો ઇતિહાસ ધરાવે છે અને કદાચ એ કોળીઓને ખબર પણ નથી. ગુજરાત જ નહીં પણ મહારાષ્ટ્ર , આંધ્ર , તમિલનાડુ , કર્ણાટક , રાજસ્થાન અને યુપીમાં કોળીની સંખ્યા છે અને મહારાષ્ટ્રમાં તો કોળીઓ મૂળ વસાહતીઓમાંના એક છે. કોળીઓમાં એક સમયે નેતૃત્વ હતું અને એ વાત પહેલી , બીજી સદી સુધી પહોંચે છે અને ત્યારે કેટલાક કોળી રાજાઓનું શાસન પણ હતું. બૌધ્ધ કાળમાં કોળી રાજ્ય હતા. આંધ્રમાં માંધાતા રાજા કોળી હતા. છેલ્લું કોળી રાજ્ય મહારાષ્ટ્રમાં શ્રીમંત યશવંતરાવ મુકને હતા. કોળીઓ લડાયક રહ્યાં છે. પ્રથમ વિશ્વ યુદ્ધમાં અંગ્રેજોએ કોળીઓને એમની બહાદૂરી માટે યોધ્ધા ગણાવ્યા હતા. અને 1857માં ડેક્કન કોળી કોર્પ્સ નામે કોળી સેના હતી. જેમાં 300 જેટલા કોળીઓ હતા. આ જ કોળી પાછળથી મોગલો એન અંગ્રેજો સામે પણ લડ્યા હતા.
દેશમાં કોળીઓની વસ્તી 12 કરોડ આસપાસ ગણાય છે. અને ગુજરાતમાં દોઢ કરોડ આસપાસ. કોળીઓ પેટા જ્ઞાતિઓમાં બહુ વહેંચાયેલા છે. સૌરાષ્ટ્રમાં તળપદ આને ચૂવાળિયા કોળીઓ છે. આ ઉપરાંત ઘેડિયા અને કોળી પટેલ છે. પણ આ કોળીઓમા સાક્ષરતા ઓછી છે અને એ દૂર કરવાની શરૂઆત કરમશી મકવાણાએ શરૂ કરી. 1950માં દાયકામાં એમણે ચોટીલા પાસેના ગામમાં એક વૃક્ષ નીચે શાળા શરૂ કરી અને પછી એ વાત આગળ વધતી ગઈ. કરમશી મકવાણા બાદ એમના આ શિક્ષણના યજ્ઞમાં એમના ભાઈ સવસીભાઈ મકવાણા જોડાયા. આ બંને ભાઈઓ રાજકારણમાં પણ આવ્યા. કરમશીભાઈ તો ચીમનભાઈ પટેલના મંત્રી મંડળમાં મંત્રી પણ બન્યા. ગાંધીજીના વિચારને જીવનમાં ઉતારીને આગાળ ચાલનારા આ માણસે સરકાર તરફથી ધારાસભ્યને જે ફાયદા મળે એ ના સ્વીકાર્યા. છેક સુધી સાદગીમાં જીવ્યા. સૌરાષ્ટ્રના ગાંધી કહેવાય એવું એમનું કામ રહ્યું. આજે એમના પુત્ર અને પુત્રી પણ કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહ્યા છે. આ સમાજ એક સમયે કોંગ્રેસ સાથે હતો હવે એમાં ભાજપ પણ સારો એવો હિસ્સો ધરાવે છે.
આ પરિવારને બાદ કરતાં કોળીઓમાં આવું બેદાગ નેતૃત્વ દૂર દૂર સુધી દેખાતું નથી. અત્યારે કોળી નેતૃત્વનો દોર પુરષોતમ સોલંકી અને કુંવરજી બાવળિયાના હાથમાં છે. આ બંને લાંબા સમયથી ધારાસભ્ય તરીકે ચૂંટાતા આવે છે. બંને પાંચ-પાંચ વાર ચૂંટાયા છે અને આ ચૂંટણીમાં પણ ભાજપના ઉમેદવાર છે. ભાજપનો કોળી મતદારોને અંકે કરવા સૌથી સફળ દાવ ગણાય છે. ભાજપ પુરષોતમ સોલંકીથી એમના ખરડાયેલા ભૂતકાળના કારણે પીછો છોડાવવા માંગતા હતા પણ એવું ના બની શક્યું.
કેશુભાઈ પટેલથી વિજય રૂપાણીના મંત્રી મંડળમાં એ મંત્રી રહ્યા છે. અને ભાજપે એને અને ગઈ ચૂંટણીમાં હારેલા હીરાભાઈ સોલંકીને પણ ફરી ટિકિટ આપવી પડી છે. ભાજપની એક પ્રકારે કહો કે, મજબૂરી છે. આ બને ભાઈઓને ટિકિટ ના અપાય તો સૌરાષ્ટ્રમાં ભાજપને ભારે નુકસાન થઈ શકે એ ડરે બંનેને રિપીટ કરવા પડ્યા છે. કુંવરજીભાઈમાં પણ એવું કંઈક છે. એમના જ એક વેળાના સાથી ભરત બોઘરા કે જે પક્ષના ઉપપ્રમુખ છે. અને સી આર પાટિલની નજીક છે. આ બંને નેતા સામસામે લડી ચૂક્યા છે. કોળી મતદારોમાં બાવળિયાનું વર્ચસ છે. અને પુરષોતમ કરતાં એમની ઇમેજ સરખામણીએ સાફ છે.
જો કે, ભાજપે શિક્ષિત ચહેરો લાવવાની કોશિશ કરી અને સુરેન્દ્રનગર લોકસભામાં બેઠક પરથી ડૉ. મહેન્દ્ર મુંજપરાને ટિકિટ આપી અને એ જીત્યા અને મોદી મંત્રી મંડળમાં એ મંત્રી પણ છે. જો કે, એ કોળી જ્ઞાતિમાં લોકપ્રિય નથી. બીજા કેટલાક ચહેરા ભાજપ અને કોંગ્રેસમાં છે પણ એ સોલંકી કે બાવળિયાના બરના નથી. બાકી 35થી 40 બેઠક સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં એવી છે જ્યાં કોળી મતદાન સાત આઠ ટકાથી 30 ટકા જેટલું છે.
સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર , બોટાદ અને મોરબીમાં વધુ કોળીઑ છે. દક્ષિણ ગુજરાતમાં ભરૂચ , સુરત , વલસાડ અને નવસારી જિલ્લામાં કોળી મતદારો ઠીક ઠીક છે. આમ છતાં દરેક ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ 15થી 20 કોળીઓને ટિકિટ આપે છે. 2012માં 18 કોળી ધારાસભ્ય હતા અને 2017માં એ સંખ્યા વધી 27ની થઈ. કોળી મતદારોનું મહત્વ જરૂર વધ્યું છે પણ એટલી જાગૃતિ વધી નથી. હજુ આ સમાજ નિરક્ષરતા અને કુરિવાજોથી ગ્રસ્ત છે. આર્થિક રીતે પછાતપણું ય એક વિઘ્ન છે. કોળી સમાજને કોઈ એવા નેતાની જરૂર છે જે કોળીને આર્થિક, શૈક્ષણિક અને સમાજીક રીતે સશક્ત બનાવે.