વ્યારા: વ્યારાના સયાજી ગ્રાઉન્ડ ખાતે આશરે 1800 જેટલા વિદ્યાર્થીઓ (Student) અને નાગરિકો દ્વારા મતદાન જાગૃતિ રેલી “રન ફોર વોટ, વોટ ફોર તાપી” થિમના આધારે મતદાન જાગૃતિ રેલીનું આયોજન કરાયું હતું. આ મતદાનની જાગૃતિ માટે નીકળેલી રેલીમાં સૂત્રોચ્ચારથી સમગ્ર વ્યારા શહેર ગૂંજી ઊઠ્યું હતું.
વ્યારાના સયાજી ગ્રાઉન્ડ ખાતેથી રેલી નીકળી સ્કૂલ રોડ, જૂના બસ સ્ટેન્ડ સુરતી બજાર, હરિપુરા થઇ મેઇન રોડ થઇ સયાજી ગ્રાઉન્ડ ખાતે પરત ફરી હતી. મતદારોને જાગૃત કરવાના અર્થે વ્યારા નગરમાં “રન ફોર વોટ” રેલીનું આયોજન કરાયું હતું. જેમાં 1800થી વધારે સંખ્યામાં શાળાના, કોલેજના વિદ્યાર્થીઓ, વિવિધ સરકારી કચેરીના અધિકારી-કર્મચારીઓ તેમજ વ્યારા નગરના જાગૃત નાગરિકોએ પણ ભાગ લીધો હતો. આગામી ચૂંટણીમાં મહત્તમ સંખ્યામાં મતદારો મતદાન કરે જેમાં ખાસ કરીને 80 વર્ષથી ઉપરના વડીલો મતદારો, 18 વર્ષના યુવા મતદારો, સગર્ભા માતાઓ અને બહેનો સહિત તમામ મતદારો માટેનું આયોજન જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરાયું છે. આ ઉપરાંત તાપી જિલ્લાના દરેક મતદાનમથક પર પીવાના પાણી, મતદારોના લાઈન માટે તેમજ બેસવાની વ્યવસ્થા, શૌચાલય, હેલ્પ ડેસ્ક જેવી વિવિધ વ્યવસ્થા છે. જિલ્લાના યુનિક મતદાન મથકો, સખી મતદાન મથક, દિવ્યાંગ મતદાન મથકોની વ્યવસ્થા કરાઇ છે.
આ રેલીમાં વ્યારાની દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય, કે.કે.કદમ કન્યા વિદ્યાલય, જે.બી.એન્ડ એસ.એ, કે.બી.પટેલ, આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ વ્યારા, ડી.એલ.એસ.એસ. સ્પોર્ટસ સ્કૂલ, હોમિયોપેથીક સ્કૂલ અને નગરપાલિકા વ્યારા સહિત વિવિધ સરકારી વિભાગના અધિકારી-કર્મચારીઓ પણ રેલીમાં મતદાન જાગૃતિનાં સૂત્રો દર્શાવેલાં વિવિધ બેનરો હાથમાં લઇ આ રેલીમાં ઉત્સાહભેર જોડાયા હતા. આ સિવાય રેલીના અંગે “ટીમ તાપી” દ્વારા નિર્માણ પામેલા મતદાન જાગૃતિનાં ગીતોના તાલ પર મન મૂકીને ઝૂમ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, સોનગઢ નગરપાલિકા ખાતે “મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત “રન ફોર વોટ, વોટ ફોર તાપી” તા.૨૫/૧૧/૨૦૨૨ના રોજ સવારે ૮.૩૦ કલાકથી મામલતદારની કચેરીથી શિવાજી ચોકથી નગરપાલિકા કચેરી, હાથી ફળિયા થઇ પારેખ ફળિયા જૂના ગામ મેઇન રોડથી બાપા સીતારામ નગરથી ઉકાઇ રોડ, બ્રાહ્મણ ફળિયાથી સ્ટેટ બેંક થઇ શિવાજી ચોકથી મામલતદારની કચેરી ખાતે પરત થશે.