SURAT

વડાપ્રધાન મોદીએ સુરત એરપોર્ટના અધિકારીઓને ખખડાવ્યા, કેમ કે,

સુરત: વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સુરતની મુલાકાતે આવ્યા હતા. તેઓ સુરતમાં રોડ શો અને જાહેર સંબોધવા પધાર્યા હતા, પરંતુ સુરત એરપોર્ટ પર ઉતર્યા બાદ 45 મિનીટ સુધી એવું કંઈક થયું જેની કોઈએ કલ્પના પણ કરી નહોતી. ખરેખર બન્યું એવું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરત એરપોર્ટના ડેવલપમેન્ટનું કામ ચાર વર્ષ પહેલાં 2019માં શરૂ કરાવ્યું હતું, જે હજુ સુધી પૂરું થયું નથી. આથી વડાપ્રધાન નારાજ થયા હતા. તેઓએ સંબંધિત જવાબદાર અધિકારીઓનો ઉઘડો લીધો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PMModi) જાન્યુઆરી-2019માં ખાતમુહૂર્ત કરેલા 353 કરોડના સુરતને ઇન્ટરનેશનલ એરપોર્ટ (Surat International Airport) બનાવવાના ત્રણેય પ્રોજેક્ટ હજી 2022ના અંત સુધી ગોકળ ગાય ગતિએ ચાલી રહ્યા છે. અને એકપણ કામ 4 વારની મુદત વધારા પછી પણ પૂર્ણ થયાં નથી એવા ગુજરાતમિત્રમાં (GujaratMitra) પ્રસિદ્ધ થયેલા અહેવાલની ગંભીર નોંધ લઈ વડાપ્રધાને સુરતની મુલાકાત પૂર્વે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના (AAI) અધિકારીઓનો ઉધડો લઈ પ્રોગ્રેસ રિપોર્ટ માંગ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

  • ‘ગુજરાતમિત્ર’ના અહેવાલનો પડઘો: એરપોર્ટ ઓથોરિટીએ ટ્વીટ કરી મગનું નામ મરી પાડ્યું
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાન્યુઆરી-2019માં ખાતમુહૂર્ત કરેલા 353 કરોડનાં 3 કામમાંથી એકપણ કામ પૂર્ણ થયું નથી એવા ‘ગુજરાતમિત્ર’ના અહેવાલની નોંધ લઈ એરપોર્ટ ઓથોરિટી પાસે પ્રોગ્રેસ રિપોર્ટ માંગ્યો
  • સુરત એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગનું વિસ્તરણ કામ 31 માર્ચ-2023 સુધી પૂર્ણ થશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સુરત એરપોર્ટ આવી પહોંચ્યા ત્યારે પોણો કલાક સુધી એરપોર્ટની વીવીઆઈપી લોન્જમાં ભાજપના સાંસદો, સંગઠનના પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. અને આ બેઠકમાં એરપોર્ટના વિકાસનાં કામો સાથે સંકળાયેલા અધિકારીઓ પાસે વિગતો મેળવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. સામાન્ય રીતે ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરે છે એ કામ નિર્ધારિત સમયમાં અથવા એ પહેલાં પૂર્ણ થાય છે. પણ સુરત એરપોર્ટ પર 2019માં વડાપ્રધાન મોદીએ ખાતમુહૂર્ત કરેલાં 353 કરોડનાં કામોમાંથી એકપણ કામ પૂર્ણ થયું નથી. નવાઈની વાત એ છે કે, કોવિડનું કારણ ધરી ત્રણથી ચારવાર કામ પૂર્ણ કરવાની મુદતમાં વધારો થવા છતાં પાર્કિંગ એપ્રન, ટેક્સી-વે અને ટર્મિનલ બિલ્ડિંગ (Terminal) વિસ્તરણનું કામ પૂર્ણ થયું નથી. 31 માર્ચ-2022 સુધીની વધુ એક મુદતનો વધારો જાહેર થયો હોવા છતાં આ કામો આ વર્ષે પણ પૂરા નહીં થાય એવી માહિતી ગુજરાતમિત્રએ અહેવાલમાં રજૂ કરી હતી. ચોમાસું વીતવા છતાં દોઢ મહિનાથી સુરત એરપોર્ટના પાર્કિંગ એપ્રનનું કામ બંધ છે.

નવાઈની વાત એ છે કે કોન્ટ્રાક્ટરે પાર્કિંગ એપ્રન માટે ખોદેલા ખાડામાં પાણીના ભરાવાનો ફોટો સોશિયલ મીડિયામાં ફરતો થતાં વડાપ્રધાનની સુરત મુલાકાત પહેલાં તંત્ર ખાડામાંથી પાણી કાઢવા લાગ્યું હતું. હજી ટર્મિનલ બિલ્ડિંગનું પણ સ્ટ્રક્ચર જ ઊભું કરવામાં આવ્યું છે. ઇન્ટરનલ કોઈ કામ થઈ રહ્યું નથી. 353 કરોડનાં ત્રણેય કામો ગોકળ ગાય ગતિથી ચાલતાં એરલાઈન્સ કંપનીઓએ સુરતથી એર ઓપરેશન બંધ કરતાં એક સમયે રોજ 26 ફ્લાઇટ ઉડાન ભરતી હતી હતી એ સંખ્યા માત્ર 11 રહી ગઈ છે.

સુરત એરપોર્ટના હયાત રન-વે પર લેન્ડિંગ માટે વાઈડ બોડી એરક્રાફ્ટને ગેરકાયદે બાંધકામોની ઊંચાઈ નડી રહી છે. એના લીધે ઇન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ કરવાથી એરલાઈન્સ દૂર રહે છે. સુરતના ભાવિ વિકાસ માટે ગ્રીન ફિલ્ડ એરપોર્ટ માટે નવી જગ્યા અથવા હયાત સુરત એરપોર્ટની નજીકની જગ્યા સુરત એરપોર્ટને ફાળવવા માટે કોઈ આયોજન જણાતું નથી. અહેવાલને પગલે વિગતો મંગાતાં એરપોર્ટ ઓથોરિટીએ સુરત એરપોર્ટને લઈ એક પછી એક 3 ટ્વીટ કરી ટર્મિનલ બિલ્ડિંગને લગતી જાહેરાત કરી હતી.

138.48 કરોડના ખર્ચે ટર્મિનલ બિલ્ડિંગનું કામ માર્ચ સુધી પૂરું થશે: AAI
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સુરતમાં આગમન થાય એ પહેલાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ એના અધિકૃત ટ્વીટર હેન્ડલથી એક પછી એક ત્રણ ટ્વીટ કરી સુરત એરપોર્ટ પર ચાલી રહેલા વિકાસનાં કામો ક્યારે પૂર્ણ થશે એની વિગતો જાહેર કરી હતી. AAIએ જણાવ્યું હતું કે, સુરત એરપોર્ટના હાલના ટર્મિનલ બિલ્ડિંગને અપગ્રેડ કરવા માટે વિકાસની કામગીરી ચાલી રહી છે. વધતા પેસેન્જર ટ્રાફિકને પહોંચી વળવા ટર્મિનલ બિલ્ડિંગ વિસ્તરણ-અપગ્રેડેશન પ્રોજેક્ટ પાછળ કુલ ખર્ચ 138.48 કરોડનો ખર્ચ થશે. ટર્મિનલ બિલ્ડિંગ વિસ્તરણનું કામ 31 માર્ચ-2023ના રોજ પૂર્ણ થશે. અગાઉ આ તારીખ 31 ડિસેમ્બર-2022 રાખવામાં આવી હતી.

અપગ્રેડ ટર્મિનલ બિલ્ડિંગમાં આ નવી સુવિધાઓ હશે
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ બીજા ટ્વીટમાં જણાવ્યું કે, સુરત એરપોર્ટનું હયાત ટર્મિનલ બિલ્ડિંગ અપગ્રેડ થયા પછી એ GRIHA 4-સ્ટાર સુસંગત હશે. અને પિક અવર્સ દરમિયાન 1800 મુસાફરને હેન્ડલ કરવામાં સક્ષમ હશે. 20 ચેક-ઇન કાઉન્ટર, 5 એરોબ્રિજ, 13 ઇમિગ્રેશન કાઉન્ટર અને 5 બેગેજ કેરોસેલ્સની આધુનિક સુવિધા એમાં હશે. બાંધકામ હેઠળના ટર્મિનલ બિલ્ડિંગ ટૂંક સમયમાં મુસાફરો માટે સરળ, આરામદાયક અને મુશ્કેલી મુક્ત મુસાફરીમાં મદદરૂપ બનશે.

વડાપ્રધાને એરપોર્ટની વીવીઆઈપી લોન્જમાં સી.આર.પાટીલ સહિતના આગેવાનો સાથે બેઠક યોજી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત એરપોર્ટ આવ્યા પછી તેમણે 45 મિનીટ સુધી એરપોર્ટની વીવીઆઈપી લોન્જમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ, દર્શના જરદોશ, હર્ષ સંઘવી, પૂર્ણશ મોદી, શહેર જિલ્લાના મહત્ત્વના પ્રભારીઓ, ચૂંટણી લડી રહેલા રાજ્ય સરકારના મંત્રીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં સુરત અને તાપી જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતની સ્થિતિ વિશે પણ વિગતો મેળવી હોવાનું જાણવા મળે છે.

Most Popular

To Top